ફેસબુકને સોળે સાન આવશે?   - Sandesh

ફેસબુકને સોળે સાન આવશે?  

 | 12:36 am IST

નવાજૂની :- ઉર્વીશ કોઠારી

સોશિયલ મીડિયા અને કેબલ ટીવી પહેલાંના જમાનામાં કહેવાતું હતું કે ‘સોળે સાન અને વીસે વાન’-બાળકને સોળ વર્ષે સાન (સમજણ) આવે ને વીસે રૂપરંગ ખીલે. ઇન્ટરનેટ-મોબાઇલ અને સોશિયલ મીડિયાનાં સમીકરણો ધરમૂળથી બદલી નાખનાર કંપની ‘ફેસબુક’ને ગયા સોમવારે પંદર વર્ષ પૂરાં કરીને સોળમા વર્ષમાં પ્રવેશી. (તેના સ્થાપક માર્ક ઝકરબર્ગ કંપનીને મે મહિનામાં પાંત્રીસ પૂરાં થશે.) વાત ગૂગલ, ફેસબુક, એપલ જેવી કંપનીઓની હોય, ત્યારે તેમના સ્થાપનાદિવસોએ જયજયકારનો માહોલ હોય છે. પરંતુ છેલ્લાં થોડા સમયથી આ કંપનીઓનો બીજો, વરવો ચહેરો પ્રગટ થયો છે ત્યારે એવો પણ સવાલ પૂછી શકાય કે સોળમા વર્ષે ફેસબુકની-તેના સ્થાપક-સીઇઓની સાન ઠેકાણે આવશે? નીતિ-અનીતિ જોયા વિના કે બીજાની અંગત વિગતોની ગુપ્તતાની ચિંતા રાખ્યા વિના, તેમના ડેટાનો વેપલો કરવાની તેમની પદ્ધતિમાં અને ચેતવણીઓ છતાં નહીં સુધરવાના મનસ્વીપણામાં કશો ફ્રક પડશે?

ગેરેજ કે ડોર્મેટરીમાંથી શરૂ થઈને દુનિયામાં ડંકા વગાડનારી ઘણી આઇટી કંપનીઓની જેમ ફેસબુકની સફ્ળતાની કથા જાણી છે. તેની સ્થાપના સાથે સંકળાયેલા અને કોરટકચેરી સુધી પહોંચેલા વિવાદો પરથી ‘ધ સોશિયલ નેટવર્ક’ નામે એક હિટ ફ્લ્મિ પણ ૨૦૧૦માં બની. પરંતુ ત્યાર પછીનાં વર્ષોમાં ફેસબુકનો વ્યાપ અને પ્રભાવ ચિંતાજનક રીતે વધ્યાં છે. વિશ્વના ૭.૭ અબજ લોકોમાંથી ૨.૩૨ અબજ લોકો (આશરે ૩૦ ટકા લોકો) ફેસબુક વાપરે છે-દુનિયાની સૌથી વધુ, ૧.૩૮ અબજની વસ્તી ધરાવતા ચીનમાં ફેસબુક પ્રતિબંધિત હોવા છતાં.

આટલી મોટી સંખ્યામાં લોકોની માહિતી, ગતિવિધિઓ, ગમાઅણગમા વગેરેની જાણકારી એક સમયે નિર્દોષ ગણાતી હતી. એવી દલીલ પણ થતી હતી અને થાય છે કે લોકો સામેથી માહિતી આપતા હોય, તો પછી પ્રાઇવસી-અંગતતાના નામે કકળાટ મચાવવાની જરૂર નથી. પરંતુ હકીકત એ છે કે ફેસબુક તેની સાઇટ વાપરનારા વિશે કેટલું (ખરેખર તો કેટલું બધું) જાણે છે, તેનો મોટા ભાગના લોકોને અંદાજ નથી હોતો. આવા ‘મોટા ભાગના લોકો’માં અમેરિકાના જૂના-નવા પ્રમુખ સહિત અનેક શક્તિશાળી લોકોનો અને જાણકારોનો સમાવેશ થાય છે. એટલે જ, છેલ્લાં થોડાં વર્ષોમાં ફેસબુક નકરી પ્રશંસા કે મોં પહોળું થઈ જાય એવા અહોભાવ ઉપરાંત આકરી ઊલટતપાસ અને કડક ટીકાનું પાત્ર બની છે. ફેસબુકના વપરાશમાં અમેરિકા-કેનેડા અને યુરોપના લોકોનો હિસ્સો લગભગ ત્રીજા ભાગનો છે. પહેલાં જેમને વિકાસશીલ અને અવિકસિત ગણવામાં આવતા હતા, એવા દેશોના લોકો ફેસબુક પર મોટા પ્રમાણમાં સક્રિય છે.

ફેસબુકનો વ્યાપ રાક્ષસી બનાવવામાં મહત્ત્વનો ફળો (માનવમનને બહેકાવતી-ભરમાવતી-ઉશ્કેરતી અને મુદ્દે રમાડતી) તેની ડિઝાઈન અને કાર્યપદ્ધતિનો તો છે જ. સાથોસાથ, ફેસબુકને મળેલો સ્માર્ટફેનનો લાભ પણ નિર્ણાયક પુરવાર થયો છે. શરૂઆતનાં આઠ વર્ષ સુધી ફેસબુકનો ઉપયોગ ને પ્રભાવ મુખ્યત્વે કમ્પ્યૂટર વાપરનારા લોકો પૂરતો મર્યાદિત હતો. વર્ષ ૨૦૧૨માં ફેસબુકની કુલ આવકનો ફ્ક્ત ૧૧ ટકા હિસ્સો મોબાઇલમાંથી આવતો હતો. પછીનાં સાત જ વર્ષમાં તે પ્રમાણ વધીને કેટલે પહોંચ્યું હશે? કલ્પના કરી શકો છો? આશરે ૯૩ ટકા.

સ્માર્ટફેન પર ફેસબુક વાપરનારાને લાગતું હશે કે ફેસબુક તેમના ખિસ્સામાં છે, પણ હકીકત તેનાથી સદંતર અવળી છે. બધી શાણી ને સુફ્યિાણી વાતો છતાં, ફેસબુક તેના વપરાશકર્તાઓની અંગત માહિતીને-ડેટાને ગજવે ઘાલીને ફ્રે છે અને તેનો વેપાર કરીને અબજો કમાય છે. જેમ કે, ગયા વર્ષે જાહેરખબરમાંથી તેને થયેલી આવક ૫૫.૮ અબજ ડોલર હતી.

ફેસબુકની ટીકા થાય ત્યારે એક વર્ગ એવી દલીલ કરતો જોવા મળે છે કે ‘તમને કોણ ફેસબુક વાપરવાની ફ્રજ પાડે છે? તમારે ફેસબુકનો બહિષ્કાર કરવાનો.’ પરંતુ આ દલીલ ફેસબુક પરની (મોટા ભાગની) વ્યર્થ પટ્ટાબાજીમાં જ ચાલે એવી છે. સરકારનું આરોગ્યખાતું ઘણી વાર મીઠાઈ અને ફ્રસાણની દુકાનોએ દરોડા પાડીને, ત્યાંની વાનગીઓની તપાસ નથી કરતું? તેમની પાસે ચોક્કસ ધોરણો પાળવાનો આગ્રહ નથી રાખતું? ‘જેમને આ વાનગીઓ અસ્વચ્છ કે અશુદ્ધ લાગતી હોય, તેમણે એ નહીં ખાવાની. અમે ક્યાં તમને સાંકળે બાંધીને ખવડાવીએ છીએ.’-એવું કહીને છટકી શકાય? અને સવાલ મફ્તનો હોય, તો બિનઆરોગ્યપ્રદ કે હાનિકારક સામગ્રી વહેંચવાનો અધિકાર ફ્ક્ત ‘મફ્ત’ના કારણે મળી જતો નથી.

ફેસબુકના મામલે એવું જ બન્યું. વર્ષો સુધી તેણે દુનિયાને જોડવાની ને એવી બધી ગળચટ્ટી વાતો કરી. એ હકીકત છે કે ફેસબુકના વ્યાપ અને તેમાં રહેલી ધંધાની સંભાવનાઓનો પૂરેપૂરો ખ્યાલ તેના સ્થાપક ઝકરબર્ગને પણ નહીં હોય. છતાં, જેમ જેમ તક ઊભી થતી ગઈ, તેમ ઝકરબર્ગે અને ફેસબુકના મેનેજમેન્ટે દુનિયાની ભલાઈનું મહોરું હટાવ્યા વિના, આડેધડ અને ગ્રાહકોને અંધારામાં રાખીને તેમની વિગતોની રોકડી કરવાનું આરંભી દીધું. આ સફ્રમાં એવા અનેક પડાવ આવ્યા, જ્યારે ફેસબુકની ટીમને નૈતિક નિર્ણયો લેવાના હોય-અને તે પણ યુરોપ-અમેરિકાનાં ધોરણો પ્રમાણે. અત્યારે ઉપલબ્ધ વિગતો પરથી જણાય છે કે એવા ઘણા પ્રસંગોએ ફેસબુકે શોર્ટકટ અપનાવ્યો, ‘પડશે તેવા દેવાશે’ની રીત અપનાવી અને નફે વધારવા માટે બાકી કશાની પરવા ન કરી–ગ્રાહકોની નહીં ને સ્વસ્થ હરીફઈની પણ નહીં.

કોઈપણ કંપનીનો એકાધિકાર થઈ જાય, તે ગ્રાહકો માટે હંમેશાં જોખમી ગણાય. પરંતુ ફેસબુકનું કદ હદ બહારનું વધી ગયા પછી તેણે એ વાતનું બરાબર ધ્યાન રાખ્યું કે બીજી કોઈ કંપની તેને પડકારી ન શકે. એવી સંભાવના ધરાવતી કંપનીઓને ખરીદી લેવાની અથવા બેશરમ થઈને તેમની નકલ કરવાની. એટલે હરીફ કંપનીનું ફીંડલું જ વળી જાય. સારપના દાવાની આડમાં એકાધિકાર જમાવવા માટે ત્રણેક વર્ષ પહેલાં ફેસબુકે ભારતમાં ‘ફ્રી બેઝિક્સ’ નામે સેવાની જાહેરાત કરી. તેમાં મોબાઈલધારકોને ઇન્ટરનેટ મફ્ત મળે, પણ તેમની ઇન્ટરનેટની ગતિવિધિ પર આડકતરો કાબૂ ફેસબુકનો જ રહે. તે ઇચ્છે એવી સાઇટોને અગ્રતા આપી શકે. ભારે વિરોધ પછી ફેસબુકે ભારતમાં ફ્રી બેઝિક્સની યોજના પડતી મૂકવી પડી. એવી જ રીતે, અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં રશિયા ફેસબુકના માધ્યમથી દખલગીરી કરી શક્યું, એ પણ આંચકાજનક હકીકત હતી, જેનો ઝકરબર્ગે પહેલાં ઇન્કાર ને પછી સ્વીકાર કરવો પડયો.

ફેસબુકને સોળે સાન આવે કે ન આવે, જાગ્રત નાગરિકો અને સરકારોને મોડે મોડે સાન આવી રહી છે. યુરોપ-અમેરિકામાં ફેસબુકના માથે તોતિંગ રકમનો દંડ તોળાઈ રહ્યો છે, પણ આટલી માલેતુજાર કંપનીને ગમે તેટલો દંડ કમરતોડ લાગવાનો નથી. એટલે સોળ વર્ષમાં પ્રવેશેલી ફેસબુકનો વિશ્વવિજય સરકારો અને નાગરિકો માટે ચિંતાનો વિષય બન્યો છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન