ખેડૂતો માટે કપાસનીતિ જોખમકારક - Sandesh
  • Home
  • Columnist
  • ખેડૂતો માટે કપાસનીતિ જોખમકારક

ખેડૂતો માટે કપાસનીતિ જોખમકારક

 | 2:54 am IST
  • Share

એગ્રો વર્લ્ડ : – કરણ રાજપૂત

કપાસ, ગુજરાતની ખરીફ ખેતીનો મુખ્ય આધાર છે. ગુલાબી ઈયળના ડરથી ખેડૂતોએ કપાસની વાવણી ઘટાડી હોવાની બુમરાણ વચ્ચે એ કડવી સચ્ચાઈ એ છે કે, સૌરાષ્ટ્રમાં ખેડૂતોએ મન મૂકીને કપાસની વાવણી કરી છે. કપાસનું વાવેતર મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ઘટયું છે. રાજ્યમાં સૌથી વધુ ગુલાબી ઈયળનો ઉપદ્રવ સૌરાષ્ટ્રમાં રહે છે. ગુજરાતના ૬ જિલ્લામાં થયેલા સરવેમાં ૨૦ ટકાથી ૮૦ ટકા સુધી પાકમાં નુકસાન થયાનો રિપોર્ટ છે. ગુજરાતમાં ૨૩.૧૩ લાખ હેક્ટરમાં કપાસની વાવણી થઈ છે. પંજાબ બાદ હવે ગુજરાતમાં ૧૦ ટકા પાકમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ હોવાથી સરકાર અને એજન્સીઓએ કપાસનાં ઉત્પાદનનું અનુમાન ઘટાડવાની શરૂઆત કરવી પડશે. પંજાબમાં ગત વર્ષે સફેદ માખીના ઉપદ્રવથી ૨૫ ટકા ઉત્પાદન ઘટી ગયું હતું. દેશમાં કપાસનાં વાવેતરનો આંક ૧૦૧ લાખ હેક્ટરે પહોંચી ગયો છે, હવે માંડ ૪થી ૫ લાખ હેક્ટરમાં વાવણી થશે. ખેડૂતોએ આ વર્ષે ઊંચા ભાવને પગલે વાવેતર વધાર્યું છે. આ વર્ષે ખેડૂતો માટે કપાસ સફેદ સોનું સાબિત થાય તેવી પૂરી સંભાવના વચ્ચે કૃષિ વિભાગ દ્વારા ગુલાબી ઇયળોને નાથવા માટે અસરકારક પગલાં ભરાતાં નથી એ ખેડૂતોની કમનસીબી છે.

દેશમાં કપાસનું સેક્ટર પાવરફુલ લોબીના હાથમાં હોવાથી દર વર્ષે શરૂઆતના તબક્કામાં રૂનાં ઉત્પાદનનાં આંક ઊંચા મુકાય છે. ખેડૂતો પાસેથી સસ્તા ભાવે કપાસ પડાવી લીધા બાદ ઉત્પાદનના આંક ધીમેધીમે નીચા આવતા જાય છે. કપાસનાં વાવેતર, ઉત્પાદન અને નિકાસના આંક સાથે દર વર્ષે ચેડાં થાય છે. આ વર્ષે ઓછાં વાવેતર વચ્ચે રૂની હેક્ટરદીઠ ઉત્પાદકતા વધશેનાં નામે ઉત્પાદનનો આંક વધારવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. છેવટે મહારાષ્ટ્રમાં સારા વરસાદથી વાવેતર વધતાં હેક્ટરદીઠ ઉત્પાદકતામાં થયેલા ફાયદાથી ઘટની ભરપાઈ થઈનો નવો દાવ ન ખેલાય તો નવાઇ ના પામતા, કારણ કે યુએસડીએ તો આફ્રિકાના દેશો માલી, સેનેગલ અને બુરકિનોફાસોમાં ૨૪ ટકા કપાસનું ઉત્પાદન વધવાની સંભાવના દર્શાવી વૈશ્વિક બજારમાં અંદાજના આંકમાં ફેરફારો શરૂ કર્યા છે.

નવી સિઝનમાં કપાસના મુખ્ય ઉત્પાદક દેશ ભારત, પાકિસ્તાન અને ચીનમાં ઉત્પાદનમાં મસમોટો ઘટાડો આવે તેવી સંભાવના છે. પાકિસ્તાનમાં ૧૫૧ લાખ ગાંસડી રૂની જરૂરિયાત સામે ૧૨૧ લાખ ગાંસડી રૂનું ઉત્પાદન થવાનો અંદાજ છે. વર્ષ ૨૦૧૫-૧૬માં આ ઉત્પાદનનો આંક ૯૭ લાખ ગાંસડી રહ્યો હતો. ચીનમાં પણ રૂનું ઉત્પાદન ૨૮૨ લાખ ગાંસડી રહેવાનો અંદાજ છે. ચીનની ર્વાિષક વપરાશ ૪૪૮ લાખ ગાંસડી છે પણ ચીન પાસે રિઝર્વ સ્ટોકમાં ૧૬૬ લાખ ગાંસડી રૂ છે. આમ છતાં ઉચ્ચ ક્વોલિટીનાં યાર્ન માટે ચીને ૫૭ લાખ ગાંસડી રૂની આયાત કરવી પડશે. ચીન અને પાકિસ્તાન બંને દેશોની મીટ ભારત તરફ છે.

ભારતની કપાસમાં લાંબા ગાળાની નીતિના અભાવે હાલમાં ભારતની સ્પિનિંગ મિલો રૂપિયા ૪૭,૦૦૦ની આસપાસ રૂની ગાંસડીની આફ્રિકાના દેશોમાંથી ખરીદી કરે છે અને ભારતે રૂપિયા ૩૪,૦૦૦ની આસપાસના ભાવે તે સમયે ૬૫ લાખ ગાંસડી રૂની નિકાસ કરી છે. પાકિસ્તાને ભારતમાંથી સૌથી વધુ ૨૫ લાખ ગાંસડી રૂ લઈ જઈને સ્થાનિક મિલોને ફાયદો કરાવ્યો છે અને હવે ભારતીય સ્પિનિંગ મિલો સારાં રૂ માટે વલખાં મારી રહી છે. પાકિસ્તાન પણ હવે રૂની જરૂરિયાત માટે આફ્રિકાથી ખરીદી કરી રહ્યો છે.

સારા વરસાદને પગલે હેક્ટરદીઠ ઉત્પાદકતા વધવાની સંભાવના છતાં રૂનાં ઉત્પાદનના આંકમાં વર્ષ ૨૦૧૫-૧૬ની તુલનામાં મોટો ફર્ક પડે તેવી સ્થિતિ નથી. સરેરાશ વાવેતરમાં ૮થી ૧૦ ટકાનો ઘટાડો રહેશે. પંજાબમાં સફેદ માખી અને ગુજરાતમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ શરૂ થઇ ગયો છે. જીએસટીની પણ કપાસ સેક્ટર પર અસર થઇ શકે છે.

કપાસનાં ઉત્પાદનમાં ભારત એ વિશ્વમાં નંબર વન દેશ છે અને આ નંબર વન દેશમાં રૂનાં ઉત્પાદનમાં ગુજરાત એ સૌથી અવ્વલ છે. ગુજરાતમાં ખરીફ સિઝનનાં કુલ વાવેતરમાં ૩૦ ટકા હિસ્સો કપાસનો છે. સરકારે કપાસના પાક માટે સ્પેશિયલ જોગવાઈ કરવાની જરૂર છે. કૃષિક્ષેત્રના આર્થિક હિસ્સામાં કપાસનું સૌથી મોટું યોગદાન છે. કપાસની ખેતી સાથે ૧૨થી ૧૩ લાખ ખેડૂતોનું ભવિષ્ય જોડાયેલું છે. પંજાબમાં સફેદ માખી આવતાં કેન્દ્રની ટીમે દોડી આવી મુલાકાત લીધા બાદ સફેદ માખી ન વધે માટે સ્પેશિયલ કમિટીની રચના કરી હતી. કપાસના પાકને રાજ્ય સરકારે ખાસ દરજ્જો આપવાની જરૂર છે. આ વર્ષે સફેદ માખીનો ઉપદ્રવ શરૂ થઇ ગયો છે અને તંત્રનાં પેટનું પાણી પણ હલતું નથી. અત્યારથી આ અંગે પગલાં નહીં ભરાય તો સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડશે…

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો