ખોટા ડોક્યુમેન્ટ્સથી સ્કૂલની મંજૂરી મેળવી હશે તો પોલીસફરિયાદ થશે - Sandesh
  • Home
  • Ahmedabad
  • ખોટા ડોક્યુમેન્ટ્સથી સ્કૂલની મંજૂરી મેળવી હશે તો પોલીસફરિયાદ થશે

ખોટા ડોક્યુમેન્ટ્સથી સ્કૂલની મંજૂરી મેળવી હશે તો પોલીસફરિયાદ થશે

 | 1:27 am IST

અમદાવાદ, તા,૧૩

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડે માહિતી છુપાવીને કે ખોટી માહિતી, દસ્તાવેજો આપીને મંજુરી મેળવી લેતી સ્કૂલો પર તવાઈ બોલાવી આ મામલે સઘન તપાસ કરવાનો અને કસૂરવાર સ્કૂલો સામે પોલીસ ફરિયાદ સહિતની ય કાર્યવાહી કરવાનો બુધવારે નિર્ણય લીધો છે. એટલે સુધી કે, ખોટા દસ્તાવેજો છતાં તેને મંજુરી આપનારા જે તે જિલ્લા શિક્ષણાધિકારીઓ સામે પણ કાનૂની કાર્યવાહી થશે.

શિક્ષણ બોર્ડની બુધવારે ગાંધીનગર ખાતે મળેલી સામાન્ય સભામાં ખોટી રીતે સ્કૂલોને મંજૂરી આપવાનો મુદ્દો ઉછળ્યો હતો. જેના પગલે બોર્ડ મેમ્બરોમાં રીતસરના બે ભાગ પડી જતા સામાન્ય સભા તોફાની બની હતી.

શિક્ષણ બોર્ડ કુલ ૬૦ સભ્યોનું બનેલુ છે જેની વર્ષમાં ત્રણેક વખત બેઠક મળતી હોય છે. જેમાં બોર્ડ મેમ્બરો દ્વારા વિવિધ પ્રસ્તાવો મૂકવામાં આવતા હોય છે. જે પ્રસ્તાવ પ્રથમ કારોબારીમાં મુકાય છે જેમાં મંજૂરી મળ્યા બાદ સામાન્યસભામાં પ્રસ્તાવ આવતો હોય છે. જેમાં ગહન ચર્ચા કર્યા બાદ નિર્ણયો લેવાતા હોય છે. પરંતુ સામાન્ય સભામાં છેલ્લાં બે વર્ષમાં મોટાભાગના પ્રસ્તાવોને કારોબારીમાં જ રોકી રાખવામાં આવતા હોવાનું જાણવા મળ્યું છે.

આ વખતે ધોરણ.૧૦ની પરીક્ષા હળવી કરવા માટે બોર્ડ અને સ્કૂલના મળીને ૩૩ માર્કસ આવે તો વિદ્યાર્થીને પાસ જાહેર કરવાનો મુકાયેલ પ્રસ્તાવ તથા સાયન્સમાં રિ-એસેસમેન્ટ માટે મુકાયેલ પ્રસ્તાવ રોકી રખાયો હતો. પરંતુ બુધવારની બેઠક પહેલાં નવી સ્કૂલોની મંજૂરીઓમાં થતા વહીવટોમાં ભાવ સાથેના જાહેર આક્ષેપો કરવામાં આવ્યાં હતા. અને આ મામલો બેઠકમાં મુખ્ય રહ્યો હતો. અને આ મુદ્દે તપાસ કરવી અને ગેરરીતિઓ આચરનારાઓ સામે પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

;