ફેક્ટને નામે ફેંકાફેંકનો કારોબાર કાબૂમાં આવશે? - Sandesh
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • ફેક્ટને નામે ફેંકાફેંકનો કારોબાર કાબૂમાં આવશે?

ફેક્ટને નામે ફેંકાફેંકનો કારોબાર કાબૂમાં આવશે?

 | 12:16 am IST

વિશ્વવ્યાપી :- નમન મુનશી

પહેલી નજરે સાચા જણાતા પણ સદંતર બનાવટી જાતજાતનાં તરકટી જુઠ્ઠાણાં આવાં માધ્યમોના સહારાથી ગણતરીની મિનિટોમાં લાખો-કરોડો લોકો વચ્ચે ફ્રતા થઇ જાય છે. અને લોકોય સાચાખોટાની પરખ કર્યા વિના ફેરવર્ડ કરીને આગમાં પેટ્રોલ છાંટવાનું કામ કરે છે.

આ છે દુનિયાને માથે પડેલી સમસ્યા – ‘ફેક ન્યૂઝ’. ફેક ન્યૂઝ ફેસબુકની લાઇક્સ કે ટ્વિટરની રિ-ટ્વીટ જેટલી મસાલેદાર થતી જાય છે. પોતાની વિચારસરણીનો પ્રભાવ અને પ્રચાર વધારવા રાજકીય પક્ષો આનો વધુ ઉપયોગ કરે છે, પરંતુ માત્ર ને માત્ર રાજકીય પક્ષો જ આનો લાભ કે ગેરલાભ ઉઠાવે છે તેવું નથી. કોઈ ચોક્કસ મુદ્દા પર કે માત્ર ઉત્તેજના ફેલાવવા કે મેલી મુરાદ પૂરી કરવા માટે અત્યારે વિશ્વભરમાં જે રીતે તદ્દન બકવાસ, ધડ-માથા વિનાના સમાચારો કે ફેટોશોપની માળાથી તૈયાર થતી તસવીર-ક્લિપ્સ ઝડપથી વાઇરલ થઇ જાય છે. આ કારણે સમાચાર માધ્યમો તેમજ સોશિયલ મીડિયામાં ફેક ન્યૂઝનું એવું જોરદાર દૂષણ પેદા થયું છે કે આપણે જે વાંચીએ, જોઈએ, સાંભળીએ છીએ તેમાંથી સાચું-ખોટું તારવવાની બુદ્ધિ જ બહેર મારી જાય એમ છે.

બંગાળમાં હિન્દુ યુવકને માર્યો કે બિહારમાં મુસ્લિમોને ટોળાંએ ફ્ટકાર્યું જેવી ઉત્પાત જગાવતી ખબરો આડેધડ ફંગોળાતી રહે છે. ૨૦૧૮માં બનેલ એક-બે ઘટના યાદ છે? એમાં નાસીર અને અન્ય કેટલાક લોકોએ શમશાદ નામના યુવકને શહેરથી દૂર લઇ જઈ ઝાડ સાથે બાંધી ફ્ટકાર્યો હતો, જેમાં શમશાદે નાસીરને ઉધાર રૂપિયા આપેલા જેની ઉઘરાણી કરતો હતો.

પેલી મલયાલમ ફ્લ્મિની આંખ મારતી હિરોઈન પ્રિયા પ્રકાશ વોરિયર યાદ છેને? એક ટ્વીટ એવું થયું હતું કે બંગાળના એક મૌલાનાએ પ્રિયા સામે ફતવો બહાર પાડયો હતો કે જ્યારે અમે નમાઝ માટે આંખ બંધ કરીએ છીએ, ત્યારે આંખ મિંચકારતી પ્રિયા જ દેખાય છે. મજાની વાત તો એ છે કે આવા ફેક ન્યૂઝની અડફેટે મુખ્ય સમાચાર માધ્યમો તેમાંય ન્યૂઝ ચેનલોય ચઢી જાય છે. આ જ કહેવાતા ફ્તવાના મુદ્દે સૌથી આગળ રહેતી હોવાનો દાવો કરતી ન્યૂઝ ચેનલની સમાચાર સંચાલિકાએ આગળ રહેવાની લાયમાં આખેઆખી ડિબેટ કરી નાખી હતી. જ્યારે ફેક ન્યૂઝની સત્યતા બહાર આવી ત્યારે ચેનલ અને સંચાલિકા બંને માટે નીચાજોણું થયું હતું.

વળી આ ફ્ક્ત ભારતની જ નહીં, વિશ્વભરની સમસ્યા થઇ પડી છે તેનું કારણ એ છે કે પરંપરાગત સમાચાર માધ્યમો કરતાં નિયંત્રણ મુક્ત સોશિયલ મીડિયા અત્યંત શક્તિશાળી તેમજ ઝડપી છે. હજી ૧૦મી નવેમ્બર, ૨૦૧૯ના રોજ મૃત્યુ પામેલા ભારતીય ચૂંટણી પ્રક્રિયાના સુધારક ટી.એન.શેષનના મૃત્યુના ફેક ન્યૂઝ માર્ચ ૨૦૧૮માં આવેલા જેના ઉપર કેટલાક નેતાઓએ શ્રદ્ધાંજલિ પણ વ્યક્ત કરી દીધી હતી.

વર્ચ્યુઅલ વર્લ્ડ કે ડિજિટલ વર્લ્ડમાં ફેક ન્યૂઝ નામના વાવાઝોડાનો સામનો કરવાનું કામ અતિ વિકટ છે. થોડુંક કમ્પ્યૂટરનું નોલેજ હોય અને તેની સાથે થાક્યા વિના સચ્ચાઈ શોધવાની ધગશ કે તૈયારી હોય તો જ ફેક ન્યૂઝ પારખી શકાય છે, જાણી શકાય છે.

ફેક ન્યૂઝના ગુમનામ રહેતા સર્જકો એટલા માસ્ટર માઈન્ડ હોય છે કે તેઓ પ્રતિષ્ઠિત અખબાર કે ચેનલનું જ નામ વટાવી ખાતા હોય છે. સંદેશ.કોમ ને બદલે સંદેશ.ન્યૂઝ.કોમ કે એવું જ માસ્ટ હેડ કે વેબ એડ્રેસ રાખી ફેક સમાચાર રજૂ કરે કે જે પહેલી નજરે સાચા જ લાગે.

બીજી તકલીફ એ છે કે સમાજ સત્યને બદલે માન્યતા પર વધુ વિશ્વાસ ધરાવે છે. કેટલીક વાર સાચી વાત જાણતા હોવા છતાં ટીખળ કરવામાં મઝા આવતી હોવાથી આ પ્રકારની મનોવૃત્તિને વેગ મળતો રહે છે.

સવાલ એ થવો ઘટે કે આવા ન્યૂઝ જાણ્યા-સમજ્યા વિના શા માટે આડેધડ ફેરવર્ડ જ કર્યે રાખવાના? સાચું-ખોટું જાણવા સામાન્ય બુદ્ધિનો ઉપયોગ તો કરવો જોઈએને?

ડિજિટલ દુનિયામાં કસ્ટમર તરીકે આપણે ઊભા રહીએ ત્યારે આપણી સામે વિશ્વભરમાંથી માહિતી ઠલવાય છે. સામાજિક કે સાંસ્કૃતિક ભેદભાવ વગર ઠલવાતી માહિતીઓ આપણે જાણતા-અજાણતા સાચી માની લઈએ છીએ. ખોટા સમાચારની સત્યતા બહાર આવે તે પહેલાં તેની ઘાતક અસર શરૂ થઇ જાય છે.

આ વિચિત્ર સમસ્યાનું નિરાકરણ ફ્ક્ત જાગરૂકતાથી જ આવી શકે એમ છે. એક જવાબદાર નાગરિક કે સમાજના સભ્ય તરીકે આપણે સમાચારો કે માહિતીઓને કેટલીક લાઇક્સ મેળવવા કે લોકોમાં વટ પાડવા માટે જ ફેરવર્ડ કરતાં પહેલાં તપાસ જરૂર કરવી. કોઈનીય લાગણી ઉશ્કેરતા હોય એવા સમાચાર કે વીડિયો-ફોટોગ્રાફ્સ ફોરવર્ડ કરતાં પહેલાં એક દિવસ રોકાઈ જવું. એ એક દિવસ એ સમાચાર, વીડિયો, ફોટોગ્રાફની અન્ય વેબસાઈટ, ન્યૂઝસાઈટ, અખબાર વગેરેમાં શોધ કરવી. દરેક જગ્યાએથી એ સાચું હોવાની સાબિતી મળે તો જ ફોરવર્ડ કરવું.

બાકી માનવીય રીતે તમારે મુઠ્ઠી ઊંચેરા સાબિત થવું હોય તો કોઈનીય લાગણી દુભાવે એવા સમાચાર સાચા હોય તો પણ ફોરવર્ડ કરવાની કોઈ જરૂર નથી.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન