Extra comment: China refuses to withdraw troops from Hot Spring
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • એક્સ્ટ્રા કોમેન્ટ : ચીને હોટ સ્પ્રિંગથી સેના હટાવવાની ના પાડી દીધી

એક્સ્ટ્રા કોમેન્ટ : ચીને હોટ સ્પ્રિંગથી સેના હટાવવાની ના પાડી દીધી

 | 5:48 am IST
  • Share

  • ભારત અને ચીન વચ્ચે દોઢ વર્ષથી ચાલતો સંઘર્ષ હજુ લાંબો ખેંચાય એવાં એંધાણ
  • બંને દેશો વચ્ચે મોલ્ડોમાં કોર કમાન્ડર સ્તરની તેરમી બેઠક રવિવારે મળી 
  • તેરમાંથી માત્ર બે વખત ચીનનું વલણ થોડુંક હકારાત્મક રહ્યું 

ભારત અને ચીન વચ્ચે સરહદ સંઘર્ષ બાદ છેલ્લા દોઢ વર્ષમાં સેના લેવલની કુલ તેર બેઠકો યોજાઈ છે. આ તેરમાંથી માત્ર બે વખત ચીનનું વલણ થોડુંક હકારાત્મક રહ્યું હતું. માત્ર પેંગોગ અને ગોગરા વિસ્તારમાંથી ચીન થોડુંક પાછું હટ્યું છે. તેરમી બેઠકમાં એક જ સારી વાત થઇ. ચીને કહ્યું કે, વિવાદનો અંત આણવા માટે આપણે વાતચીત ચાલુ રાખીશું. ચીન ધારે તો ભારત સાથેના સંબંધો સુધારી શકે એમ છે પણ ચીન પોતાની તંગડી ઊંચી રાખવા માંગે છે. ચીન સાથે સંઘર્ષ લાંબો ચાલવાનો છે

બંને દેશો વચ્ચે મોલ્ડોમાં કોર કમાન્ડર સ્તરની 13 બેઠક મળી

ભારત અને ચીન વચ્ચે દોઢ વર્ષથી ચાલતો સંઘર્ષ હજુ લાંબો ખેંચાય એવાં એંધાણ મળી રહ્યાં છે. બંને દેશો વચ્ચે મોલ્ડોમાં કોર કમાન્ડર સ્તરની તેરમી બેઠક રવિવારે મળી હતી. આ બેઠક નિષ્ફ્ળ રહી. બંને દેશોએ એકબીજા સામે નકારાત્મક અભિગમનો આક્ષેપ કર્યો. આપણા દેશે કહ્યું કે, ચીનને રચનાત્મક સલાહ આપી હતી પણ તેણે માનવાનો ઇન્કાર કર્યો. સામા પક્ષે ચીને એવું કહ્યું કે, ભારતની વાત ગેરવાજબી અને અવાસ્તવિક હતી. આ બેઠકમાં એકમાત્ર પોઝિટિવ વાત એ હતી કે, સરહદના વિવાદનો અંત લાવવા માટે બંને દેશોએ વાતચીત ચાલુ રાખવાનું નક્કી કર્યું છે. છેલ્લાં દોઢ વર્ષ દરમિયાન મળેલી તેર બેઠકમાંથી માત્ર બે બેઠકનાં જ પોઝિટિવ પરિણામો મળ્યાં હતાં. ફેબ્રુઆરીમાં ચીન પેંગોગ લેક નજીકથી સેના થોડીક પાછળ ખસેડવા રાજી થયું હતું. એ પછી ઓગસ્ટમાં ગોગરા વિસ્તારમાંથી ડિસએન્ગેજમેન્ટ માટે ચીન તૈયાર થયું હતું. એ સિવાયની તમામ બેઠકોમાં ચીને આડોડાઈ જ કરી છે.

ખરેખર ચીન ઇચ્છે છે શું? 

સૌથી મોટો સવાલ એ છે કે, ખરેખર ચીન ઇચ્છે છે શું? ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના મનમાં શું ચાલી રહ્યું છે? ભારત અને ચીન વચ્ચેનો વિવાદ લંબાય એનાથી બંને દેશોને નુકસાન છે એ વાત સાચી પણ વધુ ગેરફયદો ચીનને છે. આમ છતાં ચીન કેમ નમતું જોખવા માટે તૈયાર થતું નથી? ચીન રાઇટ ટાઇમની રાહ જોઈ રહ્યું છે? ચીન આગામી સમયમાં ભારત અને અમેરિકાના સંબંધો કેવા રહે છે એ જોવા માટે સમય પસાર કરતું હોય એવી શક્યતા નકારી શકાતી નથી. આપણા દેશે રશિયા પાસેથી એસ-400 એર ડિફ્ેન્સ સિસ્ટમ ખરીદી છે. આ વર્ષના અંત સુધીમાં રશિયા પાસેથી તેની ડિલિવરી મળવાની છે. રશિયા પાસેથી હથિયારો ખરીદવા સામે અમેરિકાએ પ્રતિબંધો લાદ્યા છે. ભારતની ખરીદી સામે અમેરિકા નારાજગી વ્યક્ત કરતું રહ્યું છે. ભારતને એસ-400ની ડિલિવરી મળી જાય એ પછી અમેરિકાનું ભારત સાથેનું વલણ કેવું રહે છે એના ઉપર આખી દુનિયાની નજર છે. ચીન સ્વાભાવિક રીતે જ એવું ઇચ્છે કે, ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો વણસે. માત્ર ચીન જ નહીં, રશિયા અને ઇરાનની નજર પણ એના ઉપર રહેવાની છે કે, અમેરિકા ભારત પર પ્રતિબંધો લાદવાની હિંમત કરશે કે કેમ? ચીનને કદાચ એવું હશે કે, જો ભારત અને અમેરિકાના સંબંધો બગડે તો ભારત ચીન પ્રત્યે થોડુંક કૂણું પડે. રશિયા અને ચીન ભારત સામે એવો આક્ષેપ કરી ચૂક્યા છે કે, અમેરિકાના કારણે જ ભારત ચીન સાથે સંબંધો સુધારતું નથી. આ વાત સાવ ખોટી નથી પણ ચીને એ પણ વિચારવાની જરૂર છે કે, ભારત અને ચીન વચ્ચે તંગદિલીની શરૂઆત કેમ થઈ? ચીને પોતાની વિકૃત પ્રકૃતિ મુજબ સરહદ પર સેનાનો જમાવડો કરવાનું શરૂ કર્યું એમાં જ વાત વણસી હતી.

12 જગ્યાઓ એવી છે જ્યાં ચીનના સૈનિકોએ અડિંગો જમાવ્યો

લદાખ બોર્ડર પર સૌથી પહેલી અથડામણ તારીખ 1 મે, 2020ના રોજ થઇ હતી. બંને દેશના સૈનિકો સામસામે આવી ગયા હતા અને ઝપાઝપી થઇ હતી. આ ઘટના પછી આપણા દેશે ચીનને ચેતવણી આપી હતી. ચીને સેનાનો જમાવડો ઘટાડવાને બદલે વધાર્યો. 15મી જૂન, 2020ની રાતે ફ્રીથી બંને દેશોના સૈનિકો સામસામે આવી ગયા. એ વખતે જે બન્યું એણે ભારત અને ચીન વચ્ચે મોટી ખાઈ સર્જી દીધી. આ અથડામણમાં આપણા દેશના વીસ જવાનોએ શહીદી વહોરી હતી. ચીનના ચાલીસથી વધુ સૈનિકો માર્યા ગયા હતા. એ વાત જુદી છે કે, ચીને ક્યારેય સૈનિકોનાં મોતનો સાચો આંકડો આપ્યો નથી. ભારત અને ચીન વચ્ચે આજની તારીખે 12 જગ્યાઓ એવી છે જ્યાં ચીનના સૈનિકોએ અડિંગો જમાવ્યો છે. હોટ સ્પ્રિંગ, ડેપસાંગ, ર્ચાિડલ નુલ્લાહ જંક્શન, ડેમ ચોક વગેરે જગ્યાએથી પાછા ખસવા માટે આપણો દેશ ચીન સાથે વાતચીત કરી રહ્યો છે. હવે વાત 14મી બેઠક પર ગઇ છે. આ બેઠક ક્યારે મળશે એ હજુ નક્કી નથી. તેરમી બેઠકમાં ચીનનું વર્તન જે રીતનું હતું એ જોતાં એવું લાગે છે કે, ચીનને મામલો લાંબો ખેંચવો છે.

એક તરફ બેઠકો કરે છે અને બીજી તરફ સરહદ પર પેશકદમી

ચીન એક તરફ એવી વાતો કરી રહ્યું છે કે, ભારત સાથે સંબંધો સારા થાય એવું અમે ઇચ્છીએ છીએ. બીજી તરફ એવુ  કોઈ પગલું ભરતું નથી જેનાથી સંબંધ સુધરે. એક તરફ બેઠકો કરે છે અને બીજી તરફ સરહદ પર પેશકદમી પણ કરી રહ્યું છે. છેલ્લા થોડા સમયમાં જ ચીને ઉત્તરાખંડ અને અરુણાચલ પ્રદેશમાં ઘૂસણખોરી કરી હતી. ભારત અને ચીન વચ્ચે સ્પષ્ટ એટલે કે દોરેલી સીમા નથી એ વાત સાચી, પરંતુ કોની હદ ક્યાં પૂરી થાય છે અને પોતાની હદ ક્યાંથી શરૂ થાય છે એની ખબર અને સમજ તો ચીનને છે જ. ચીનની દાનત એવી છે કે, સરહદ પર થોડા થોડા આગળ વધતા જવું અને કબજો જમાવતા જવું. આ સમય દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનું વર્તન પણ ભેદી રહ્યું છે. દોઢ વર્ષના ઘર્ષણ દરમિયાન જિનપિંગે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત જ કરી નથી. સામાન્ય સંજોગોમાં કોઈ વિવાદ થાય ત્યારે બે દેશના વડા રૂબરૂ કે ફેન પર વાત કરી લે છે અને સમસ્યાનો હલ શોધી કાઢે છે. જિનપિંગ તરફ્થી ક્યારેય સંવાદ સાધવાનો પ્રયાસ થયો નથી. ભારત અને ચીન વચ્ચે દોઢ વર્ષ અગાઉ એટલા સારા સંબંધો તો હતા જ કે કંઈ હોય તો વાત કરી શકાય. મોદી અને જિનપિંગ જ્યારે જ્યારે મળ્યા છે ત્યારે સારી રીતે જ મળ્યા છે. કોરોનાના કારણે બંને દેશના નેતાઓ કોઇ ઇન્ટરનેશનલ પ્લેટફેર્મ પણ ભેગા થયા નથી. ચીન પાકિસ્તાન સાથે મળીને પણ ચાલબાજી કરતું રહે છે. હવે તો ચીનનો પગપેસારો અફ્ઘાનિસ્તાનમાં પણ થઇ ગયો છે. ચીનની દાનત ભારતની સ્થિતિ વધુ ને વધુ કપરી બને એવી છે. કાશ્મીરમાં છેલ્લા ઘણા સમયથી આતંકવાદીઓએ ઉત્પાત મચાવ્યો છે. આજે જ કાશ્મીરના રાજૌરી જિલ્લાના પીર પંજાલ ક્ષેત્રમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં આપણી સેનાના પાંચ જવાનોએ શહીદી વહોરી છે. એ વાત તો જગજાહેર છે કે, કાશ્મીરના આતંકવાદીઓને પાકિસ્તાનનો ખુલ્લો સાથ છે અને પાકિસ્તાનને ચીન તમામ પ્રકારની મદદ કરતું રહે છે. નિષ્ણાતોનો એક મત એવો છે કે, ભારત સામે ચીનનું આગળનું પગલું પાકિસ્તાન મારફ્તે હશે. ચીન પાકિસ્તાનના ખભે બંદૂક રાખીને રમત રમશે. આમ તો હવે કોઈ વાત છૂપી રહે એવું નથી. ચીનનું ચરિત્ર તો ઓલરેડી ઓળખાઈ ગયું છે. ચીન સાથેનો ઝઘડો આસાનીથી પતે એવું લાગતું નથી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો