Extra comment: Will China's border agreement with Bhutan hurt India?
  • Home
  • Columnist
  • એકસ્ટ્રા કોમેન્ટ : ભૂતાન સાથે ચીનની સીમા સમજૂતી ભારતને નડશે?

એકસ્ટ્રા કોમેન્ટ : ભૂતાન સાથે ચીનની સીમા સમજૂતી ભારતને નડશે?

 | 3:59 am IST
  • Share

  • ભૂતાન સાથેના સીમા વિવાદો ઉકેલવા માટે ચીને ભૂતાન સાથે સમજૂતી કરી

  • ચીને ભારતને પરેશાન કરવા માટે ભૂતાન સાથે હાથ મિલાવ્યા છે? 

  • ભૂતાન ભારતનું ગાઢ મિત્ર

  • ડોકલામ હોય કે બીજો કોઇ વિવાદ હોય ભારત હંમેશાં ભૂતાનની સાથે રહ્યું 

ચાલાક ચીને ભારત સામે એક નવી ચાલ ચાલી છે. ભારતના ખાસમ ખાસ મિત્ર ભૂતાન સાથેના સરહદી વિવાદો ઉકેલવા માટે ચીને એક સમજૂતી કરી છે. વીડિયો કોન્ફ્રન્સ કરીને ચીન અને ભૂતાનના વિદેશ પ્રધાને થ્રી સ્ટેપ રોડમેપ પર હસ્તાક્ષર કર્યા હતા. આખી દુનિયા જાણે છે કે, ચીન વિસ્તારવાદી વિકૃતિથી પીડાય છે. માત્ર જમીન જ નહીં, દરિયાઇ વિસ્તારમાં પણ ચીન ઘૂસણખોરી કરતું રહ્યું છે. ચીન ક્યારેય કોઇ દેશ સાથે સરહદી વિવાદો ઉકેલવા માટે સકારાત્મક રહ્યું નથી. આવા સંજોગોમાં ચીન નાનકડા દેશ ભૂતાન સાથે સરહદી વિવાદો ઉકેલવા રાજી થઇ ગયું એનાથી આશ્ચર્ય થાય એ સ્વાભાવિક છે. ચીન તો બદમાશ છે જ પણ આપણા મિત્ર દેશ ભૂતાને શું આપણને અંધારામાં રાખીને ચીન સાથે સમજૂતી સાધી લીધી? ચીન અને ભૂતાને જે સમજૂતી કરી એ કંઇ રાતોરાત તો થઇ જ ન હોય, લાંબી ચર્ચા અને વિચાર વિમર્શ પછી જ આવા નિર્ણયો લેવાતા હોય છે. આ સમજૂતી વિશે આપણા દેશનો પ્રતિભાવ ઠંડો રહ્યો છે. આપણા વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિદંમ બાગચીએ એવું કહ્યું કે, ભારતે આ ઘટનાની નોંધ લીધી છે.સવાલ એ છે કે, ભૂતાને શું ભારતને વિશ્વાસમાં લીધા વગર ચીન સાથે સમજૂતી કરી લીધી? ચીન પર ભરોસો કરીને ભૂતાન મોટી ભૂલ કરી રહ્યું છે?

ચીન અને ભૂતાને એવું નક્કી કર્યું છે કે, ત્રણ સ્ટેપમાં આપણે સીમા વિવાદો ઉકેલીશું. ચીન નામનો લાલો લાભ વગર લોટે એવો નથી. એ સમાધાન કરશે તો પણ પોતાને ફયદો હશે તો જ કરશે. ભૂતાન સામે ચીનની જે સ્ટ્રેટેજી છે એ એવી છે કે, થોડુંક આપીને વધુ પડાવી લેવું. ચીનને રગે રગથી ઓળખનાર કેટલાંક નિષ્ણાતોનું માનવું છે કે, ચીન ક્યારેય ભૂતાન સાથેના સીમા વિવાદો ઉકેલવાનું નથી. ચીનની દાનત તો આખા ભૂતાનને હડપ કરી જવાની છે. ભારતને પરેશાન કરવા માટે જ ચીને ભૂતાન સાથે સમજૂતી કરી છે. આ સમજૂતી એવી છે કે, આપણે સાથે મળીને વાત કરીશું. એ વાતચીતથી સમાધાન મળી જ જશે એની ક્યાં કોઇ ગેરન્ટી છે? ચીને તો ભારત સાથે પણ અનેક વખત જાતજાતની સમજૂતીઓ કરી છે. ચીન સમજૂતી કરી લીધા પછી પણ એનું પાલન કરતું નથી. સરહદના વિવાદો ઉકેલવાના નામે ચીને ભૂતાન સાથે 1984થી માંડીને આજ દિવસ સુધીમાં 24 બેઠકો કરી છે. આ બેઠકોમાં કોઇ સમાધાન શોધી શકાયું નથી.

ચીન અને ભૂતાન વચ્ચે ચારસો કિલોમિટર જેટલી બોર્ડર છે. આ બોર્ડર પર બે જગ્યા એવી છે જેના પર ચીનનો ડોળો છે. આ બેમાંથી એક સરહદ ભારત સાથે પણ જોડાયેલી છે. એક છે, ભારત ભૂતાન અને ચીન વચ્ચેનો વિસ્તાર. ત્રણ દેશોનો આ વિસ્તાર ટ્રાઇજંકશન તરીકે ઓળખાય છે. આ વિસ્તાર 269 ચોરસ કિલોમિટરનો છે. બીજો વિસ્તાર ચીન અને ભૂતાન બોર્ડર પર જકારલુંગ અને પાસમલુંગ ખીણનો વિસ્તાર છે. આ વિસ્તાર 495 ચોરસ કિલોમિટરનો છે. ચીનની દાનત એવી છે કે, 495 ચોરસ કિલોમિટરવાળો વિસ્તાર ભૂતાનને આપી દેવો અને તેના બદલામાં 269 કિલોમિટરનો વિસ્તાર લઇ લેવો. ચીન મોટો વિસ્તાર આપીને નાનો વિસ્તાર લેવા રાજી થાય એનું કારણ પણ ભારત જ છે. જે વિસ્તાર ભૂતાન પાસેથી ચીનને જોઇએ છે એ ભારત સાથે જોડાયેલો છે. પશ્ચિમ બંગાળમાં 22 કિલોમિટરની એક કોરિડોર છે. તેને સિલીગુડી કોરિડોર કહે છે. આ એરિયા ચિકન નેક તરીકે પણ જાણીતો છે. આપણા દેશના પાંચ પૂર્વોતર રાજ્યોમાં પહોંચવા માટેનો આ મુખ્ય માર્ગ છે. ચીનને ચિકન નેક નજીકનો ચુમ્બી ઘાટી નામનો વિસ્તાર ભૂતાન પાસેથી જોઇએ છે જેથી એ ભારતના પૂર્વોતરના રાજ્યોમાં ચંચૂપાત કરી શકે.

ચાર વર્ષ અગાઉ ભારત અને ચીન વચ્ચે દોકલામ વિવાદ સર્જાયો હતો. ટ્રાયજંકશન એરિયામાં ચીને રોડ બનાવવાનું શરૂ કરતા આ વિવાદ સર્જાયો હતો. આપણી સેનાના લગભગ 270 જેટલા જવાનો સિક્કમ બોર્ડર ક્રોસ કરીને આગળ વધ્યા હતા. ઔડો.કલામ વિવાદ 73 દિવસ સુધી ચાલ્યો હતો. આખરે બંને દેશો સેનાને પાછી હટાવવા સંમત થયા હતા. ચીન જે રોડ બનાવતું હતું તેનાથી ભૂતાન ઉપર વધુ જોખમ હતું. ચીન સામે પડવામાં આપણા દેશની દાનત ભૂતાનને મદદ કરવાની હતી. ભારતે ભૂતાનને આર્િથક મદદ કરવામાં પણ ક્યારેય પાછું વળીને જોયું નથી. હવે શું ભૂતાન ભારતને હિતોને નજરઅંદાજ કરીને ચીન સાથે હાથ મિલાવવાનું વિચારી રહ્યું છે? ભૂતાન જો એવું કરશે તો એ એના માટે પણ ઓછું જોખમી નહીં હોય. ચીનનો ઇતિહાસ ગવાહ છે કે, ચીન ક્યારેય કોઇનું થયું નથી અને થવાનું પણ નથી. ભૂતાન જો કોઇ ભૂલ કરશે તો ચીન તિબેટની જેમ ભૂતાનને પણ હડપ કરી લેશે.

 ભૂતાન હિમાલયન વિસ્તારમાં આવેલો 38394 ચોરસ કિલોમિટર વિસ્તારમાં પથરાયેલો દેશ છે. ભૂતાનની વસતિ પોણા આઠ લાખ કરતા પણ ઓછી છે. ભૂતાન શાંતિપ્રિય દેશ છે. પર્યાવરણ ઉની આંચ ન આવે એ માટે ભૂતાન ખૂબ જ જાગૃત રહે છે. ભૂતાન જીડીપી કરતા ગ્રોસ નેશનલ હેપીનેસને વધુ મહત્ત્વ આપે છે.  ભૂતાનનો ઇરાદો ચીન સાથેના વિવાદો ખતમ કરવાનો હોઇ શકે છે. ભૂતાન થોડુંક જતું કરીને પણ માથાકૂટનો અંત લાવે એવો દેશ છે. અલબત્ત, ભૂતાનના સમાધાનથી ભારતને નુકશાન થઇ શકે છે. જોવાનું એ જ રહેશે કે, ભૂતાન કેવી દોસ્તી નિભાવે છે? ભૂતાનની આર્િથક નિર્ભરતા ભારત પર જ છે એવું કહીએ તો એમાં જરાયે અતિશિયોક્તિ નથી. ભારત અને ભૂતાન વચ્ચે 1972માં ઇન્ડો-ભૂતાન ટ્રેડ એન્ડ ટ્રાન્સિસ્ટ એગ્રિમેન્ટ થયો હતો. ભારત અને ભૂતાન વચ્ચે મુક્ત વેપાર વ્યવહાર છે. મજાની વાત એ પણ છે કે, ભારતનો એક રૂપિયો અને ભૂતાનના ચલણ એક નિગુલ્ટ્રમનું મૂલ્ય એક સરખું જ છે. ભારત આઝાદ થયું એ પછી 1949માં ભારતે ભૂતાન સાથે ફ્ેન્ડશીપ સમજૂતી કરી હતી. આ સમજૂતીએ જ ભૂતાનને ચીનથી બચાવ્યું છે. ભારત ભૂતાનની સાથે છે એટલે જ ચીન એક હદથી વધારે ભૂતાનને પરેશાન કરી શકતું નથી. ભારત અને ચીન વચ્ચે છેલ્લા દોઢ વર્ષથી તનાવ ચાલી રહ્યો છે. ભારત સાથેના સંઘર્ષમાં ચીનને મોટું નુકશાન છે તો પણ ચીન સખણું રહેતું નથી. ભારત અને ચીન વચ્ચે કોર કમાન્ડર કક્ષાની તેરમી બેઠક હમણા યોજાઇ હતી. ચીન બેઠકો યોજે છે પણ સમાધાન પર આવતું નથી. ભૂતાન સાથે ચીન જે કરી રહ્યું છે એના પર ભારતે તીણી નજર રાખવી પડશે અને મિત્ર દેશ ભૂતાનને પણ સમજાવવું પડશે કે, ચીન સાથે સમજી વિચારીને આગળ વધજો, ચીનનો બહુ ભરોસો કરવા જેવું નથી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો