Extra comment: Mamata made a big dent in Meghalaya Congress!
  • Home
  • Columnist
  • એક્સ્ટ્રા કોમેન્ટ: મમતાએ મેઘાલય કોંગ્રેસમાં મોટું ગાબડું પાડી દીધું!

એક્સ્ટ્રા કોમેન્ટ: મમતાએ મેઘાલય કોંગ્રેસમાં મોટું ગાબડું પાડી દીધું!

 | 6:21 am IST
  • Share

  • મેઘાલયમાં કોંગ્રેસના 17માંથી 12 ધારાસભ્યો સાગમટે મમતા બેનરજીના તૃણમૂલ કોંગ્રેસમાં ચાલ્યા ગયા. કોંગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને ખબર હતી કે મેઘાલયના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મુકુલ સંગમા નારાજ છે છતાં તેઓ મામલો સંભાળી શક્યાં નહીં

  • મમતા બેનરજી દિલ્હીમાં હતાં ત્યારે જ મેઘાલયમાં ખેલ પડી ગયો. મમતા દીદીએ આ વખતે દિલ્હીની મુલાકાત વખતે સોનિયા ગાંધીને મળવાનું ટાળ્યું હતું. આટલું ઓછું હોય એમ મમતાએ એવું પણ કહ્યું કે, દર વખતે મળવું કંઈ જરૂરી થોડું છે?

મેઘાલય પૂર્વોતરનું નાનકડું રાજ્ય છે. આમ તો રાજ્ય નાનું હોય કે મોટું, દરેકનું રાજકારણ તો જબરજસ્ત જ હોય છે. ઘણી વખત તો નાના સ્ટેટનું પોલિટિક્સ મોટા રાજ્યના નેતાઓને માથું ખંજવાળવા મજબૂર કરે એવું હોય છે. મેઘાલયમાં કોંગ્રેસના 17 ધારાસભ્યોમાંથી 12 ધારાસભ્યો સામૂહિક રીતે કોંગ્રેસને ટાટા બાય બાય કરીને મમતા બેનરજીના પક્ષ તૃણમૂલ કોંગ્રેસની છાવણીમાં ચાલ્યા ગયા. આ બારમાં મેઘાલયના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મુકુલ સંગમાનો પણ સમાવેશ થાય છે. કોંગ્રેસ વધુ એક વખત પોતાના નેતાઓને સાચવવામાં નિષ્ફ્ળ સાબિત થઇ છે. કોંગ્રેસના મોવડી મંડળને ખબર હતી કે, મેઘાલય કોંગ્રેસમાં ઉકળાટ વ્યાપેલો છે, તો પણ તેણે કંઈ ન કર્યું. ગયા ઓગસ્ટ મહિનામાં કોંગ્રેસે વિનસેંટ એચ. પાલાને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા હતા. વિનસેંટની પસંદગી મુકુલ સંગમાથી સહન થઇ નહોતી. તેણે કહ્યું હતું કે, પ્રદેશ અધ્યક્ષની પસંદગીમાં અમને વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી. ઓક્ટોબરમાં મુકુલ સંગમા દિલ્હી આવીને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને મળ્યા હતા. મુકુલ સંગમાએ એ વખતે જ નવાજૂનીનો ઇશારો આપ્યો હતો. બાર ધારાસભ્યો એક સાથે જાય છે એટલે એ લોકોને પક્ષાંતર ધારો પણ લાગુ પડશે નહીં. ચૂંટાયેલા ધારાસભ્યોમાંથી બે તૃતિયાંશ કે તેથી વધુ હોય તો આ કાયદો લાગુ પડતો નથી.

મેઘાલયમાં વિધાનસભાની કુલ બેઠકો 60 છે. ફેબ્રુઆરી 2018માં મેઘાલય વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવી હતી. પરિણામો આવ્યાં ત્યારે કોંગ્રેસ 21 બેઠકો પર વિજય મેળવી સૌથી મોટી પાર્ટી બની હતી. જોકે તેને સરકાર બનાવવામાં સફ્ળતા મળી નહોતી. 20 બેઠકો જીતનાર કોનરાડ સંગમાની નેશનલ પિપલ્સ પાર્ટીએ ચાર નાના પક્ષો અને અપક્ષો સાથે મળીને સરકાર બનાવી હતી. મેઘાલયમાં ભાજપને બે બેઠકો મળી હતી. ભાજપે પણ મુખ્યમંત્રી કોનરાડ સંગમાની સરકારને ટેકો આપ્યો હતો. આજની તારીખે મુખ્યમંત્રી કોનરાડ સંગમા સાથે 60માંથી 40 ધારાસભ્યો છે. કોંગ્રેસ મુખ્ય વિરોધ પક્ષની ભૂમિકામાં હતી. હવે પાસા પલટી ગયા છે અને તૃણમૂલ કોંગ્રેસ મુખ્ય વિરોધ પક્ષ બની ગયો છે. મેઘાલયમાં તૃણમૂલ કોંગ્રેસની હાજરી જ નહોતી, હવે એ રાતોરાત બીજા નંબરે સૌથી વધુ ધારાસભ્યો ધરાવતી પાર્ટી બની ગઇ છે. 2023ના ફેબ્રુઆરી મહિનામાં મેઘાલય વિધાનસભાની ચૂંટણી થવાની છે ત્યારે મમતા બેનરજીનો પક્ષ કેટલું કાઢી શકે છે એ જોવાનું રહેશે.

પશ્ચિમ બંગાળમાં જબરજસ્ત વિજય મેળવ્યા બાદ મમતા બેનરજી જોરમાં છે. બંગાળમાં ટીએમસી છોડીને ભાજપમાં ગયેલા નેતાઓ પાછા ટીએમસીમાં આવી રહ્યા છે. બંગાળ ફ્તેહ પછી મમતા બેનરજી બીજાં રાજ્યોમાં પણ એક્ટિવ થયાં છે. મમતા બેનરજી દિલ્હીમાં હતાં ત્યારે જ મેઘાલયમાં તેના નામના ઝંડા ફરકવા લાગ્યા. ગયા જુલાઇ મહિનામાં મમતા બેનરજી દિલ્હીની પાંચ દિવસની મુલાકાતે ગયાં હતાં. એ વખતે તેઓ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને મળ્યાં હતાં. આ મુલાકાત બાદ મમતા બેનરજીએ એવું કહ્યું હતું કે, આગામી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષને ટક્કર આપવા વિશે અમે વાત કરી હતી. દિલ્હીની આ વખતની મુલાકાત દરમિયાન મમતા દીદી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યાં હતાં. પત્રકારોએ જ્યારે મમતા દીદીને એવો સવાલ કર્યો કે, સોનિયા ગાંધીને મળવાનાં છો? આ પ્રશ્ન સાંભળી મમતા દીદી ઉશ્કેરાઇ ગયાં હતાં. તેમણે કહ્યું કે, દર વખતે મળવું જરૂરી થોડું છે? સોનિયા ગાંધી પંજાબના ઇલેક્શનમાં વ્યસ્ત છે!

સાચી વાત એ છે કે, કોંગ્રેસના નેતાઓ એક પછી એક તૃણમૂલ કોંગ્રેસમાં જોડાઇ રહ્યા છે, આવા સંજોગોમાં સોનિયા સાથે મુલાકાત કેવી રીતે શક્ય બને? હજુ મંગળવારે જ કોંગ્રેસના નેતા અને પૂર્વ ક્રિકેટર કીર્તિ આઝાદે ટીએમસી જોઇન કરી. આ ઉપરાંત હરિયાણા પ્રદેશ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ અશોક તંવર પણ ટીએમસીમાં આવી ગયા. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. પ્રણવ મુખરજીના પુત્ર અભિજિત મુખરજી કોંગ્રેસ છોડીને ટીએમસીમાં આવ્યા છે. ઉત્તર પ્રદેશ કોંગ્રેસના એક સમયના ખમતીધર નેતા કમલાપતિ ત્રિપાઠીના પ્રપૌત્ર લલિતેશ ત્રિપાઠી અને મહિલા કોંગ્રેસનાં ભૂતપૂર્વ પ્રમુખ સુસ્મિતા દેવ પણ ટીએમસીમાં જોડાઇ ગયાં છે. લિસ્ટ લાંબું છે. જે રીતનો ઘાટ ઘડાયો છે એ જોતાં તો એવું લાગી રહ્યું છે કે, કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે ડિસ્ટન્સ વધી જવાનું છે. મમતા દીદીને હવે નેશનલ પોલિટિક્સમાં એક્ટિવ રોલ ભજવવો છે. ઉત્તર પ્રદેશમાં ટીએમસીની હાજરી નથી, તો પણ મમતા દીદીએ એવું કહ્યું કે ભાજપ હારે એમાં અમને રસ છે, સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ જો મદદ માંગશે તો અમે ચોક્કસ તેના માટે જે થઇ શકે એ કરીશું. તારીખ 1 ડિસેમ્બરના રોજ મમતા દીદી મુંબઈની મુલાકાતે જવાનાં છે. આ મુલાકાત વખતે તેઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને એનસીપીના વડા શરદ પવારને પણ મળવાનાં છે.

મમતા બેનરજી દિલ્હીમાં ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીને મળ્યાં એ પછી આ મુલાકાતની ખાસ્સી એવી ચર્ચા છે. અધૂરામાં પૂરું આ મુલાકાત બાદ સુબ્રમણ્યમ સ્વામીએ સરકારનું રિપોર્ટ કાર્ડ ટ્વિટર પર રજૂ કર્યું. સ્વામીએ કહ્યું કે, સરકાર દરેક મોરચે નિષ્ફ્ળ ગઇ છે. દિલ્હીમાં હવે એવી વાતો થઇ રહી છે કે, શું સુબ્રમણ્યમ સ્વામી પણ ટીએમસીમાં જવાના છે? અલબત્ત, મુલાકાત થઇ એનો અર્થ એવો કાઢવો વાજબી નથી. સ્વામી તો ઘણી વખત સરકારની ટીકા કરી ચૂક્યા છે.

મમતા બેનરજી વિશે નિષ્ણાતો એવું કહી રહ્યા છે કે, એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રસ્તે જ ચાલી રહ્યાં છે. વડાપ્રધાન મોદી ત્રણ ટર્મ સુધી, 12 વર્ષ અને 227 દિવસ ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હતા. મમતા બેનરજીની પણ આ ત્રીજી ટર્મ છે. મમતા દીદીને મુખ્યમંત્રી તરીકે સાડા દસ વર્ષ જેટલો સમય થયો છે. હવે મમતા દીદીને પણ નેશનલ લીડર બનવું છે. જોકે, મમતા દીદી માટે એ સહેલું નથી. એનું કારણ એ કે ટીએમસી પ્રાદેશિક પક્ષ છે અને બંગાળની બહાર તેનું વર્ચસ્વ બહુ જ ઓછું છે. કોંગ્રેસના નેતાઓ ટીએમસીમાં આવી રહ્યા છે, કારણ કે કોંગ્રેસ ઉપર હવે એના જ નેતાઓને શ્રદ્ધા રહી નથી. આવતા વર્ષે સાત રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે. કોંગ્રેસની ક્યાંય હાજરી વર્તાતી નથી. મેઘાલયમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી સહિત બાર ધારાસભ્યો ચાલ્યા જાય એ નાનીસૂની ઘટના નથી. મેઘાલયમાં એક સમયે કોંગ્રેસનો દબદબો રહ્યો છે. હવે ત્યાં કોંગ્રેસનાં વળતાં પાણી છે. કોંગ્રેસમાં કરુણતા એ જ છે કે, કોંગ્રેસ ક્યારેય કોઈ ભૂલમાંથી કંઈ શીખતી નથી, એટલે જ કોંગ્રેસ બેઠી થવાને બદલે વધુ ને વધુ બેવડી વળી રહી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો