પરિવારવાદ એ ભારતીય લોકતંત્રને લાગેલો લૂણો છે - Sandesh
  • Home
  • Columnist
  • પરિવારવાદ એ ભારતીય લોકતંત્રને લાગેલો લૂણો છે

પરિવારવાદ એ ભારતીય લોકતંત્રને લાગેલો લૂણો છે

 | 1:20 am IST

રાજકીય લેખાંજોખાં : વિનોદ પટેલ

ભારતમાં પરિવારની બોલબાલા છે. એમાં પણ જો તમારો પરિવાર રાજકારણમાં હોય તો તમારો રાજા જેવો વટ પડે. વાત કડવી લાગે એવી છે પણ નકારી શકાય તેવી નથી. પરિવારવાદ એ ભારતીય લોકતંત્રને લાગેલો લૂણો છે. બન્યું છે એવું કે જવાહરલાલ નહેરુએ જેમને તેમની લાયકાત અનુસાર પોતાના અનુગામી તરીકે તૈયાર કરેલાં તે પ્રિયર્દિશની ઇંદિરા ગાંધીએ આ પરંપરાને વધારે મજબૂત કરતાં નેપોટિઝમ યાને સગાંવહાલાંવાદ રાજકારણમાં ભયંકર રીતે પ્રવેશ્યો અને ફૂલ્યોફાલ્યો. તેમના પરિવારમાંથી આજે પણ સોનિયા ગાંધી અને હવે રાહુલ ગાંધી રાજકારણમાં સક્રિય છે. આજે સ્વતંત્ર ભારતનાં લોકતાંત્રિક રાજકારણમાં પરિવારવાદ એક લાંછન રહ્યું નથી પણ તે રાબેતો બની ગયો છે.

આજે ભારતમાં મોટાભાગના રાજકીય પક્ષો આ પરિવારવાદથી પીડાય છે. ઉત્તરમાં કાશ્મીરમાં, મધ્ય ભારતમાં બિહાર અને રાજસ્થાનમાં, પશ્ચિમમાં મહારાષ્ટ્રમાં અને દક્ષિણમાં પણ આ રોગે ઊંડાં મૂળ ઘાલ્યાં છે. આ મુદ્દો ચગવાનું કારણ એ છે કે બિહારમાં રાષ્ટ્રીય જનતાદળના એટલે કે લાલુપ્રસાદ યાદવના બે વારસદારો તેજસ્વી અને તેજપ્રતાપ વચ્ચે યાદવાસ્થળી જામી છે. એક સમયે આવી જ મડાગાંઠ હરિયાણાના ચૌટાલા પરિવારમાં પડી હતી. દેવીલાલ ભારતીય રાજકારણમાં એક મોટા નેતા હતા. તેમના પુત્ર ઓમપ્રકાશ ચૌટાલાએ તેમના પક્ષ નેશનલ લોકદળ પર કબજો જમાવ્યો હતો જે તેમનાં સંતાનોએ જાળવી રાખ્યો છે, પરંતુ દેવીલાલના બીજા બે પુત્રો રણજિતસિંહ અને પ્રતાપસિંહ હરિયાણાના મુખ્યપ્રધાનપદે ન પહોંચી ન શક્યા. મુદ્દો એ છે કે રાજકારણમાં પિતાની લોકપ્રિયતાને કારણે પુત્રો માટે પ્રવેશ સરળ બની રહે છે પણ રાજકારણમાં ટકી રહેવું તે પણ એક કળા છે અને તેના માટે પણ એક પ્રકારની પ્રતિભાની જરૂર પડે છે. એક વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રી હતા પણ તેમના પુત્ર અનિલ શાસ્ત્રી રાજકારણમાં તેમની કોઈ આગવી ઓળખ ઊભી કરવામાં નિષ્ફળ રહ્યા છે, જોકે ઉત્તર પ્રદેશમાં મુલાયમસિંહ યાદવ તેમના પુત્ર અખિલેશ યાદવને તેમનો રાજકીય વારસો સોંપવામાં સફળ નીવડયા છે. બિહારમાં લાલુપ્રસાદ યાદવે બંને પુત્રોને તૈયાર કર્યા એટલું જ નહીં તેમને નીતીશકુમારનાં મહાગઠબંધનમાં સ્થાન આપી પ્રધાનપદાં સોંપાવડાવી તેમને સત્તાનો સ્વાદ ચખાડયો છે, હવે આગામી ચૂંટણીમાં બંને લાલુપુત્રોનાં હીર મપાઈ જશે.  તામિલનાડુમાં દ્રવિડમુનેત્ર કઝગમ એટલે કે ડીએેમકેમાં પણ હવે સ્ટાલિને પિતા કરુણાનિધિનો વારસો સુપેરે સંભાળી લીધો છે. સ્ટાલિનના મોટાભાઈ એમ. કે. અઝાગીરી પણ એક સમયે રાજકીય વારસો મેળવવાની રેસમાં હતા, પરંતુ તેની પહોંચ માત્ર તામિલનાડુના દક્ષિણવર્તી જિલ્લા પૂરતી જ મર્યાદિત રહી છે. મુદ્દો એ પણ છે કે તૈયાર ભાણે જમવામાં પણ એક પ્રકારની આવડતની જરૂર પડે છે. આંધ્રમાં એનટી રામારાવના જમાઈ ચન્દ્રાબાબુ નાયડુ જે લાભ લઈ શક્યા તે કાશ્મીરમાં જીએમ શાહ ન લઈ શક્યા. બીજી તરફ શેખ અબદુલ્લાના પુત્ર ફારૂક અબ્દુલ્લાએે કાશ્મીર જેવા વિવાદાસ્પદ રાજ્યમાં પોતાની રાજકીય કુનેહથી પોતાનું વર્ચસ્વ જમાવ્યું એટલું જ નહીં તેમની બીજી પેઢી તરીકે પુત્ર ઓમર અબદુલ્લાને પણ કાશ્મીરનાં રાજકારણમાં તેનું સ્થાન નિશ્ચિત કરી આપ્યું. બીજી તરફ મુફ્તી મોહમ્મહ સઇદે પણ તેમની પુત્રી મહેબૂબા મુફ્તીને તૈયાર કરી જેણે ભાજપ સાથે મળી કાશ્મીરમાં રાજ કરી લીધું.  જોકે સૌથી રસપ્રદ પરિવારવાદ શરદ પવારનાં ખાનદાનમાં જોવા મળે છે. મહારાષ્ટ્રમાં ઠાકરે પરિવાર ખરો પણ તેના મૂળ પવાર પરિવાર જેટલાં ઊંડાં નથી. પ્રબોધનકાર ઠાકરે સમાજસુધારક હતા પણ તેમના પુત્ર અને કાર્ટૂનિસ્ટ બાળ ઠાકરેમાં રાજકારણી બનવાનાં તમામ ગુણો મોજૂદ હતાં. એક સમયે તેમના પુત્ર ઉદ્ધવ ઠાકરેનાં ભાવી બાબતે બધા ચિંતિત હતા કે આ મૃદુભાષી તસવીરકારનું રાજકારણમાં કેટલું ઊપજશે? પણ છેલ્લા એક દાયકામાં જે રીતે ઉદ્ધવ ઠાકરેએ રાજકારણના પરિપક્વ ખેલ ખેલ્યા છે તેને કારણે ઉદ્ધવ ઠાકરે તો ઠીક તેમના પુત્ર આદિત્ય ઠાકરેને પણ લાભ થવા માંડયો છે. બીજી બાજુ શરદ પવારે તેમની પુત્રી સુપ્રિયા સૂળે, ભત્રીજા અજિત પવારને સુપેરે થાળે પાડયા છે. હવે અજિત પવાર તેમના પુત્ર પાર્થ પવારને રાજકીય રીતે થાળે પાડવાની તૈયારીમાં છે. એવું નથી કે શાસક ભાજપ આ મામલે દૂધે ધોયેલો છે. મહારાષ્ટ્રમાં ભાજપના નેતા ગોપીનાથ મુંડેનો વારસો તેમની પુત્રી પંકજા મુંડેએ સંભાળી લીધો છે, પરંતુ એ જ પરિવાર સાથે સંકળાયેલા પ્રમોદ મહાજને પક્ષ અને કેન્દ્ર સરકારમાં યશસ્વી કામગીરી બજાવી છતાં તેઓ તેમના પુત્ર રાહુલ મહાજનને રાજકીય રીતે ઠેકાણે પાડવામાં સફળ રહ્યા નહોતા.

આગામી લોકસભાની ચૂંટણી જોકે આ પરિવારવાદ માટે નિર્ણયાત્મક પરિબળ બની રહેશે, કેમ કે આ વખતે ભારતીય મતદારો નવી પેઢીના રાજકારણીઓ તેજસ્વી યાદવ, તેજપ્રતાપ યાદવ, અખિલેશ યાદવ, આદિત્ય ઠાકરે, પાર્થ પવાર, રાહુલ ગાંધી વગેરેને તારે છે કે મારે છે તેના પર બધો આધાર છે. આમ આગામી લોકસભાની ચૂંટણીમાં મતદારોએ નક્કી કરવાનું છે કે તેમણે ઉમેદવારની પ્રતિભાને મત આપવો છે કે જે તે પરિવારના પ્રભાવને વધારવો છે.