Extreme surprises in Morbi give birth to a baby head
  • Home
  • Featured
  • મોરબીમાં અજીબો ગરીબ ઘટના: મહિલાએ માથા વગરના બાળકને જન્મ આપતા ડોક્ટરો પણ આશ્ચર્યચકિત

મોરબીમાં અજીબો ગરીબ ઘટના: મહિલાએ માથા વગરના બાળકને જન્મ આપતા ડોક્ટરો પણ આશ્ચર્યચકિત

 | 7:50 pm IST

પ્રવર્તમાન સમયમાં અવારનવાર દેશ અને દુનિયામાં કેટલીક અજીબોગરીબ ઘટના બનતી હોય છે. ત્યારે મોરબીમાં પણ આવી જ એક અજીબો ગરીબ ઘટના પ્રકાશમાં આવી હતી. જેમાં એક પ્રસુતાએ મોરબીની સિવીલ હોસ્પીટલમાં ડિલીવરી દરમ્યાન માથા વગરના બાળકને જન્મ આપ્યો હતો. અને અલ્પ વિકસિત માથાવાળા બાળકનો જન્મ થતા તબીબો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. હાલ આ બાળકને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો છે.

આ વિચિત્ર ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર ભડીયાદ ગામે રહેતા જયશ્રીબેન બીપીનભાઈ મકવાણા નામની પરણીતાને ગત તા.૧૦ના રોજ પ્રસુતિની પીડા ઉપડતા તેમને તાકીદે સિવીલ હોસ્પીટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. અને ગતરાત્રે તેમને પ્રસુતિની વધુ પીડા ઉપડતા ડિલીવરી કરવામાં આવી હતી. જેમાં સિવીલ હોસ્પીટલના ડો.સાલ્વી કાસુન્દ્રા, ડો.વૈશાલી વડનગરા તેમજ સ્ટાફના આરતી જયસ્વાલ અને વિજયભાઈએ આ પ્રસુતાની મહિલાની પ્રસુતિ કરાવી હતી.

પરંતુ આશ્ચર્ય એ વાતનું હતુ કે, આ પ્રસુતિએ જે બાળકને જન્મ આપ્યો તે બાળકને માથુ જ ન હતુ. અને આ બાળકનું માથુ એકદમ અલ્પ વિકસિત હતુ. તેથી તબીબો પણ મુંઝાયા હતા. જો કે બાળકની તબિયત એકદમ સારી છે. પણ માથુ ન હોવાથી આ બાળકને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો છે.

આ બનાવ અંગે સિવીલ હોસ્પીટલના તબીબ ડો.સાલ્વી કાસુન્દ્રાએ જણાવ્યુ હતુ કે, પ્રસુતાની ડિલિવરી કરી ત્યારે જન્મ થયેલા બાળકનું માથુ જ ન હતુ. કદાચ વિટામીનની ખામી અથવા ચેપ લાગ્યો હોય તો પણ આવુ બની શકે છે. જોકે અધુરા દિવસોમાં પ્રસુતિ થઈ છે. સામાન્ય રીતે ગર્ભાવસ્થા દરમ્યાન પ્રથમ ત્રણ માસમાં ગર્ભશિશુનું માથુ વિકસિત થઈ જતુ હોય છે.

પણ આ કિસ્સામાં નવીનતા જોવા મળી છે. આ બાળકના જીવ ઉપર પણ આગામી સમયમાં જોખમ રહેલુ છે. અને આ બાળક મનોવિકલાંગ પણ થઈ શકે તેવી સંભાવના છે. જોકે હાલ આ બાળક જીવિત છે. અને બાળક સાથે તેની માતાની તબિયત પણ સારી છે. જ્યારે જયશ્રીબેનનું આ પ્રથમ સંતાન છે.

સગર્ભાવસ્થા દરમ્યાન પ્રસુતાઓને લેવી પડતી દવા સરકારી હોસ્પીટલમાં મફત મળતી હોવા છતા કેટલાક લોકો દવા ન લેતા હોય એવી ખામી થાય છે. આથી તેમણે મહિલાઓને સગર્ભાવસ્થા દરમ્યાન દવા લેવાની કાળજી લેવા પર ભાર મુક્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન