કૃષિધિરાણ : ખેડૂતોને લાભાલાભ, કોર્પોરેટને માત્ર 'લાભ' - Sandesh
NIFTY 10,362.90 +136.05  |  SENSEX 33,744.23 +437.09  |  USD 65.0075 -0.16
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • કૃષિધિરાણ : ખેડૂતોને લાભાલાભ, કોર્પોરેટને માત્ર ‘લાભ’

કૃષિધિરાણ : ખેડૂતોને લાભાલાભ, કોર્પોરેટને માત્ર ‘લાભ’

 | 4:11 am IST

એગ્રો વર્લ્ડ :-  કરણ રાજપૂત

મહારાષ્ટ્રના વિદર્ભના બુલધાના જિલ્લાના શિક્ષિત ૩૨ વર્ષીય ખેડૂત પાસે ૧ કરોડ ૨૦ લાખ રૂપિયાની જમીન છતાં લગ્ન માટે કન્યા નથી મળતી, કારણ એટલું જ છે કે, યુવાન ખેતી કરે છે. આ એક માત્ર મહારાષ્ટ્રની સમસ્યા નથી. ગુજરાતમાં પણ આ જ પરિસ્થિતિ છે. સરકારી નોકરી કરતા ચપરાશી સાથે લગ્ન કરવા લાઈનો લાગશે પણ ખેતીમાં વાર્ષિક લાખો રૂપિયાની કમાણી કરી ગામડામાં રહેતો યુવાન પ્રથમ પસંદ નહીં હોય… વર્ષ ૨૦૦૧થી વર્ષ ૨૦૧૧ સુધીમાં વિભિન્ન કારણોસર ૯૦ લાખ લોકોએ ખેતી છોડી દીધી છે. દેશમાં મોદી સરકારના અંતિમ પૂર્ણ બજેટમાં ગ્રામીણ અને કૃષિને પ્રાધાન્ય અપાય તેવી પૂરી સંભાવના છે. વર્ષ ૨૦૧૭-૧૮ના ૫૧.૪૭ લાખ કરોડ રૂપિયાનાં બજેટમાં કૃષિક્ષેત્ર માટે ૫૧,૦૨૬ કરોડ રૂપિયાની ફાળવણી એટલે કુલ બજેટના ૨.૩૭ ટકામાં જ સરકારે વાહવાહી લૂંટી લીધી હતી પણ એ ન ભૂલવું જોઈએ ૧૩૦ કરોડ લોકોને બે ટંકનું પૂરતું ભોજન મળી રહે તેની જવાબદારી કૃષિક્ષેત્ર કોઈ કચાશ વિના નિભાવી રહ્યું છે. ખેડૂતો દેવાબોજ બનીને પણ એમ નથી કહેતા કે કાલથી અનાજની વાવણી નહીં કરીએ.

દેવાબોજની વાત કરીએ તો વર્ષ ૧૯૬૯થી ૧૯૮૦ વચ્ચે બેન્કિંગ ક્ષેત્રનો ૮૫ ટકા હિસ્સો સાર્વજનિક ક્ષેત્રનાં નિયંત્રણમાં હતો. રાષ્ટ્રીયકરણની પૂર્વસંધ્યાએ બેન્કો દ્વારા અપાતી કુલ લોનમાં કૃષિનો હિસ્સો ૦.૨ ટકા હતો. કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૧૭-૧૮માં ખેડૂતોને ૧૦ લાખ કરોડ રૂપિયાનું કૃષિધિરાણ આપવાનું લક્ષ્ય રાખ્યું છે, જે અંતર્ગત શરૂઆતના ૬ મહિનામાં ૬ લાખ કરોડ રૂપિયાનું કૃષિધિરાણ અપાઈ ચૂક્યું છે. વર્ષ ૨૦૧૮-૧૯માં નવા બજેટમાં કૃષિધિરાણની ફાળવણી રૂ. ૧૧ લાખ કરોડે પહોંચે તો નવાઈ નહીં. દેશના કુલ ૫૧ લાખ કરોડ રૂપિયાનાં બજેટમાં ૧૦ લાખ કરોડ રૂપિયા દર વર્ષે સસ્તા વ્યાજે આપવા છતાં ખેડૂતોનું દેવુ અને આપઘાતના કિસ્સા વધી રહ્યા છે. વર્ષ ૨૦૧૬-૧૭નાં બજેટમાં ૯ લાખ કરોડ રૂપિયાની ફાળવણી સામે ખેડૂતોને ૧૦.૬૫ લાખ કરોડ રૂપિયા અને વર્ષ ૨૦૧૫-૧૬માં ૮.૫૦ લાખ કરોડનાં કૃષિધિરાણ સામે ૧૦૮ ટકાની ફાળવણી કરાઈ હતી.

કૃષિક્ષેત્રમાં નાના અને સીમાંત ખેડૂતોનો હિસ્સો ૬૦ ટકા છે. આ ખેડૂતોને કૃષિધિરાણનો લાભ મળે એ સૌથી વધુ જરૂરી છે પણ ખરેખર વાસ્તવિકતા અલગ છે. ૨ લાખ રૂપિયાથી ઓછું કૃષિધિરાણ લેનારની સંખ્યા વર્ષ ૧૯૯૦માં ૯૨.૨૦ ટકા સામે વર્ષ ૨૦૦૦માં ઘટીને ૭૮ ટકા અને વર્ષ ૨૦૧૧માં ૪૮ ટકા રહી ગઈ છે. હવે કૃષિક્ષેત્રમાં રૂપિયા ૨ લાખથી વધુ ધિરાણ મેળવનારની સંખ્યા વધી છે, જેને પગલે માર્ચ ૨૦૧૫માં બેન્કોનું એનપીએ ૨.૭૮ લાખ કરોડ રૂપિયાથી વધીને જૂન ૨૦૧૭ સુધી ૭.૩૩ લાખ કરોડ રૂપિયા પહોંચી ગયું છે, જેમાં દોષ ખેડૂતોને દેવાય છે. ખરેખર નાના અને સીમાંત ખેડૂતોને બદલે કૃષિધિરાણનો ખરો લાભ કૃષિસંલગ્ન વ્યવસાયોમાં લિપ્ત મોટા ઉદ્યોગો લઈ રહ્યા છે. ખેડૂતોના હાથમાં તો ફદિયું આવે છે અને બેન્કો ફક્ત ધિરાણના ટાર્ગેટ સેટ કરી રહી છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ખેડૂતો માથે દેવું ૧૮ ટકા વધવાની સામે કૃષિઉત્પાદન ૧૨ ટકા વધ્યું છે. ખરેખર નાના અને સીમાંત ખેડૂતોની આવક નહીં વધે ત્યાં સુધી કૃષિક્ષેત્રની પ્રગતિ અશક્ય છે. નાબાર્ડે પણ વર્ષ ૨૦૨૨ સુધી ખેડૂતોની આવક ડબલ કરવા બાબતે શંકા વ્યક્ત કરી છે.

બેન્કો દ્વારા ખેડૂતોને અપાતાં ૧૮ ટકાનાં ધિરાણના લક્ષ્યાંકમાં અપ્રત્યક્ષ અને પ્રત્યક્ષ કૃષિધિરાણને પણ પોતાના મરજી અંતર્ગત ફાળવણી કરવાની સત્તા છે. જેમાં ૯થી ૧૦ ટકાથી વધુ લાભ કૃષિસંલગ્ન કંપનીઓ લઇ રહી છે. કોર્પોરેટ ખેતી, કોર્પોરેટ કંપનીઓ દ્વારા બનાવાતાં ગોડાઉનો, કૃષિ સંબંધિત વ્યવસાયો અને સજીવ પ્રોડક્ટ્સ સંલગ્ન કંપનીઓને ૧૦૦ કરોડ રૂપિયા સુધી અપાતું ધિરાણ કૃષિધિરાણ હેઠળ આવે છે.

વર્ષ ૧૯૯૦માં કૃષિધિરાણમાં ૬૦ ટકા હિસ્સો નાના અને સીમાંત ખેડૂતોનો હતો. ૧૯૯૫માં આ ટકાવારી ૫૨ ટકા, વર્ષ ૨૦૦૩માં ૨૩.૫ ટકા, વર્ષ ૨૦૦૬માં ૧૩.૩ ટકા અને હવે ૮થી ૯ ટકાની આસપાસ જ રહી ગયો છે. બેન્કો એનપીએ વધવાનાં બહાને મન-મરજી ચલાવી રહી છે અને ખેડૂતોને ખેડૂતોનાં નામે અપાતો લાભ મળતો નથી. ઉત્તમ ઉદાહરણ એ છે કે, મહારાષ્ટ્ર સરકારે બેન્કો પર ખેડૂતોને ધિરાણ આપવાનું દબાણ કરી બેન્કોને તતડાવતાં કેન્દ્રીય નાણામંત્રાલયે લેટર લખી સરકારનાં પગલાંને અનર્થકારી ગણાવ્યું હતું. દેશનાં કુલ બજેટના ૨૦ ટકા હિસ્સો કૃષિધિરાણ માટે સસ્તા દરે ફાળવણી છતાં કૃષિક્ષેત્રનો વિકાસ થતો ન હોવાનું એ દુર્ભાગ્યથી ઓછું નથી. સરકાર આ બાબતે તકેદારી રાખી યોગ્ય ખેડૂતોને લાભ અપાવે એ જરૂરી છે.