આંખ તુમ્હારી, ખ્વાબ હમારે : ઈન્ડિયન ડ્રીમ પોલિટિક્સ!  - Sandesh
NIFTY 10,710.45 -89.40  |  SENSEX 35,286.74 +-261.52  |  USD 68.3800 +0.40
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • આંખ તુમ્હારી, ખ્વાબ હમારે : ઈન્ડિયન ડ્રીમ પોલિટિક્સ! 

આંખ તુમ્હારી, ખ્વાબ હમારે : ઈન્ડિયન ડ્રીમ પોલિટિક્સ! 

 | 4:27 am IST

રિવરફ્રન્ટની પાળેથી…  :-  હર્ષદ પંડયા ‘શબ્દપ્રીત’

નેપોલિયનનું એક વિધાન છે : The soul without dream is what an observatory would be without a telescope! સ્વપ્ન વગરનો આત્મા એ ટેલિસ્કોપ વગરની વેધશાળા જેવો છે. આપણા નેતાઓ પણ એવું ચોક્કસ માને છે કે સત્તાની ફસલ મેળવવી હોય તો જનતાના દિમાગમાં સપનાનાં વાવેતર કરવાં પડે! સ્વપ્ન વગર સત્તા ન મળે! નાનાં-મોટાં કે સાચાં-ખોટાં સપનાંનું ઇન્વેસ્ટમેન્ટ કરો અને મતોનું મબલખ ડિવિડન્ડ મેળવો!

સપનું જોવું એ પ્રત્યેક જીવનો ચક્ષુસિદ્ધ અધિકાર છે, પણ સપનું બતાવવું એ દરેક લોકશાહી દેશના સ્વપ્નશીલ નેતા અને સ્વપ્નપ્રિય પ્રધાનનો ચૂંટણીસિદ્ધ અધિકાર છે. આજે વિવિધ પક્ષો પોતાની પરમ પવિત્ર ફરજ સમજી જનતાની આંખમાં સપનાં ગોઠવવાના અધિકારનું ચુસ્તપણે પાલન કરી રહ્યા છે. કેટલાક આ અધિકારને વિશેષાધિકાર તરીકે પણ ઓળખાવે છે, કેમકે આ અધિકારનો ઉપયોગ ચૂંટણીની ઋતુમાં વિશેષ થતો હોય છે. જેની જેવી આંખ, અને આંખની જેવી સાઇઝ, એ પ્રકારનાં સપનાં ગોઠવવાનું આજકાલ જોરદાર અભિયાન ચાલી રહ્યું છે. મારા, તમારા જેવા આમ આદમીની વાત જવા દો સાહેબ, ભગવાન જેવા ભગવાનને પણ સપનાં બતાવવામાં ભારતીય નેતાઓ ક્યારેય પીછેહઠ કરે એમ નથી. જો કે આ નેતાઓ, આમ તો, કોઈપણ ક્ષેત્રે પીછેહઠ કરે એમ નથી, કેમ કે એ સૌ ‘ભારતીય નેતા’ નહીં, પણ ‘ઈન્ડિયન લીડર્સ’ છે! એન્ડ ધેટ્સ વ્હાય, વી શૂડ બી પ્રાઉડ ઓફ હેવિંગ સચ ટાઇપ ઓફ ઈન્ડિયન લીડર્સ એન્ડ મિનિસ્ટર્સ! આપણે ત્યાં આવા નેતાઓ હોવાનું આપણને ગૌરવ કેમ ન હોય સાહેબ, જેમને આ સ્થાને પહોંચાડવામાં આપણે આપણા થોડાક ભોળપણનું અને થોડાક ભોટપણનું રોકાણ કર્યું છે! વળી, અસહ્ય મોંઘવારીનો માર ખાતાં ખાતાંય મતદાન વેળાએ, નોટબંધી વેળાએ, અને કોઈપણ સરકારી કામ વેળાએ લાંબી લાંબી લાઇનોમાં ટાઢ, તડકો કે વરસાદ વેઠીનેય અડીખમ ઊભા રહેવાનું કઠોર તપ પણ કર્યું છે – આ સૌ પ્રકારની નિર્દોષ ભક્તિ કર્યાનું તો આપણને ફળ મળતું હોય છે! આપણે ભલે આવી નિર્દોષ ભક્તિ કર્યા ના ફળની આશા ન રાખીએ, પણ આપણા ઈન્ડિયન લીડર્સ આ બાબતે આપણા માટે બહુ ઉદાર છે, આપણને ફળ આપ્યા જ કરતા હોય છે. મોંઘવારીનું ફળ, ભ્રષ્ટાચારનું ફળ, બેકારી અને બેરોજગારીનું ફળ, અને સૌથી મોટું તો સ્વપ્નફળ!  ‘અમે બતાવીએ એવાં જ સપનાં જુઓ અને ગલગલિયાંની એક્સાઇટનેસ અનુભવો! અન્ય પાર્ટીએ બતાવેલાં સપનાં જોઈને પસ્તાશો નહીં’ એ તક અમે તમને એક સોને અગિયાર ટકા પૂરી પાડીશું જો અમે બતાવેલા સપનાં તમે જોશો તો! અમે અમારી પ્રાઇવેટ એજન્સી પાસે એક સરવે કરાવ્યો છે એના તરફથી અમને જે માહિતી મળી છે એ મુજબ તો અમે અને માત્ર અમે જ તમારી આંખોની લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ પ્રમાણેનાં સપનાનું ચણતર કરી શકીએ એમ છીએ. બીજા પક્ષોની લોભામણી લાલચોમાં આવીને છેતરાવા જવાને બદલે હે મતદારો, એ માટે અમારે ત્યાં આવો!’

મોટા ભાગના નેતાઓની આવી નેતાવાણી, જેને આપણા ન્યૂ ચાણક્ય ‘અગમવાણી’ કહે છે એ, ૨૦૧૯ની લોકસભા ચૂંટણી સુધી, સાંભળવાનો અમૂલ્ય લાભ આપણને મળતો રહેવાનો છે એમાં સહેજ પણ શંકા નથી. આવા વાણીદાર નેતાઓને એ વાતે આનંદ થશે કે આવી વાણીની સરવાણીમાં જનતાને ગળાડૂબ વહાવતી રાખવા માટે ‘ધન્ય છે આ અમારી જીહવા!’ તો બીજી બાજુ આવા વાણીદાર નેતાઓની આવી પવિત્ર અગમવાણી સાંભળીને આપણે સૌ ગૌરવથી કહી શકીશું કે ‘ધન્ય છે આ અમારા કાન!’ આ વર્ષ અધિકમાસનું કહેવાય અને અત્યારે અધિક માસ ચાલે છે એટલે નેતાઓ દ્વારા અધિક અધિક બોલાશે અને આપણા સૌ વડે અધિક અધિક સંભળાશે! અધિક અધિક સપનાં બતાવાશે અને આપણામાંના કેટલાકને અધિક અધિક આશ્વાસન મળશે તો કેટલાકને અધિક અધિક મનોરંજન મળશે! ટૂંકમાં, જનતાને કંઈક તો અધિક અધિક મળશે! શું મળે છે એ મહત્ત્વનું નથી, સાહેબ, મળે છે એ મહત્ત્વનું છે.

આવા ‘અધિકપણા’નો લાભ કોને મળે છે એ તો ૨૦૧૯ની લોકસભાનાં ચૂંટણી પરિણામો જ કહી શકે!

ચૂંટણી પહેલાંનું એક વર્ષે એટલે રંગબેરંગી સપનાંની લહાણી કરવાનો ગોલ્ડન પિરિયડ! સપનાં જોવાની અને ઝીલવાની તાકાત આપણામાં હોવી જોઈએ સાહેબ! જોકે, સપનાં બતાવનારમાં તો આવી તાકાત ભરપૂર પડી હોય છે. હમણાં થોડા સમય પહેલાં રાહુલજીએ મધ્ય પ્રદેશના મંદસૌરમાં ડબલ ચાસણીમાં બોળી ઝબોળીને સપનાંની પૂરણપોળી પીરસતાં કહ્યું કે મધ્ય પ્રદેશમાં અમારી સરકાર બનશે તો અમે માત્ર દસ દિવસમાં જ ખેડૂતોનાં દેવાં માફ કરી દઈશું. What a great and sweet dream! દેશનાં અન્ય રાજ્યોનાં ખેડૂતોને ઈર્ષા આવે એવા સમાચાર કહેવાય!

કેટલાક ઘરેણાં ગોલ્ડ કોટેડ હોય છે, પણ અસલી દાગીના કરતાં વધારે લોભામણા હોય છે કેમ કે એ વધારે ચમકદાર હોય છે. કેટલાક સપનાં શુગર કોટેડ હોય છે, શુગર કોટેડ ક્વિનાઇનની ગોળી જેવાં! શરૂઆતમાં સરસ મજાનાં ગળ્યાં લાગે, પણ સમય જતાં એની કડવાશ અનુભવવા મળે! નેતાઓ માનતા હોય છે કે સપનાં બતાવવામાં સહેજપણ જોખમ નથી. સપનાં સાકાર થશે કે નહીં એવા સંશયમાં આ રાજાત્માઓ સહેજ પણ રહેતા નથી. એ સૌને એટલી તો ખબર છે જ કે ‘સંશયાત્મા વિનશ્યતિ.’ આત્માને સંશયશીલ રાખીએ તો વિનાશ સર્જે ને? આત્મા રાખવો જ નહીં. ન રહેગા બાંસ, ન બજેગી બાંસુરી. ક્યારેક ભોળપણના ભાવે જનતા બિચારી આવા સપનોના સોદાગરોને પૂછવાનું સાહસ કરે કે સાહેબ, ગઈ ચૂંટણીમાં તમે જે સપનાં બતાવેલાં એ આટલાં વરસેય સાકાર નથી થયાં, આમ કેમ? ત્યારે એ ડ્રીમ ડોનર એટલે કે સપનાનાં દાનેશ્વરીઓ જનતાને ગલગલિયાં થાય એવા ભાવથી, એવા અંદાજથી, અને એવા લહેકો અને અભિયન કરીને કહેતા હોય છે કે જુઓ ભ’ઈ, જમાનો હવે નવીનતાને છે, નવીનતાનો જ આગ્રહ રાખો. ક્યાં સુધી જૂના વિચારો, જૂનાં વચનો અને જૂનાં સપનાં વચ્ચે ઘેરાયેલાં રહેશો? બસ, એટલું જ યાદ રાખો કે ભૂતકાળ હંમેશાં ભૂલવા માટે અને વર્તમાન હંમેશાં જીવવા માટે હોય છે. તમે આ સદીના આપણા મિલેનિયમ સ્ટાર શ્રી અમિતાભભાઈનું નામ તો સાંભળ્યું છે ને? હા, તો એમના પિતાશ્રી કવિ હરિવંશરાય બચ્ચનજીએ વરસો પહેલાં એક કવિતા લખેલી : ‘જો બીત ગઈ સો બાત ગઈ!’ મિત્રો, આ કવિતામાંથી મને તો ચૂંટણીએ ચૂંટણીએ નવાં નવાં વચનો અને નવાં નવાં સપનાં બતાવવાની પ્રેરણા અને હિંમત મળે છે. માટે હે ભાઈએ-બહેનો, આ ચૂંટણીમાં અમે તમને ‘માઇક્રોડ્રીમ’ અને ‘મેક્રોડ્રીમ’ એવાં બે પ્રકારનાં તદ્દન નવાં જ આકાર અને નવી જ ડિઝાઇનનાં સપનાં બતાવવાનાં છીએ. આ સપનાંને તમે લોકલડ્રીમ અને ગ્લોબલડ્રીમ પણ કહી શકો. ટૂંકમાં, તમને અડધી રાતે કે પરોઢિયે વહેલી સવારે ઊંઘમાંથી જાગવાનું મન જ ન થાય એવાં રેઇનબો કલરનાં સપનાં અમે આપવાના છીએ!  અને આવા હસીન સપનાં તમારી આંખોમાં કાયમી વસવાટ કરતાં રહે એ માટે, રાત-દિવસ સૌ સાઉન્ડ સ્લીપ માણી શકો એવું આયોજન પણ કરવાના છીએ કેમ કે વરસોના અનુભવ પરથી અમને એટલી તો પાક્કી ખબર છે કે સપનાં જોવાં હોય તો ઊંઘવું પડે. તમે સૌ અમારાં હસીન સપનાં જોઈ શકો એ માટે તમને સાઉન્ડ સ્લીપ તો મળવી જ જોઈએ ને… અમે એની પણ વ્યવસ્થા કરીશું, પણ તમને સૌને સપનાં બતાવવાના ભગીરથ કર્મમાંથી અમે સહેજ પણ પાછી પાની નહીં કરીએ!

ચૂસકી : 

।। આજકાલનાં છોકરાંને કેટલા બધા ટકા આવે છે : ૯૯.૪, ૯૯.૫ કે ૯૯.૯!

।। સાલુ, આપણને તો આટલો તાવ આવતો’તો!

;