Extra comment: Kim Jong Un said, we are not torn from America
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • એકસ્ટ્રા કોમેન્ટ : કિમ જોંગ ઉને કહ્યું, અમે અમેરિકાથી ફાટી પડતા નથી

એકસ્ટ્રા કોમેન્ટ : કિમ જોંગ ઉને કહ્યું, અમે અમેરિકાથી ફાટી પડતા નથી

 | 4:02 am IST
  • Share

  • નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને મિસાઇલ પરીક્ષણો ચાલુ કર્યા
  • અમેરિકાને દબાવવા કિમ સાઉથ કોરિયા અને જાપાનનું નાક દબાવે છે
  • આ ટચૂકડો દેશ દુનિયાના સૌથી શક્તિશાળી દેશોને પણ ડરાવે છે

છ મહિના સુધી શાંત રહ્યા પછી નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને ફરીથી મિસાઇલ પરીક્ષણો ચાલુ કરી દીધાં છે. કિમે કહ્યું કે, અમેરિકા પ્રતિબંધો હટાવે એની અમે ખૂબ રાહ જોઈ. અમેરિકાને દબાવવા કિમ જોંગ ઉન સાઉથ કોરિયા અને જાપાનનું નાક દબાવે છે. કિમ જોંગ ઉન સનકી મગજનો છે. તેની બહેન કિમ યો જોંગનું વ્યક્તિત્વ પણ ભેદી છે. નોર્થ કોરિયાથી બહુ ઓછી વાતો બહાર આવે છે અને જે આવે છે એ બહુ ચોંકાવનારી હોય છે. ટ્રમ્પે બહુ ચાલાકીથી કિમને ટેકલ કર્યા હતા. બાઇડેન શું કરશે?

આખી દુનિયાના નેતાઓમાં કદાચ સૌથી ભેદી વ્યક્તિત્વ કોઇનું હોય તો એ નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનનું છે. 37 વર્ષના કિમ વિશે એવું કહેવાતું રહ્યું છે કે, એ ક્યારે શું કરે એનો કોઇ ભરોસો નહીં. નાની નાની વાતોમાં એનું છટકી જાય છે. કિમ કાચા કાનના છે. કોઇના ઉપર જરાકેય શંકા જાય તો કિમ તેને ક્રૂરતાપૂર્વક મરાવી નાખે છે. કિમે પોતાની પ્રેમિકા અને કાકા સહિત સાવ નજીકના લોકોને પણ પતાવી દીધાં હોવાની વાતો ખૂબ ચર્ચાઇ છે. કિમ ક્યારેક અચાનક જ ગુમ થઇ જાય છે. કિમ બીમાર છે અથવા તો કિમ મરી ગયો છે એવી વાતો તો અત્યાર સુધીમાં કેટલીયે વાર ચગી છે. જાડિયો કિમ થોડા સમય અગાઉ લાપત્તા થઇ ગયો હતો. લાંબા સમય પછી એ જાહેરમાં દેખાયો ત્યારે એનું વજન ઘટી ગયું હતું. એ સમયથી ચર્ચાઓ ચાલે છે કે, કિમનું વજન બીમારીના કારણે ઘટયું છે કે પછી તેણે વેઇટ લોસ માટે સર્જરી કરાવી છે? કિમ વિશે સાચી વાત ક્યારેય બહાર આવતી નથી. કિમની નજીકની સાથીદાર એકમાત્ર તેની બહેન કિમ યો જોંગ છે. ભાઇ કિમ જો ઉન સનકી છે અને બેન કિમ યો જોંગ શાતીર છે. બંને અનપ્રિડિક્ટેબલ છે. નોર્થ કોરિયા નાનકડો દેશ છે. એક લાખ 20 હજાર 540 ચોરસ કિલોમીટરનો વિસ્તાર ધરાવતા આ દેશની વસતી 2.6 કરોડ માંડ છે. આ ટચૂકડો દેશ દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાને ડરાવતો રહે છે.

નોર્થ કોરિયાના પરમાણુ પ્રયોગોના કારણે અમેરિકાએ તેના પર પ્રતિબંધો લાદ્યા છે. નોર્થ કોરિયા કહે છે કે, અમને રોકવાવાળું અમેરિકા કોણ? અલબત્ત, છેલ્લાં થોડાં વર્ષોથી કિમ જોંગ ઉન કૂણા પડયા છે અને એવું કહેવા લાગ્યા છે કે, મારે મારા દેશોનો વિકાસ કરવો છે, બીજી કોઇ માથાકૂટમાં પડવું નથી. અમેરિકા અમારી સામે લાગેલા પ્રતિબંધો હટાવે. અમેરિકા કહે છે કે, પહેલાં તમે પરમાણુ ગતિવિધિઓ બંધ કરો પછી આપણે કંઈક નક્કી કરીએ. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડેન્ટ હતા ત્યારે એવી શક્યતા ઊભી થઇ હતી કે, નોર્થ કોરિયા અને અમેરિકા વચ્ચે સમાધાન થઇ જશે. ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ ઉન ત્રણ ત્રણ વખત મળ્યા હતા. એક વખત તો ડોનાલ્ડ ટ્રમ્પે ઓચિંતા જ નોર્થ કોરિયાની મુલાકાતે જઇ આખી દુનિયાને ચોંકાવી દીધી હતી. નોર્થ કોરિયાની ધરતી પર પગ મૂકનાર ટ્રમ્પ પહેલા અમેરિકન પ્રેસિડેન્ટ હતા. ટ્રમ્પ અને કિમ પહેલી વખત તારીખ 12મી જૂન, 2018ના રોજ સિંગાપોરમાં મળ્યા ત્યારે આખી દુનિયાની નજર આ મુલાકાત પર હતી. કિમ અને ટ્રમ્પ બંનેની ઇમેજ શોર્ટ ટેમ્પરની હતી. બંને હસતાં હસતાં બહાર આવ્યા ત્યારે બધાને આશ્ચર્ય થયું હતું. ટ્રમ્પે કિમ સાથે હંમેશાં ડાહી ડાહી વાતો કરી પણ નોર્થ કોરિયા સામેના પ્રતિબંધો હટાવ્યા નહીં. ચાલાક ડોનાલ્ડ ટ્રમ્પે છેક સુધી કિમને રમાડયા અને કુનેહપૂર્વક કાબૂમાં રાખ્યા.

જો બાઇડેન જુદી પ્રકૃતિના પ્રેસિડેન્ટ છે. બાઇડેને કહ્યું કે, અમેરિકા નોર્થ કોરિયા સાથે વાતચીત કરવા રાજી છે પણ પહેલાં કિમ જોંગ ઉન પરમાણુ પ્રયોગો બંધ કરે. કિમને હતું કે, કોઇ રસ્તો નીકળી આવશે. છેલ્લા છ મહિનાથી કિમ શાંત હતા. અમેરિકાએ કોઇ મચક ન આપતા ગયા સપ્ટેમ્બર મહિનાથી કિમ જોંગ ઉને ફ્રીથી પરમાણુ પરીક્ષણો ચાલુ કરી દીધાં છે. કિમે કહ્યું કે, અમેરિકાએ જે કરવું હોય એ કરે, હવે અમે અમારાં પરમાણુ કામો પાછાં આગળ વધારીએ છીએ. નોર્થ કોરિયાની રાજધાની પ્યોંગયાંગમાં હમણાં સેલ્ફ્ ડિફેન્સ 2021 નામનું એક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ પ્રદર્શનના ઉદ્ઘાટનમાં કિમ જોંગ ઉને કહ્યું કે, અમે બીજા સાથે યુદ્ધ કરવા માટે નહીં પણ અમારું રક્ષણ કરવા માટે પરમાણુ પ્રયોગો કરીએ છીએ. અમે અમેરિકાથી ફટી પડતા નથી, હું મારી સેનાને અજેય બનાવીને જ ઝંપીશ.

છેલ્લા થોડા સમયમાં નોર્થ કોરિયાએ જે પરીક્ષણો કર્યાં તેની સામે અનેક દેશોની અપીલ બાદ યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલની ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી. ફ્રાંસે આ બેઠકમાં કહ્યું કે, નોર્થ કોરિયા સામે વધુ સખત થવાની જરૂર છે. તેની સામે નોર્થ કોરિયાએ યુએન સહિત બધાને કહ્યું કે, ડબલ સ્ટાન્ડર્ડ રાખવાનું બંધ કરો. અમેરિકાના સખત પ્રતિબંધો હોવા છતાં પણ નોર્થ કોરિયા અત્યાર સુધી કેવી રીતે સર્વાઇવ કરી ગયું એ સૌથી મોટો સવાલ છે. સાચી વાત એ છે કે, ચીન અને રશિયા બંને ખાનગીમાં નોર્થ કોરિયાની મદદ કરતા રહે છે. રશિયા અને ચીન નોર્થ કોરિયા સાથે જમીનથી જોડાયેલા છે. અમેરિકાનું નાક દબાવવા માટે નોર્થ કોરિયા જાપાન અને સાઉથ કોરિયાને ડરાવતું ધમકાવતું રહે છે.

નોર્થ કોરિયા અને સાઉથ કોરિયા વચ્ચે પહેલેથી બાપે માર્યાં વેર છે. જાપાનથી મુક્ત થયા પછી કોરિયાના ભાગલા પડયા. સાઉથ કોરિયાએ અમેરિકાની મદદથી જબરજસ્ત પ્રગતિ કરી. સાઉથ કોરિયાની મલ્ટિનેશનલ કંપનીઓ સેમસંગ, હુન્ડાઈ, કિયા, એલજી વગેરે આખી દુનિયામાં ધૂમ મચાવે છે. તેની સામે સંકુચિત માનસિકતા ધરાવતા નોર્થ કોરિયાની હાલત ખરાબ થતી ગઇ. નોર્થ કોરિયાની સાચી વાતો બહાર જ આવતી નથી. જે આવે છે એ એવી છે કે, ત્યાંના લોકો જેમતેમ જીવી રહ્યા છે. કિમ જોંગ ઉન જે કહે એમ જ થાય છે. શું પહેરવું અને કેવી હેર સ્ટાઇલ રાખવી એ પણ કિમ જોંગ ઉન નક્કી કરે છે. દરેકે પોતાના ઘરમાં કિમ જોંગ ઉનની તસવીર રાખવી પડે છે. 30 વર્ષ સુધી ઉત્તર કોરિયાની જાસૂસી એજન્સીમાં કામ કરનાર અને 2014માં જીવ બચાવવા માટે દેશ છોડીને ભાગી ગયેલા કિમ કુક સોંગે હમણાં એક ઇન્ટરવ્યૂમાં એવું કહ્યું કે, નોર્થ કોરિયામાં તમે ગમે એ હોદ્દા ઉપર હોવ તો પણ તમે સલામત નથી. તેમણે કહ્યું હતું કે, દેશ ચલાવવા માટે નોર્થ કોરિયામાં અફ્ીણની ખેતી કરવામાં આવે છે. દેશના લોકો સતત ટેન્શનમાં રહે છે કે, કિમ દ્વારા ક્યારે કોઈ નવો કાયદો આવશે અને નવી મુસીબત સર્જાશે? અમેરિકાને નોર્થ કોરિયા ઉપર નયા ભારનો ભરોસો નથી. તેનું કારણ એ છે કે, કિમ જોંગ ઉન બોલીને ગમે ત્યારે ફ્રી જાય એવી વ્યક્તિ છે. કિમ ફ્રીથી ભુરાયા થયા છે ત્યારે અમેરિકા અને નોર્થ કોરિયા વચ્ચેનો સંઘર્ષ કેવો ટર્ન લેશે એ જોવું દિલચશ્પ રહેવાનું છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો