ખેડૂતોનાં દેવાં 10 દિવસમાં માફ કરો, રાહુલ ગાંધી વચન પાળે: શિવરાજસિંહ ચૌહાણ - Sandesh
  • Home
  • India
  • ખેડૂતોનાં દેવાં 10 દિવસમાં માફ કરો, રાહુલ ગાંધી વચન પાળે: શિવરાજસિંહ ચૌહાણ

ખેડૂતોનાં દેવાં 10 દિવસમાં માફ કરો, રાહુલ ગાંધી વચન પાળે: શિવરાજસિંહ ચૌહાણ

 | 8:57 pm IST

મધ્ય પ્રદેશમાં પરાજય બાદ પહેલી પત્રકાર પરિષદમાં ભાવુક બનેલા શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, વિધાનસભામાં પરાજયની જવાબદારી મારી છે. અમને ચૂંટણીમાં ધાર્યા પ્રમાણે સફળતા મળી નથી, પરંતુ અમે મજબૂત વિપક્ષની ભૂમિકા ભજવવા તૈયાર છીએ. આજથી મારી ચોકીદારીનું કામ શરૂ થાય છે, હવે અમે 2019ની લોકસભાની ચૂંટણીની તૈયારી કરીશું અને મોદીનાં નેતૃત્વમાં કેન્દ્રમાં ફરી સરકાર બનાવીશું. રાજ્યનાં 7.5 કરોડ લોકો મારા પરિવારના સભ્ય છે, તેમનાં સુખ-દુઃખ મારાં છે, મેં સંપૂર્ણ ક્ષમતાથી મારી ટીમ સાથે મળીને રાજ્યના વિકાસ અને જનતાનું કલ્યાણ કરવાનો પ્રયાસ કર્યો છે, તેમાં કોઈ કસર બાકી રાખી નથી, જાણ્યે-અજાણ્યે મારાં કામ અથવા શબ્દો દ્વારા કોઈને કષ્ટ થયું છે તો હું ક્ષમા માગું છું.

શિવરાજે જણાવ્યું હતું કે, જનતાના વિકાસ માટે કોંગ્રેસ સરકાર અમારી યોજનાઓ જારી રાખશે. અમે મજબૂત વિપક્ષની ભૂમિકા ભજવીશું. આજથી મારી ચોકીદારીનો પ્રારંભ થાય છે. કોંગ્રેસને પોતાનાં વચનો પૂરાં કરવાની શિખામણ આપતાં શિવરાજે જણાવ્યું હતું કે, નવી સરકાર બનાવનાર પાર્ટી તેનાં વચન પ્રમાણે 10 દિવસમાં ખેડૂતોનાં દેવાં માફ કરે. રાહુલ ગાંધીએ વચન આપ્યું છે કે 10 દિવસમાં ખેડૂતોનાં દેવાં માફ નહીં કરાય તો તેઓ મુખ્યમંત્રી બદલી નાખશે.

સીએમપદેથી શિવરાજનું રાજીનામું, સરકાર રચવા દાવો નહીં કરે

મધ્ય પ્રદેશમાં ગળાકાપ ટક્કર વચ્ચે કોંગ્રેસને 114 અને ભાજપને 109 બેઠકો પ્રાપ્ત થતાં શિવરાજસિંહ ચૌહાણે સીએમપદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે પરાજયની જવાબદારી લેતાં જણાવ્યું હતું કે, ભાજપ સરકાર રચવાનો દાવો નહીં કરે અને વિપક્ષની જવાબદારી નિભાવશે. શિવરાજે જણાવ્યું હતું કે, હવે હું મુક્ત થયો છું. શિવરાજે કોંગ્રેસ દ્વારા સીએમની જાહેરાત કરાય તે પહેલાં જ કમલનાથને ભાવી સરકાર માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન