Father and son duo accused of cheating people of 3.47 crores rupee in Vadodara
  • Home
  • Featured
  • કૌભાંડી પિતા-પુત્રનું કારસ્તાન, PM મોદીની સહીવાળું મેક ઇન ઇન્ડિયાનું સર્ટિફિકેટ બતાવી 3.47 કરોડ પડાવી લીધા

કૌભાંડી પિતા-પુત્રનું કારસ્તાન, PM મોદીની સહીવાળું મેક ઇન ઇન્ડિયાનું સર્ટિફિકેટ બતાવી 3.47 કરોડ પડાવી લીધા

 | 9:53 pm IST

પીએમ નરેન્દ્ર મોદીની સહીવાળું મેક ઈન ઈન્ડિયાનું બોગસ સર્ટિફિકેટ બતાવીને ઈન્વેસ્ટમેન્ટ ઉપર માસિક 5 ટકા વળતરની લાલચ આપીને એક જ કુટુંબનાં 8 સભ્યો સહિતનાં રોકાણકારો પાસેથી 3.47 કરોડ ઉઘરાવીને ઉઠમણું કરનાર જેવીપી કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર એલએલપી કંપનીના ડાયરેક્ટરો સામે માંજલપુર પોલીસે ફરિયાદ નોંધી તેમને ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.

વડોદરા શહેરના રેસકોર્ષ સર્કલ પાસે એ-136, પેરીસ નગરમાં રહેતા કમલેશભાઇ મનુભાઇ પટેલે જે.પી.વી. કેપીટલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર, એલ.એલ.પી., જે.પી.વી. કોમોડીટી એલ.એલ.પી.ના ડાયરેક્ટર્સ વિરેન્દ્ર પરસોત્તમ વિસાવાડીયા, દિવ્યકાંત પરસોત્તમ વિસાવાડીયા અને પરસોત્તમ વશરામ વિસાવડીયા સામે રૂપિયા 3.47 કરોડની છેતરપિંડીની ફરિયાદ માંજલપુર પોલીસ મથકમાં નોંધાવી છે. ફરિયાદમાં તેઓએ જણાવ્યું છે કે, પિતા-પુત્રો પોતાની કંપનીમાં રોકાણ કરનારને માસિક 3થી 5 ટકા વ્યાજ આપવાની લાલચ આપીને રોકાણ કરાવતા હતા. શરૂઆતમાં 9 માસ સુધી વ્યાજ આપ્યું હતું. ત્યારબાદ વ્યાજ આપવાનું બંધ કરીને તેઓએ કમલેશ પટેલ સહિત અન્ય લોકો સાથે રૂપિયા 3.47 કરોડની છેતરપિંડી કરી છે.

ફરિયાદમાં જણાવ્યું છે કે, પિતા-પુત્રો રોકાણ કરવા માટેની ઇન્કવાયરી માટે આવનારને પોતાની જે.પી.સી. કંપની પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સહીવાળુ મેક ઇન ઇન્ડિયાનું સર્ટિફિકેટ બતાવતા હતા. આ ઉપરાંત કંપની પાસે ઇન્કમટેક્ષનું 80સી(5) (6) સર્ટિફિકેટ અને જે.વી.પી. કંપનીના નામનો ગુગલ ડાયરેક્ટરનો રિપોર્ટ બતાવતા હતા. જેમાં રૂપિયા 16,256,65નું રોકાણ કર્યું હોવાનો રિપોર્ટ બતાવતા હતા. આ ઉપરાંત કંપનીની શાખ દર્શાવતા અન્ય બોગસ દસ્તાવેજો રોકાણ કરવા માટે આવનારને બતાવી પોતાની કંપનીમાં રોકાણ કરાવતા હતા.

માંજલપુર પોલીસે ફરિયાદના આધારે ભેજાબાજ વિરેન્દ્ર પરસોત્તમ વિસાવાડીયા, દિવ્યકાંત પરસોત્તમ વિસાવાડીયા અને પરસોત્તમ વશરામ વિસાવડીયા સામે બોગસ દસ્તાવેજો ઉભા કરવાનો અને છેતરપિંડીનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

જુઓ આ વીડિયો પણ…

ભોપાલમાં ફસાયેલા લોકોનું કરાયું મહારેસ્ક્યુ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન