Expose the hero, he said that I do not look like a hero today!
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • હીરોનો બેધડક ખુલાસો, કહ્યું કે હું તો આજેય હીરો જેવો દેખાતો નથી!

હીરોનો બેધડક ખુલાસો, કહ્યું કે હું તો આજેય હીરો જેવો દેખાતો નથી!

 | 3:25 pm IST

લશ્કરના જવાનની ભૂમિકામાં તું ફિટ બેસી શકે? 

૨૫મીએ સિનેમાઘરમાં જઈને જોઈ લો. મેં તો ભરપૂર પ્રયાસ કર્યો છે. રાઈફલમેન તરીકે કેટલો કન્વિન્સિંગ છું એ તો તમે લોકો જ કહી શકશો. ફિલ્મ જોયા પછી પ્લીઝ મને પણ જાણ કરજો!

સ્માર્ટ મૂવ!

થેન્ક યૂ!

ફિલ્મ ખૂબ વહેલી બની ગઈ હોય એવું નથી લાગતું? 

ફિલ્મ વહેલી બની હોય તો એમાં ખોટું શું છે? સારી વાત છેને! તમારી વાત સાચી છે, ગયા જાન્યુઆરીમાં એટલે કે જાન્યુઆરી ૨૦૧૯માં ઉત્તરાયણના બીજા દિવસે આ ફિલ્મની જાહેરાત કરતું ટ્વીટ અને ઈન્સ્ટા પર સ્ટેટસ મૂક્યું હતું. આજે ફિલ્મ રિલીઝ થઈ રહી છે!

નવ મહિનામાં…!

અરે હા! તમે સરસ જોગાનુજોગ શોધી કાઢયો. ફિલ્મસર્જક માટે એની ફિલ્મ એના બાળક જેવી જ હોય છે અને બાળકની જેમ પૂરા સમયે રજૂ થઈ રહી છે! હા… હા… હા…

ફિલ્મનું ઈન્ટ્રોડક્શન તો જોરદાર હતું, ફિલ્મ પણ એવી જ જોરદાર છે? 

ઈન્ટ્રોડક્શનમાં લખ્યું હતું એવો જ રોમાંચ ફિલ્મમાં છે. દુશ્મન આગળ વધી રહ્યો છે. સરહદની રક્ષા કરવાની છે, ત્રણ રાઈફલમેન જ પોસ્ટ ઉપર હાજર છે… છતાં રક્ષા તો કરવાની છે! વિચાર કરી જુઓ કેવું લોખંડી જીગર જોઈએ. આવી ક્ષણોમાં જરૂર છે હિંમત હાર્યા વગર દુશ્મન સામે મોરચો સાચવી રાખવાની!

કેદારનાથની સફળતા પછી તારા ભાવ ઊંચકાયા કેમ? 

ભાવ તો જાણે વ્યવસાયનો એક ભાગ છે. એ બધું મારો મેનેજર જુએ છે, પરંતુ હા! કેદારનાથની જોરદાર સફળતા પાછળ મારો આત્મવિશ્વાસ અનેકગણો મજબૂત થઈ ગયો છે. મહેન્દ્રસિંહ ધોની અને પછી કેદારનાથ; સતત સફળતા મળે તો કામ આપોઆપ નીખરી ઊઠે અને પારાવાર સંતોષ મળે. આ ફિલ્મ પણ હિટ થઈ જાય તો હું માનીશ કે હવે મારી સફળતા ટકશે!

ફિલ્મની સ્ટોરી કહીશ? 

ચોક્કસ કહીશ. એ તો ઓપન સિક્રેટ છે. આ ફિલ્મ રાઈફલમેન જસવંતસિંહ રાવતના જીવન પર આધારિત છે. ચીને ભારત પર આક્રમણ કર્યું એ જમાનાની વાત છે. એક મોરચા પર જસવંતસિંહ રાવત, ત્રિલોક નેગી અને ગોપાલ ગોસાંઈ એમ ત્રણ જવાનો હાજર છે. ચીની સેના આગળ વધી રહી છે અને આ ત્રણ રાઇફલમેનને ૭૨ કલાક સુધી કોઈ મદદ મળી શકે એમ નથી. એ લોકો ચોકી બચાવવા છેલ્લા શ્વાસ સુધી ઝઝૂમવાનું નક્કી કરે છે. પોતાનો દારૂગોળો ખૂટી પડતાં જસવંતસિંહ હિંમત કરી જમીન પર પેટ ઘસડાઈને ચીની લશ્કરે મોરચો માંડવા જે ખાઈ ખોદી હોય ત્યાં સુધી પહોંચી જાય છે અને એમની એમએમજી ઉપાડી લાવે છે. એમની જ મશીનગનથી એમની સામે લડે છે. જસવંતસિંહ દુશ્મનની ગોળીથી શહીદ થાય એ પછી ગોપાલસિંઘ એ મશીનગન વડે ચીની સૈનિકોનો કચ્ચરઘાણ વાળે છે. આ દિલધડક ૭૨ કલાકની એકએક ક્ષણ સાકાર કરવામાં આવી છે.

આ ફિલ્મ માટે કાયદાકીય ગૂંચ સર્જાઈ હતી? 

ચોક્કસ વિગતો ખબર નથી, પરંતુ કંઈક એવું હતું કે જસવંતસિંહ રાવતના જીવન પરથી ફિલ્મ બનાવવાના હક અમે ખરીદી લીધા છે. ખબર પડી કે અન્ય કોઈ સર્જકો ‘૭૨ અવર્સઃ માર્ટીર હૂ નેવર ડાઈડ’ નામની ફિલ્મ બનાવી રહ્યા છે. એ લોકો અમારી ફિલ્મ કરતાં વહેલી એમની ફિલ્મ રજૂ કરવાના હતા. એની સામે કાયદેસર પગલાં લેવાયાં હતાં.

એ ફિલ્મ તો વહેલી રજૂ પણ થઈ ગઈ અને પીટાઈ પણ ગઈ. તમારી ફિલ્મ ચાલશે? 

મને તો ખાતરી છે કે ચોક્કસ ચાલશે. ફિલ્મની વાર્તામાં તો કોઈ સસ્પેન્સ નહોતું! જે કંઈ છે એ પટકથામાં છે, ફિલ્મ શી રીતે પડદા પર સાકાર થાય છે એ મહત્ત્વનું છે. એ રીતે રાઈફલમેન જબરજસ્ત બની છે.

ચોકલેટી રાઈફલમેન ખરેખર ચાલશે? 

તમે બીવડાવો નહીં ભાઈ! ફિલ્મમાં ચોકલેટી લાગું છું કે લશ્કરી જવાન એ પડદા પર જોઈને જ નક્કી કરો!

સારું, આ ફિલ્મની વાત જવા દઈએ બીજી અંગત વાતો કરીએ?  

મારા અફેર્સ સિવાયની કોઈ પણ વાત કરો.

તારી અભિનયયાત્રા ટીવી સિરિયલ પવિત્ર રિશ્તાથી શરૂ થઈ હતી? 

હા, એ માટે હું એકતા કપૂરનો આભારી છું. ૨૦૦૯થી ૨૦૧૧ સુધી એ સિરિયલ ચાલી અને દેશમાં હું ઘેરઘેર જાણીતો તથા લોકપ્રિય બની ગયો હતો.

આટલી જોરદાર લોકપ્રિયતા મળ્યા પછી અચાનક ટીવી છોડીને ફિલ્મોમાં ઝંપલાવવાનું જોખમ શા માટે ખેડયું? 

એ સિરિયલની વાર્તામાં અને મારા પાત્રમાં કશું નવું ઔઆૃર્યજનક બચ્યું નહોતું. એમની એક ઘરેડનું કામ કરતા રહેવાનું મને ગમતું નહોતું. મારે તો અભિનયમાં આગળ વધવું હતું એટલે ટીવી સિરિયલ છોડીને ફિલ્મોમાં નસીબ અજમાવવા લાગ્યો.

એમાં શરૂઆતમાં સળંગ નિષ્ફળતાઓ મળી તો પાછા ફરવાનું મન ન થયું? 

સાચું કહું તો હું મારો નિર્ણય ફરી વિચારણા કરી બદલવો કે નહીં એ વિચારમાં જ હતો એ વખતે ‘કાઈપો છે’ રજૂ થઈ અને હિટ થઈ ગઈ. લોકોએ મારા અભિનયને વખાણ્યો. મને બીજી ફિલ્મ મળવા લાગી એટલે પાછા ફરવાનું માંડી વાળ્યું.

હવે એકતા કપૂર ટીવી સિરિયલમાં બોલાવે તો? 

આજે હું જે કંઈ છું એ એકતાને જ આભારી છે. એ કહે તો હું ચોક્કસ ટીવીમાં જ શું કરવા, કોઈપણ પ્લેટફોર્મ પર પાછો ફરું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન