નિકાસકારોને ડોલરનો પૂરતો સપોર્ટ પરંતુ નિકાસ અભાવે એગ્રિ કોમોડિટી નરમ - Sandesh
 • Home
 • Supplements
 • Business @ Sandesh
 • નિકાસકારોને ડોલરનો પૂરતો સપોર્ટ પરંતુ નિકાસ અભાવે એગ્રિ કોમોડિટી નરમ

નિકાસકારોને ડોલરનો પૂરતો સપોર્ટ પરંતુ નિકાસ અભાવે એગ્રિ કોમોડિટી નરમ

 | 1:05 am IST

કોમોડિટી વોચઃ  મિનિતા દવે

એગ્રિ કોમોડિટી માર્કેટ માટે સુવર્ણકાળ શરૂ થયો હોવા છતાં મંદીનું ગ્રહણ લાગ્યું છે. કરન્સી માર્કેટમાં રૂપિયા સામે ડોલર ઊંચકાઇ ૭૦ની સપાટી ઉપર પહોંચ્યો છે પરંતુ વૈશ્વિક મંદીના કારણે ડોલરની તેજીનો લાભ લેવામાં નિકાસકારો સફળ રહ્યાં નથી. ધારણા મુજબના નિકાસ વેપારો ન રહેતા અને દેશભરના મોટા ભાગના રાજ્યોમાં વરસાદની ખાધ પૂરી થઇ જતા અને સારા વરસાદના કારણે પાકનું ચિત્ર બદલાઇ જવાના કારણે મોટા ભાગની એગ્રિ કોમોડિટીમાં સપ્તાહમાં ૫-૧૫ ટકા સુધીનો ઘટાડો આવ્યો છે. અત્યારે એગ્રિ કોમોડિટીની તેજીને પુરતો સપોર્ટ છે છતાં મંદીનો ટ્રેન્ડ યથાવત રહ્યો છે. એક તરફ નિકાસ માટે નિકાસકારોને ડોલરની તેજીનો લાભ મળી રહ્યો છે પરંતુ તેજીનો લાભ પુરતી માત્રામાં ઉઠાવી શકતા નથી. વૈશ્વિક નબળી માગ અને વૈશ્વિક બજારોમાં મોટા ભાગની કોમોડિટીમાં મંદીનો ટ્રેન્ડ ચાલી રહ્યો હોવાથી નિકાસ વેપારો સાવ નહિવત્ જેવા છે એટલું જ નહીં ગુણવત્તાનો અભાવ હોવાના કારણે પણ નિકાસને ધક્કો લાગ્યો છે. રૂપિયા સામે ડોલર ઊંચકાઇને ૭૦ની સપાટી કુદાવી ગયો છે છતાં હજુ સુધી નિકાસકારો ડોલરની ઝડપી તેજીનો લાભ લેવામાં સફળ નીવડયા નથી. વૈશ્વિક મંદી તથા કરન્સી માર્કેટની આંટી-ઘૂંટીમાં છેલ્લા એક વર્ષથી એગ્રિ કોમોડિટીની નિકાસ અટવાઇ પડી છે જેના કારણે મોટા ભાગની કોમોડિટીમાં ભાવ તળિયે બેસી ગયા છે. હજુ તેજીની શકયતાઓ નહિવત્ છે. સિવાય કે સરકાર દ્વારા નિકાસને વેગ આપવા માટે કોઇ પ્રોત્સાહક નીતિ ઘડાય તો જ નિકાસને વેગ મળે અને એગ્રિ કોમોડિટીમાં સુધારાનો ટ્રેન્ડ આવી શકે. તેજી માટે સરકાર નિકાસકારોને ફાયદો આપવાના બદલે વણજોઈતા લાભો આપી રહી છે. ખાંડની નિકાસ મુદત પૂરી થઇ છે ત્યારે નિકાસ વધારવા માટે ત્રણ માસનો નિકાસનો સમય લંબાવી દીધો પરંતુ તેનાથી નિકાસ થાય તેમ નથી. ૨૦ લાખ ટનની નિકાસના લક્ષ્યાંક સામે ૪ લાખ ટન પણ ખાંડની નિકાસ થઇ નથી. વૈશ્વિક બજારોમાં ભાવ નીચા છે ત્યારે સરકારે ખાંડની નિકાસ પર સબસિડી આપવી જોઇએ અને નિકાસકારોને નિકાસ વધારવા માટે અન્ય લાભો પૂરા પાડવામાં આવે તો જ નિકાસ થઈ શકે તેમ છે. અન્ય એગ્રિ કોમોડિટીની નિકાસમાં પણ આવી જ સ્થિતિ છે.

દેશભરના મોટા ભાગના રાજ્યમાં વરસાદની ખાધ પૂરી થતા અને સારા ચોમાસાના કારણે ખરીફ વાવેતર વિસ્તાર ૧૦૦૦ લાખ હેક્ટરથી વધી ગયો છે તેમજ પાકના અંદાજો પણ સારા આવવા લાગ્યા છે જેના કારણે પણ કોમોડિટીમાં ઘટાડાની ચાલ જળવાઇ રહી છે. વૈશ્વિક ખાદ્યતેલોમાં ભાવ સપાટી નીચી હોવાથી ડોલરની તેજી વચ્ચે પણ ખાદ્યતેલોની આયાત આગામી સમયમાં વધશે તેવા અહેવાલો વચ્ચે સ્થાનિકમાં ભાવ સપાટી તૂટી રહી છે. કેટલાક નિકાસકારોનું એવું કહેવું છે કે જીએસટી બાદ રિફંડ હજુ સુધી સલવાઈ ચૂકયા છે જેના કારણે પણ નિકાસ વેપારોને અસર પડી રહી છે. નિકાસકારોના મતે સરકાર નિકાસ માટે કોઇ યોગ્ય રણનીતિ ઘડે તો જ એગ્રિ કોમોડિટી માર્કેટમાં સુધારો આવી શકે અને તેના દ્વારા ખેડૂતોને પણ ફાયદો થઇ શકે. સરકારનું વિઝન ખેડૂતોની ઊપજના દોઢ ગણા ભાવ અપાવવાનું છે તે ત્યારે જ સિદ્ધ થશે જ્યારે નિકાસ વેપારને વેગ મળશે. સરકાર ગમે તેટલી ભાવ વધારાની મહેનત કરે પરંતુ તેજીની હાલ કોઈ જ શકયતા જણાતી નથી. ઊલટું ઉત્પાદન સતત વધી રહ્યું છે જેના કારણે પણ ભાવ સપાટી સતત નીચી આવી રહી છે. ડોલર સામે રૂપિયાની મજબૂતીમાં સૌથી મોટી અસર આયાત-નિકાસકારોને પડી હતી. નિકાસકારોએ ફોરવર્ડમાં કરેલા વેપારોમાં મોટી નુકસાની પહોંચી છે. ઉપરાંત મોટા ભાગના સોદાઓ તો કેન્સલ પણ થઇ ગયા છે એટલું જ નહીં કરન્સી માર્કેટમાં દૈનિક વધઘટ ૧૫-૨૫ પૈસાની સામાન્ય બની ગઇ છે જેના કારણે નિકાસકારો મોટા વેપાર કરવાનું ટાળી રહ્યાં છે. લાંબા સમયગાળા સુધી જો રૂપિયો ૭૦ ઉપર રહેશે તો દેશમાં આયાત મોંધી પડશે જેના કારણે ચાલુ નાણાકીય ખાધ (કેડ) પર મસમોટો બોજો આવશે અને તેની સીધી અસર ભારતીય અર્થતંત્ર પર પણ જોવા મળશે તે નક્કી છે. આમ આવા સંજોગોમાં રૂપિયાની મંદીને અટકાવવા માટે પણ રિઝર્વ બેન્ક આગામી સમયમાં કોઇ નક્કર પગલા ભરે તો નવાઈ નહીં વૈશ્વિક સ્તરે ટ્રેડ વોરમાં ડોલરની ભૂમિકા મુખ્ય ભાગ ભજવશે. ટ્રેડવોરના કારણે મોટાભાગના વિકસિત દેશોને મોટી અસર પડશે તે નક્કી છે. એટલું જ નહીં ક્રૂડની તેજી વધુ વકરશે. ક્રૂડની તેજીના કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ રેકોર્ડ ઊંચાઇ પર પહોંચ્યા છે. જેના કારણે આગામી સમયમાં ફુગાવાનો દર પણ ઊંચો રહેશે તેવું ધ્યાન છે.  ફેડરલ રિઝર્વની આગામી સમયમાં મળનારી બેઠકમાં વ્યાજદર વધારા મુદ્દે કેવો નિર્ણય લેવામાં આવે છે તેના પર પણ આયાત-નિકાસકારોની નજર કેન્દ્રિત થઈ છે. જોકે, વ્યાજદરમાં વધારો કરશે તેવા સંકેતો પ્રબળ મનાઇ રહ્યાં છે જો વ્યાજ વધશે તો ડોલરમાં તેજી વધુ આગળ વધશે જેની અસર પણ આયાત-નિકાસ પર જોવા મળશે. ક્રૂડની તેજીના કારણે ગમ-ગવારમાં નિકાસ વેપારને વેગ મળવો જોઇએ તે મળ્યો નથી. ઊલટું ગમમાં માગ અભાવના કારણે ભાવ તૂટી રહ્યાં છે. છેલ્લા એક સપ્તાહમાં સરેરાશ ૧૦-૧૫ ટકા સુધી ગમમાં ભાવ તૂટયા છે. ગમ વાયદો ઘટીને ૮,૯૦૦ની સપાટી નજીક પહોંચ્યો છે. ગમ ઉપરાંત મસાલા પાકોમાં પણ નિકાસ વેપારો ઠંડા રહ્યાં હોવાથી ભાવ સપાટી નીચી રહી છે.

 • ડોલરની સંગીન તેજીમાં પણ નિકાસકારોને ફાયદો ઉઠાવવામાં અસક્ષમ, વોલેટાલિટીના કારણે ફોરવર્ડમાં વેપારો અટકયાં
 • ટ્રેડવોર અને કરન્સી વોરના કારણે ભારતીય નિકાસકારોને ફાયદો થવાની શકયતા અવળી સાબિત થઇ
 • બીજા રાઉન્ડનો સારો વરસાદ થઇ જતા ખરીફ ઉત્પાદનનું ચિત્ર બદલાતા પણ એગ્રિ કોમોડિટીમાં ઘટાડાની ચાલ જોવાઇ
 • છેલ્લા એક સપ્તાહમાં મોટા ભાગની એગ્રિ કોમોડિટીમાં સરેરાશ ઔ૫-૧૫ ટકા સુધીનો ઘટાડો આવ્યો
 • ક્રૂડમાં ઝડપી તેજી, ૭૭ ડોલર સુધી પહોંચ્યું હોવા છતાં સ્થાનિકમાં ઔગમ-ગવારમાં મંદીની સર્કિટો લાગી
 • સરકાર ટેકાના ભાવથી ખરીદ કરેલા માલોનું વેચાણ કરશે અને નવો પાક સારો આવશે તેવા અહેવાલે સ્ટોકિસ્ટોની માગ અટકી
 • હાજર બજાર સાથે વાયદામાં પણ મંદીના ખેલાડીઓ હાવી થતા વધતી વોલેટાલિટી, નવા પાકનું ચિત્ર સ્પષ્ટ થયા બાદ તેજી-મંદીની ચાલ ઘડાશે
 • અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડવોરનો લાભ ભારતીય નિકાસકારોને મળશે પરંતુ હાલ નિકાસ વેપાર ઠંડા.