ફૂટી શકે કે ના ફૂટી શકે ? - Sandesh

ફૂટી શકે કે ના ફૂટી શકે ?

 | 4:05 am IST

પ્રયોગ કરવા માટે શું જોઇશે..

એક મીણબત્તી

માચીસનું બોક્સ

પાણી

બે ફુગ્ગા

પ્રયોગ કરશો કેવી રીતે?

૧. એક ફુગ્ગામાં હવા ભરી લો અને તેને ગાંઠ બાંધી લો. કે જેથી તેમાંથી હવા બહાર ન આવી જાય.

૨. મીણબત્તીને સળગાવી લો

૩. ફુગ્ગાને મીણબત્તીની જ્યોતથી થોડી ઉપર રાખીને પકડો અને ધીરેધીરે તેને જ્યોતની નજીક લઇ જાઓ.

૪. બીજા ફુગ્ગાને થોડા પાણીથી ભરી લો પછી ફુલાવી દો. જેથી કરીને તેનામાં થોડી હવા પણ આવી જાય પછી તેને ગાંઠ બાંધી લો.

૫. પાણી ભરેલા ફુગ્ગાને જ્યોત ઉપર પકડી રાખો , જ્યોતને ફુગ્ગાને અડવા દો જેથી કરીને તે પાણી ભરેલા ભાગને અડી શકેે.

શું થશે ?

હવાથી જે ફુગ્ગો ભરેલો હશે તે જ્યોત અડે તે પહેલાં  જ ફૂટી જશે. રબ્બરને જેવી ગરમી મળવાની શરૂ થશે તરત જ તે ઓગળી જશે અને ફૂટી જશે.

જ્યારે બીજો ફુગ્ગો કે જેમાં પાણી ભરેલું છે તે તરત નહિ ફૂટે, અને જે ભાગમાં એ જ્યોત અડી હશે તે સપાટી પર કાળા રંગનું ટપકંુ પડી ગયું હશે.

આવું શા માટે બને છે ?

આ બંને ફુગ્ગા વચ્ચેનું અંતર ફક્ત એટલું જ છે. તેમાંના એકમાં પાણી છે અને એકમાં નથી. પાણી ગરમીને શોષી લેવાનું કામ કરે છે. જેથી જેવું પાણી જ્યોતની નજીક જાય કે તે તરત જ ગરમીને શોષવાનું કામ કરે છે અને ઠંડું પાણી જ્યાં સુધી ગરમ ના થઇ જાય ત્યાં સુધી તે ગરમીને શોષે છે, આમ આ રીતે પાણી ગરમીને રબ્બરના ફુગ્ગાથી દૂર રાખવાનંુ કામ કરે છે. પાણી અણુઓનું બનેલંુ છે તેમાં હાઇડ્રોજન અને ઓક્સિજન બે અણુ છે. આ અણુઓમાં જે ઠંડા હોય તે નીચે આવી જાય છે અને ગરમ ઉપર આવી જાય છે એટલે કે જ્યાં સુધી આ બધાજ અણુઓ ગરમ ના થઇ જાય ત્યાં સુધી તે ગરમીને શોષવાનું કામ કરે છે, આ બધું પાણીની ગરમીને શોષવાની ક્ષમતા પર આધાર રાખે છે. ત્યારબાદ પાણી ઉકળી જાય એ પછી તે ફૂટી જાય છે. ફુગ્ગાની સપાટી પર જામેલું કાળું ટપકું એ જ્યોતમાંથી નીકળેલો કાળો ધુમાડો છે. જે ટપકાં રૂપે જામી જાય છે.