અત્યંત પવિત્ર એવું ગુણકારી ઔષધ વૃક્ષ બીલી - Sandesh
  • Home
  • Supplements
  • Sanskar
  • અત્યંત પવિત્ર એવું ગુણકારી ઔષધ વૃક્ષ બીલી

અત્યંત પવિત્ર એવું ગુણકારી ઔષધ વૃક્ષ બીલી

 | 2:41 am IST

આરોગ્ય ચિંતનઃ વૈદ્ય મનુભાઈ ગૌદાની

આપણો પવિત્ર શ્રાવણ મહિનો પૂરો થયો. ધાર્મિક દ્રષ્ટિએ આ શ્રાવણ માસમાં “બીલી”નાં વૃક્ષનું ઘણું મહત્ત્વ છે. આખો મહિનો શિવપુજકો બીલીપત્રોથી ભોલેનાથની પૂજા આરાધના કરે છે. એટલે કે શિવને પ્રસન્ન કરવા આ બીલીનાં પત્રો ચઢાવાય છે. પવિત્ર વૃક્ષ હોવાની સાથે બીલી આરોગ્યની દ્રષ્ટિએ એટલું જ ઉત્તમ ઔષધ પણ છે. આયુર્વેદના ગ્રંથોમાં તો તેના ઔષધિય ગુણકર્મોની વિશદ ચર્ચા કરવામાં આવી છે. આ વખતે થોડું નિરૂપણ બીલી વિશે કરું છું.

ગુણકર્મો

બીલીનાં ૧૫થી ૨૦ ફૂટ ઊંચા ઝાડ ભારતમાં સર્વત્ર થાય છે. સાતપુડા, વિંધ્ય વગેરે પર્વતમાળાઓમાં, દક્ષિણ ભારત, બિહાર, બંગાળ તથા શિવ મંદિરોનાં પ્રાંગણમાં તે ખાસ હોય છે.

આયુર્વેદ પ્રમાણે બીલી સ્વાદમાં મધુર, તુરી, કડવી અને તીખી, ગરમ, ભૂખ લગાડનાર, પાચનકર્તા, અરૂચિકર અને ગ્રાહી-ઝાડો બાંધનાર છે. બીલીનાં કુમળાં ફળ સ્વાદમાં કડવા અને તૂરા, ગરમ, દીપન, પાચન પચવામાં ભારે તથા આમવાત, સંગ્રહણી, કફાતિસાર વગેરેનો નાશ કરનાર છે. બીલીના મૂળ તથા છાલ જ્ઞાાનતંતુ શામક છે. જે હૃદયનાં ધબકારા વધી જવા, નિદ્રાનાશ તથા ઉન્માદમાં લાભદાયક છે. બીલીનાં ફળનાગર્ભમાં “માર્મેલોસિન” નામનું કાર્યકારી તત્ત્વો હોય છે. આ ઉપરાંત તેમાં મ્યુસિલેજ પેકિટન, સાકર, કડવું સત્ય, ઉડનશીલ તેલ, ગુંદર, ટેનિન ૯% તથા ભસ્મ ૨% હોય છે. પત્રમાં ઈગેલિન, ઈગેલિનિન વગેરે અનેક ક્ષાર તથા કુમારીન જોવા મળે છે. આ તત્ત્વો તેને ઔષધિય ગુણો પ્રદાન કરે છે.

ઉપયોગ

ગ્રાહી ગુણને કારણે બીલીનો ગર્ભ ઝાડાનું અકસીર ઔષધ છે. વારંવાર પાતળા ઝાડા થતા હોય અને મટતા ન હોય તો બીલીના ગર્ભને સ્વચ્છ પથ્થર પર ઘસીને ચણા ના દાણા જેટલો ઘસારો એક ગ્લાસ છાશમાં મેળવી છાશ ધીમેધીમે પી જવી. આ રીતે ચારેક વખત ઘસારો બનાવી ઉપયોગ કરવો. ઝાડા બંધ થઈ જશે.

ઝાડમાં લોહી પડતું હોય તો તેમાં પણ બીલીનો ગર્ભ લાભકારી છે. બીલીનો ગર્ભ, શતાવરી અને કડાછાલ આ ત્રણે ઔષધો સરખા વજને લઈ, તેનું ચૂર્ણ કરી લેવું. અડધી ચમચી જેટલું આ ચૂર્ણ થોડા ઈસબગુલ સાથે દિવસમાં ત્રણ વખત પીવું. ઝાડામાં લોહી બંધ થઈ જશે. બે-ચાર દિવસ આહારમાં દૂધ અને દૂધની બનાવટોનો વધારે ઉપયોગ કરવો.

લોહી પડતું હોય, તેવા હરસ-મસામાં પણ બીલી પરિણામ આપે છે. આ માટે ઉપર મુજબ બીલીના ગર્ભનો ઘસારો છાશ સાથે આપવો. આયુર્વેદના મર્હિષ ચરકે આ માટે એક ઉત્તમ ઉપચાર બતાવ્યો છે. બીલીનાં મૂળ જો મળે તો તેનો ઉકાળો કરી હરસની તકલીફવાળાએ થોડા દિવસ રોજ સવારે તેમાં બેસવું. આ રીતે શેક લેવાથી લોહી પડતું બંધ થઈ હરસ જરૂરથી મટે છે.

એક વાત ઘણાં ઓછા લોકો જાણતા હશે, બીલીના પાન ડાયાબિટીસ-મધુપ્રમેહમાં ખૂબ જ ફાયદા આપનાર ઔષધ છે. બીલીનાં પાનને સ્વચ્છ કરી એકાદ કલાક પાણીમાં પલાળી રાખવા. પછી બહાર કાઢી, વાટી, વસ્ત્રમાં દબાવીને તેનો રસ કાઢી લેવો. સવાર-સાંજ એકથી બે ચમચી જેટલો આ રસ પીવાથી મધુપ્રમેહમાં ઉત્તમ લાભ થાય છે.

બીલી સાથે બીજા કેટલાક ઔષધો પ્રયોજીને બિલ્વાદિ ચૂર્ણ, બિલ્વાદિ ધૃત, બીલીનો મુરબ્બો, બિલવાદિ તેલ વગેરે ઉપયોગી ઔષધો બનાવાય છે. જે બજારમાં તૈયાર મળી રહે છે.