મરતા પહેલા મેહુલે આપ્યુ 5 લોકોને નવુ જીવન - Sandesh
  • Home
  • Bhuj
  • મરતા પહેલા મેહુલે આપ્યુ 5 લોકોને નવુ જીવન

મરતા પહેલા મેહુલે આપ્યુ 5 લોકોને નવુ જીવન

 | 7:37 pm IST

મુંબઈ કાંજુરમાર્ગમાં રહેતા ૩8 વર્ષના મેહુલ પીઠડિયાએ મૃત્યુ પહેલા એકવુ કામ કર્યુ છે કે તેને સલામ કરવી પડે. પીઠડિયા પરિવારે મેહુલના અચાનક મૃત્યુ બાદ તેના શરીરના અવયવોનું દાન કરીને પાંચ વ્યક્તિને નવું જીવન બક્ષ્યું હતું.

મૂળ કચ્છી મચ્છુ કઠિયા સઈ સુતાર મેહુલ ૩૦ ઑગસ્ટના રોજ સવારે એક સંબંધીની સ્મશાનયાત્રામાં જવા માટે તૈયાર થઈ રહ્યો હતો. એ માટે તે પહેલાં બાથરૂમમાં નહાવા ગયો હતો. મેહુલ બાથરૂમમાંથી પોણો કલાક સુધી બહાર ન આવતાં તેના પરિવારજનોને ચિંતા થઈ હતી. પરિવારે ચાવીથી બાથરૂમનું બારણું ખોલ્યું હતું. બધાએ જોયું તો મેહુલ બાથરૂમમાં બેભાનાવસ્થામાં ચત્તોપાટ પડ્યો હતો. તરત જ તેને વિક્રોલીની એક હૉસ્ટિપલમાં લઈ જવાયો હતો. ત્યાં ડૉક્ટરોએ મેહુલને બ્રેઇન-હૅમરેજ થઈ ગયું હોવાનું નિદાન કર્યું હતું.

મેહુલ તેના ભાઈ સુધીર પીઠડિયા સાથે ટેલરિંગનું કામ કરતો હતો. મેહુલનું બ્રેઇન ડેડ થઈ ગયું હોવાનું અમને ડૉક્ટરોએ કહ્યું હતું એમ જણાવતાં સુધીરે કહ્યું હતું કે, ‘ત્યાર પછી અમને ડૉક્ટરોએ તેના શરીરના અવયવો ડોનેટ કરવા માટેની સમજણ આપી હતી. મેહુલની પત્ની ઊર્મિ સહિત અમારા પરિવારના બધા સભ્યોને ડૉક્ટરોની આ વાત ગમી હતી. આમ પણ મેહુલનો સ્વભાવ માનવતાવાદી હતો. તે હંમેશાં લોકોને સેવા આપવા તત્પર રહેતો હતો એટલે તેના સ્વભાવને અનુરૂપ અવયવ-દાનને અમે સ્વીકારી લીધું હતું.’

શુ શુ દાન કરાયું…
મેહુલના હાર્ટ, ફેફસાં, કિડની, આંખો જેવા અવયવો દાન કર્યા પછી તેનું બીજા જ દિવસે મૃત્યુ થયું હતું. મેહુલ જ્યારે મૃત્યુ પામ્યો તે જ સમયમાં જ અંધેરીના એક પોલીસને ફેફસાંની અને હાર્ટની જરૂર હતી. તેને મેહુલનું હાર્ટ અને ફેફસાં ઉપયોગમાં આવી ગયાં હતાં. ડૉક્ટરોએ તે પોલીસનો જીવ બચાવી લીધો હતો. એક જ દર્દીને બે અવયવો દાન થયા હોય એવો આ કદાચ પહેલો બનાવ હતો. બીજા બે જણને કિડનીની જરૂર હતી. ડૉક્ટરોએ મેહુલની કિડનીથી એ દર્દીઓનો જીવ બચાવ્યો હતો. આમ એક જ દિવસમાં મેહુલના અવયવો દાન કરવાથી ત્રણ વ્યક્તિનો જીવ બચ્યો હતો. તેમ જ બે જણને દૃષ્ટિ મળી હતી.’

મેહુલના પરિવારમાં પત્ની ઊર્મિ, માતા લીલાવંતીબહેન અને પુત્ર રોનક છે. મેહુલના મૃત્યુ બાદ પરિવાર પર આભ તૂટી પડ્યું હતુ, પણ સાથે તેના કારણે પાંચ લોકોને જીવન મળ્યું તેનો તેમને સંતોષ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન