Fasting of Dalit leader with demand to suspend DySP Falguni Patel
  • Home
  • Gujarat
  • DySP ફાલ્ગુની પટેલને સસ્પેન્ડ કરવાની માંગ સાથે દલિત અગ્રણીનો અન્ન-જળ ત્યાગ

DySP ફાલ્ગુની પટેલને સસ્પેન્ડ કરવાની માંગ સાથે દલિત અગ્રણીનો અન્ન-જળ ત્યાગ

 | 8:38 pm IST

મોડાસાના ખંભીસરમાં દલિતનો વરઘોડો કાઢવા મુદ્દે થયેલી જૂથ અથડામણ અને ત્યારબાદ થયેલા પથ્થર મારામાં  પોલીસ અધિકારીઓ સહિત 1 ડઝનથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે ત્યારે અરવલ્લી ડી.વાય.એસ.પી. ફાલ્ગુની પટેલે અસભ્ય વર્તન કરી દલિતોને રક્ષણ આપવાના બદલે લાઠીઓ ઝીંકી છે તેવા આરોપ સાથે દલિત અધિકાર મંચના અગ્રણી હસમુખ સક્સેનાએ પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવાની માંગ સાથે અન્ન-જળનો ત્યાગ કર્યાે છે. સત્વરે સ્થિતિ થાળે નહીં પડે તો વર્ગવિગ્રહની દહેશત વધી ગઈ છે.

કોમી એખલાસતા અને ભાઈચારાના કારણે સાબરકાંઠા, અરવલ્લીમાં ખુશનુમા માહોલ જોવા મળતો હતો. લોકસભા ચૂંટણી દરમ્યાન પણ સંપૂર્ણ શાંતિ ભર્યો માહોલ જોવા મળ્યો પરંતુ પાછલા 3 દિવસમાં સાબરકાંઠા, અરવલ્લીમાં જે રીતે દલિતો પ્રત્યેના છૂતઅછૂતના બનાવો બહાર આવ્યા છે તેના કારણે જિલ્લા વહીવટી તંત્ર ઉંધા માથે થઈ ગયું છે. ખંભીસરના જયેશ રાઠોડના લગ્ન પ્રસંગે વરઘોડો કાઢયા પછી તંગદીલી છવાઈ ગઈ હતી અને જૂથ અથડામણમાં સામ સામે પથ્થરમારો થતાં પોલીસ અધિકારીઓ સહિત 12 જણને ઈજા પહોંચી હતી.

મોડાસા તાલુકાના તિર્થગામ તરીકે ઓળખાતા ખંભીસરમાં થયેલી જૂથ અથડામણને લઈને ગ્રામજનો પણ સ્તબ્ધ બની ગયા છે. ગામમાં પ્રથમવાર તંગદિલી પછી પોલીસનાં ધાડેધાડાં ઉતરી પડયાં હતાં. પરંતુ બનાવ બન્યો ત્યારે મહિલા પોલીસ અધિકારીના વર્તનનો વિડીયો વાયરલ થયા પછી દલિત સમાજ પણ પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવાની માંગ થઈ છે. સ્થિતિ હજુ થાળે પડી નથી ત્યાં અગાઉ રાજ્યમાં ઈ.વી.એમ. મશીન મુદ્દે સરકાર સામે બાંયો ચઢાવનાર દલિત આગેવાન હસમુખ સક્સેનાએ ખંભીસર પ્રકરણમાં ડી.વાય.એસ.પી. મહિલા અધિકારીને સસ્પેન્ડ કરવાની માંગ સાથે અન્ન-જળનો ત્યાગ કરતો વિડીયો વાયરલ કર્યાે છે જેને લઈને પોલીસ પણ હરકતમાં આવી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન