પડી જાઓ ત્યારે પડયા રહેવાના બદલે ફરી ચાલવાની કોશિશ કરો - ૨ - Sandesh
  • Home
  • Supplements
  • Sanskar
  • પડી જાઓ ત્યારે પડયા રહેવાના બદલે ફરી ચાલવાની કોશિશ કરો – ૨

પડી જાઓ ત્યારે પડયા રહેવાના બદલે ફરી ચાલવાની કોશિશ કરો – ૨

 | 11:45 pm IST

ગયા વખતે આપણે છેલ્લે લિંકનની, ‘ This is a slip-not a fall ‘ લપસી ગયો છું પણ પડી ગયો નથી, એ વાત જોઈ. લિંકને પડી જવાનું સ્વીકાર્યું નહોતું, પડયા રહેવાનું સ્વીકાર્યું નહોતું એટલે અમેરિકાના પ્રમુખ તરીકેની ચૂંટણીમાં આખરે વિજયી થયા હતા. પડી ગયેલી વ્યક્તિ ઊભી થઈને ચાલવાનો પ્રયત્ન કરે તો જ વહેલી કે મોડી પોતાની મંઝીલ સુધી પહોંચી શકે છે. પડી જનાર વ્યક્તિ પડી જ રહે તો એનું ભાવિ નક્કી થઈ જ જાય છે.

હવે પછી આગળના મુદ્દાઓનો આપણે વિચાર કરીએ.

– નસીબને કે બીજા કોઈને દોષ ન આપો.

જીવનમાં નિષ્ફળ જતી વ્યક્તિઓ મોટે ભાગે નિષ્ફળતા માટે નસીબને કે પોતાની સાથેની વ્યક્તિઓને દોષ દેતી હોય છે. ‘ઘણું કર્યું પણ નસીબમાં નહીં.’ ‘મારા નસીબમાં કશું સારું છે જ નહીં.’ ‘નસીબ અવળું બીજું શું?’ આ રીતે વિચાર કરનારને સફળતા મળવી મુશ્કેલ થઈ જાય છે. નસીબ એ નિર્બળ માણસોની ખીંટી છે. ખીંટી ઉપર કપડાં કે વસ્તુઓ લટકાવાય એમ એ લોકો નસીબની ખીંટી ઉપર પોતાની બધી નિષ્ફળતાઓને લટકાવીને છૂટી જવા પ્રયત્નો કરે છે.

બીજા કેટલાક નસીબને બદલે પોતાના સાથીદારો, સગાંવહાલાંને અથવા ક્યારેક જેમની સાથે કશું જ લાગતુંવળગતું ન હોય એવી વ્યક્તિને પણ દોષ દે છે.

એમની વાત ક્યારેક સાચી પણ હોય છે પરંતુ ઉપરાઉપર નિષ્ફળતા મળે ત્યારે કોઈકને જવાબદાર ઠેરવવાના પ્રયત્નો કરવાના બદલે પોતાની જાતમાં, પોતાના વ્યવહારમાં બદલાવ લાવવાના પ્રયત્ન કરવા જોઈએ.

મુસીબત આવે તો સહેજ અટકીને સ્વસ્થ થવા પ્રયાસ કરો.

મુસીબતમાં માણસનું મન ડહોળાઈ ગયેલું હોય છે એટલે પહેલાં મનને અને પરિસ્થિતિને શાંત પડવા દો. થોડીવાર અટકી જાઓ. સ્વસ્થ થાઓ. ઉતાવળથી ક્યારેય કોઈ કામ બનતું નથી. નવી તરતાં શીખનાર વ્યક્તિ ઉતાવળે ઉતાવળે હાથ-પગ હલાવવા માંડે છે પરંતુ એથી તો એ થાકી જાય છે. અનુભવી તરવૈયા ખૂબ જ સ્વસ્થતાથી હાથપગ હલાવીને આસાનીથી તર્યા કરે છે. મુસીબતમાં ફસાયેલી વ્યક્તિ પણ ક્યારેક ઉશ્કેરાટ અને ઉતાવળમાં ડૂબી જાય છે.

-પરિસ્થિતિની ઊજળી બાજુ જોવાનો પ્રયત્ન કરો.

નિષ્ફળતા મળે ત્યારે હાંફળાફાંફળા થઈ જવાના બદલે સ્વસ્થતા જાળવીને પરિસ્થિતિને સમગ્ર રીતે જોવાનો પ્રયત્ન કરો. ગમે તેવી ખરાબ પરિસ્થિતિમાં પણ કશુંક સારું-કશુંક ઉપયોગી થઈ શકે એવું દેખાયા વિના રહેતું નથી. અમેરિકન લેખક-પત્રકાર નોર્મન કઝીન્સની વાત આ બાબતમાં દુનિયાભરમાં જાણીતી બની છે. પોતાના હકારાત્મક દૃષ્ટિકોણને કારણે બે અસાધ્ય રોગો સામે લડીને એમણે વિજય મેળવ્યો હતો.

નિષ્ણાત ડોક્ટરોના મતે કઝીન્સને જે આર્થ્રાઈટિસ લાગુ પડયો હતો એ અસાધ્ય રોગ હતો, પરંતુ યોગ્ય સારવાર અને હાસ્યવિનોદ દ્વારા કઝીન્સે એ રોગમાંથી મુક્તિ મેળવી હતી. આજે લાફિંગ ક્લબો શરૂ થઈ છે એના પાયામાં એ છે. એમણે હજારો દર્દીઓને હાસ્યની કિંમત સમજાવીને સાજા થવાની પ્રેરણા આપી હતી.

બીજો રોગ હતો હૃદયરોગનો ભારે હુમલો. ડોક્ટરે એમને કહ્યું કે, એમના હૃદયના પંચોતેર ટકા સ્નાયુઓને નુકસાન થયું હતું-માત્ર પચીસ ટકા જ સારા રહ્યા હતા.

પરંતુ ત્યાર પછી ડોક્ટરને પોતે ભૂલ કરી હોવાનું લાગ્યું, પરંતુ એ દરમિયાન સમય પસાર થઈ ગયો હતો. ડોક્ટર કઝીન્સના મિત્ર હતા. એમણે કહ્યું કે, હૃદયના પચીસ ટકા સ્નાયુઓને નુકસાન થયું હતું. પંચોતેર ટકા બચી ગયા હતા. પોતે કરેલી ભયંકર ભૂલ બદલ એમને પસ્તાવો થતો હતો. કઝીન્સને એમણે પૂછયું કે, અગાઉની વાત સાંભળીને એમને ડર લાગી ગયો હશે, ખરુંને?

કઝીન્સે કહ્યું કે ‘ના, કેટલા ટકા બગડેલ છે એના બદલે હું તો જે સલામત હતું એનો વિચાર કરીને આનંદ પામતો હતો.

કઝીન્સ વસ્તુને જોતી વખતે એની ઊજળી બાજુને જ જોતા હતા.

હકારાત્મક અભિગમને કારણે જ તેમને ગમે તેવી ખરાબ પરિસ્થિતિમાંથી પણ બહાર નીકળવાનો માર્ગ મળી આવતો હતો.

– પોતાના આલોચક બનો, પણ આત્મશ્રદ્ધા ક્યારેય ન ગુમાવો.

નિષ્ફળતા મળે ત્યારે એમાં પોતે શું ભૂલ કરી હતી, પોતાની કામ કરવાની રીતમાં શું ખામી હતી એ શોધવાની તૈયારી દરેક જાગ્રત વ્યક્તિએ રાખવી જ જોઈએ. પોતાની ભૂલો જાણ્યા વિના કે એ ભૂલો સ્વીકાર્યા વિના કોઈને સફળતા મળતી નથી. પોતાની નિષ્ફળતા માટે બીજાને દોષ દેનાર ફરી બીજી નિષ્ફળતાનો પણ ભોગ બને છે.

જાગ્રત વ્યક્તિ પોતાને મળેલી નિષ્ફળતા માટે પોતાની બરોબર આલોચના કરે છે. પોતાની ખામીઓ, પોતાના દોષ, શોધી કાઢે છે અને સુધારવાનો પ્રયત્ન કરે છે અને છતાં પોતાની આત્મશ્રદ્ધા તે ગુમાવતી નથી.

કોઈ માણસે એક મકાન બનાવ્યું. એ મકાનમાં કોઈક ખામી રહી ગઈ. મકાન પડી ગયું. ખંડિત થઈ ગયું. પણ એથી એ માણસે ખંડિત થઈ જવાની જરૂર નથી. મકાનના ચણતરમાં રહી ગયેલી ખામી સુધારીને ફરીથી એ મકાન બનાવી શકે છે અને એ કામમાં સફળતા મેળવી શકે છે.

– મુસીબત આવે ત્યારે સાચો મિત્ર હિંમત છે

માણસને નિષ્ફળતા મળે ત્યારે એ મુસીબતોથી ઘેરાઈ જાય છે. મુસીબત ભાગ્યે જ એકલી આવે છે. એ ટોળામાં આવીને હુમલો કરે છે.

જ્યારે નજીકનાં સગાંવહાલાં કે સ્નેહીઓ છોડી જાય છે ત્યારે પણ એક વસ્તુ એની સાથે જ હોય છે, એ છે એની પોતાની હિંમત અને જો એ પોતાની હિંમતનો ત્યાગ ન કરે તો વહેલી કે મોડી મુસીબતો હટી જ જાય છે. નિષ્ફળતા સફળતામાં પલટાઈ જાય છે. છોડી ગયેલા સ્નેહીઓ પાછા આવે છે. હિંમત જ છેવટે વિજયી બનાવે છે.

કોલંબસ ભારત શોધવા નીકળ્યો હતો. પોર્ટુગીઝના કિનારેથી પશ્ચિમ દિશામાં વહાણો હંકારીને એ ભારતના પૂર્વકિનારે પહોંચવા ઈચ્છતો હતો, કારણ કે પૃથ્વી ગોળ હોવાની વાત ઉપર એને પૂરી શ્રદ્ધા હતી.

પરંતુ વિશાળ આટલાંટિક મહાસાગર એ વખતે કોઈ ખેડતું નહોતું અને એ કેટલો વિશાળ છે એનો પણ કોઈને અંદાજ નહોતો.

મહાસાગરના તોફાની એકાંતમાં દિવસોના દિવસો સફર કરીને કોલંબસના ખલાસીઓ થાકી ગયા હતા. કોઈક ખાસ પ્રકારના ટેન્શનને કારણે એમનાં મગજ ખરાબ થઈ ગયાં હતાં. કેટલાકે જલદીથી પાછા ફરવાની વાત કરી હતી અને નહીં તો બળવો કરીને કોલંબસને મારી નાખવાની ધમકી આપી હતી.

છતાં કોલંબસ હિંમત ન હાર્યો. પોતાની માન્યતા ઉપર એ અડગ રહ્યો અને ખલાસીઓને થોડા દિવસમાં જ જમીન દેખાવાની આશા આપતો રહ્યો અને છેવટે જમીન દેખાઈ. ભારતના કિનારાના બદલે અમેરિકાનો કિનારો દેખાયો. જમીન જોઈને ખલાસીઓ નાચી ઊઠયા. પોતાનો બધો જ અફસોસ, બધો જ વિષાદ એ ભૂલી ગયા.

હિંમતમાં આવી અજબ શક્તિ છે. હિંમતને નહીં છોડનારને હિંમત ક્યારેય છોડતી નથી, દગો દેતી નથી.

(વધુ આવતા અંકે)

કેલિડોસ્કોપ : મોહમ્મદ માંકડ

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન