ખેડૂત હવે ખેતરમાં અનાજને બદલે નીલગિરિ વાવે છે - Sandesh
NIFTY 10,710.45 -89.40  |  SENSEX 35,286.74 +-261.52  |  USD 68.3800 +0.40
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • ખેડૂત હવે ખેતરમાં અનાજને બદલે નીલગિરિ વાવે છે

ખેડૂત હવે ખેતરમાં અનાજને બદલે નીલગિરિ વાવે છે

 | 3:30 am IST

દેશના ખેડૂતો નારાજ છે. ૧લી જૂનથી ગામડાં બંધનાં એલાન સાથે રાષ્ટ્રીય કિસાન મજદૂર મહાસંઘનાં નેતૃત્વમાં દેશનાં ૧૩૦ ખેડૂત સંગઠનોએ ખેડૂત આંદોલન શરૂ કર્યું હતું. આ આંદોલન દરમિયાન ખેડૂતોએ શહેરોમાં શાકભાજી અને દૂધનો પુરવઠો કાપવાનો પ્રયત્ન કર્યો અને કેટલાંક રાજ્યોમાં તેઓ સફળ પણ થયા. ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રમાં ખેડૂત આંદોલનની અસર દેખાઈ. આ આંદોલન દરમિયાન ખેડૂતોએ જુદા જુદા દિવસે કાર્યક્રમો કર્યા જેમાં ૫મી જૂને ધિક્કારદિવસ મનાવવામાં આવ્યો, ૬ઠ્ઠીએ શહીદદિવસ ૮મી જૂને અસહકારદિવસ અને ૧૦મી જૂને ભારત બંધનું એલાન આપવામાં આવ્યું. અત્યાર સુધી આ આંદોલન હિંસક બન્યું નથી. તે સરકાર અને ખેડૂતો માટે સારી વાત છે, પરંતુ આ શાંતિ તોફાન પહેલાંની શાંતિ હોય તેવું કહેવાઈ રહ્યું છે.

દેવામાફી અને સ્વામીનાથન રિપોર્ટ લાગુ કરવાની માગણી સાથે શરૂ થયેલાં આંદોલનની જો કોઈ મોટી ઉપલબ્ધિ હોય તો  આંદોલન દરમિયાન જ દેશના પ્રધાનમંત્રીએ શેરડી પકવતા ખેડૂતો માટે ૮,૫૦૦ કરોડનું પેકેજ જાહેર કયુંર્ હતું, જોકે ખેડૂતોને આ પેકેજથી સંતોષ નથી. આંદોલન ચલાવનાર ખેડૂતો કહે છે કે ખેડૂતો માત્ર શેરડી પકવતા નથી તેમની બીજી પણ ઘણીબધી જરૂરિયાત છે. શેરડી નહીં પકવનાર ખેડૂતો માટે હજુ સુધી સરકારે કંઈ કર્યું નથી તેવો આક્ષેપ ખેડૂત નેતાઓ કરી રહ્યા છે. શેરડી પકવતા ખેડૂતો પણ પેકેજથી સંતુષ્ટ નથી, તેમના નેતાઓ કહે છે કે સરકારે તો માત્ર ખેડૂતો માટે ૪,૦૪૭ કરોડનું જ પેકેજ આપેલું છે. બાકીના રૂપિયા શુગરફેક્ટરીના સંચાલકોને જાય છે એટલે ખેડૂતો આ પેકેજથી ખુશ થયા નથી. ખેડૂતનેતાઓ એ વાતથી પણ નારાજ છે કે કેટલાક દિવસ પહેલાં ખેડૂત આંદોલન અંગે કરવામાં આવેલા સવાલમાં કેન્દ્રીય કૃષિમંત્રી રાધામોહનસિંહે જણાવ્યું હતું કે ખેડૂતો મીડિયામાં ચમકવા માટે આંદોલન કરી રહ્યા છે. કેન્દ્રીય મંત્રીએ દાવાની સાથે જણાવ્યું હતું કે મધ્ય પ્રદેશમાં ખેડૂતોને માટે જેટલું કામ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની સરકારે કર્યું છે એટલું કામ કોઈપણ સરકારે કર્યું નથી. બીજી તરફ શનિવારે હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે કહ્યું હતું કે ખેડૂતો કારણ વગર હડતાલ પર ઊતર્યા છે. ખેડૂતો અત્યારે તેમનો પાક વેચી નથી રહ્યા એટલે નુકસાન તેમને જ થવાનું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં મધ્ય પ્રદેશના જ ખેડૂતો સૌથી વધુ નારાજ છે.  ગત વર્ષે ખેડૂત આંદોલનમાં થયેલા પોલીસ ગોળીબારમાં ૬ ખેડૂતોનાં મોત નીપજ્યાં હતાં. અત્યારે પણ મધ્ય પ્રદેશના જ ખેડૂતોનું જોર સૌથી વધુ છે, જોકે આ વખતે સરકારે એ બાબત પર ખાસ ધ્યાન આપ્યું છે તંત્ર દ્વારા ખેડૂતો પર કોઈ બળપ્રયોગ કરવામાં નહીં આવે. બીજી તરફ ખેડૂતોએ પણ અત્યાર સુધી શાંતિ બનાવી રાખી છે અને તેઓ માત્ર શાકભાજી અને દૂધના પુરવઠાને ગામ બહાર જતો અટકાવી રહ્યા છે. શાકભાજી અને દૂધને રોડ પર નાખી રહ્યા છે. ભારત બંધનાં એલાનમાં જો બંને પક્ષો તરફથી શાંતિ અને ધીરજ તૂટશે તો ખેડૂત આંદોલનની ગરિમા નંદવાશે, સામે પક્ષે સરકારને માથે પણ કાળી ટીલી લાગશે.

અત્યારે ખેડૂતો દેવામાફી માગી રહ્યા છે તો સામે પક્ષે મધ્ય પ્રદેશના કૃષિમંત્રી ગૌરીશંકર બીસેને ગત વર્ષે સાફ શબ્દોમાં કહ્યું હતું કે ખેડૂતોની દેવામાફી સંભવ નથી, કારણ કે ખેડૂતોને લગભગ વગર વ્યાજે અમે પૈસા આપીએ છીએ. સામી તરફ કિસાન નેતા સુનિલ ગોરનું કહેવું છે કે દેવામાફી તો એક વિકલ્પ છે. ખેડૂતોની ખરી માગ તો ખેડૂતોને ૧૯૭૨થી અત્યાર સુધી તેમની ઊપજના દોઢ ગણા પૈસા મળવા જોઈએ તે છે. સુનિલ ગોરનું કહેવું છે કે સરકારના ૧૯૭૨ના બજારઅધિનિયમ પ્રમાણે કોઈપણ અનાજ ટેકાના ભાવ કરતાં ઓછી કિંમતે ના વેચાવું જોઈએ અને જો આવું થાય તો અનાજ ખરીદનાર સામે ગુનો દાખલ થવો જોઈએ, પરંતુ આવું શક્ય બન્યું નથી. ૧૯૭૨ના આ અધિનિયમનો વારંવાર ભંગ થયો છે. સરકાર જો ટેકાના ભાવ કરતાં ઓછા ભાવે ખેડૂતોએ વેચેલા અનાજના પૈસા ચૂકવી દે તો અમારે કોઈ દેવામાફી જોઈતી નથી. સરકારે બનાવેલા નિયમનું પાલન નથી થયું અને તેના કારણે ખેડૂતો દેવામાં ડૂબેલા છે અને એટલે જ ખેડૂતો દેવામાફીની માગ કરે છે. સરકારની ખોટી નીતિઓને કારણે ખેડૂતો જે પરેશાની ભોગવી રહ્યા છે તેની કિંમત માગી રહ્યા છે સરકાર દેવામાફી કરીને કોઈ અહેસાન નથી કરવાની.

આમ સડક પર ઊતરેલા ખેડૂત પરેશાન છે, સવાલ એ છે કે આજે ખેતઉત્પાદનો વેચતા શાકભાજીના વેપારીઓ પૈસાદાર બની ગયા છે, ખેડૂતો પાસેથી અનાજ ખરીદીને વેચતા વેપારીઓ એસી બંગલામાં રહે છે. ખેડૂતો જે દૂધ ભરે છે તે ડેરી ચલાવનારા આગેવાનો ડેરીના પૈસે એસી કારોમાં ફરે છે, ત્યારે સવાલ એ છે કે ખેડૂત કેમ ગરીબ રહી ગયો? ખેડૂત પાસે ૨૦૦ રૂપિયે મણ ડુંગળી ખરીદીને વેપારી ૫૦ રૂ. કિલો વેચી રહ્યો છે, એટલે કે વેપારી ૨,૦૦૦ રૂપિયે મણ ડુંગળી વેચે છે જ્યારે ખેડૂતને મળે છે માત્ર ર૦૦ રૂપિયા. આ અન્યાય, આ શોષણ અને આ નફાખોરી જ્યાં સુધી બંધ નહીં થાય ત્યાં સુધી ખેડૂત બિચારો-બાપડો બનીને જ રહેવાનો છે. આપણા દેશની હાલત એવી છે કે ખેતપેદાશોનું જ્યારે વિક્રમજનક ઉત્પાદન થતું હોય છે ત્યારે તેના ભાવ ગગડી જતા હોય છે, એટલે વિક્રમજનક ઉત્પાદનનો લાભ ખેડૂતને મળતો નથી. મોંઘા ભાવનાં ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ, વીજળી અને ખેતમજૂરોને રોકડા રૂપિયા ચૂકવીને જ્યારે ખેડૂત પોતાનું ઉત્પાદન લઈને બજારમાં જાય છે ત્યારે તેના ભાગે રડવાનું જ આવતું હોય છે. સરકાર શું એવી વ્યવસ્થા ના કરી શકે કે બજારમાં જે ભાવે ખેતઉત્પાદનો વેચાતાં હોય તે જ ભાવ થોડું કમિશન કાપીને ખેડૂતને મળે.

જ્યારથી અનાજ પર સટ્ટો રમાવાનું શરૂ થયું છે ત્યારથી ખેડૂતોને ભાગે નિઃસાસા નાખવા સિવાય કંઈ રહ્યું નથી. કોમોડિટી માર્કેટનાં નામે ખેતઉત્પાદનો પર જે સટ્ટો રમાય છે તે અંગે પણ સરકારે પુર્નિવચારણા કરવી જરૂરી બની છે. આજે તો ખેડૂતની એ હાલત છે કે ખેડૂતો પોતાનાં ખેતરમાં કપાસ કે અનાજ ઉગાડવાને બદલે હવે નીલગિરિ ઉગાડી રહ્યા છે નીલગિરિને કારણે જમીન બગડી રહી છે પરંતુ ખેડૂતો માટે હવે છૂટકો નથી. ખેડૂતો ખેતરમાં અનાજ પકવવા જે રોકાણ કરે છે તેટલા રૂપિયા પણ ખેતઉત્પાદન વેચતાં તેના ભાગે આવતા નથી આ સંજોગોમાં હવે ખેડૂત લાચાર બની ગયો છે.