પિતા જ્યારે પોઝિશનમાં પંક્ચર પાડે... - Sandesh
NIFTY 10,786.00 +69.45  |  SENSEX 35,460.07 +213.80  |  USD 67.3100 +0.00
1.6M
1M
1.7M
APPS

પિતા જ્યારે પોઝિશનમાં પંક્ચર પાડે…

 | 5:41 am IST

ક્લાસિક :- દીપક સોલિયા

દોસ્તોયેવસ્કીકૃત ‘ધ ઇડિયટ’- ૨૫ 

મેં તને પહેલાં ક્યાંક જોઈ છે. આ વાક્ય સામાન્ય રીતે મહિલાના દિલમાં પ્રેમજ્યોત પ્રગટાવવાની દીવાસળી તરીકે વાપરવામાં આવતું હોય છે, પરંતુ આપણી કથામાં પવિત્ર હીરો પ્રિન્સે જ્યારે પતીતા હીરોઈન નાસ્તિને ક્યાંક જોઈ હોવાનું કહ્યું ત્યારે એમાં ઇસુએ પતીતા મેરી મેગ્ડેલીનને જોયાનો ભાવ હતો.

અલબત્ત, ક્યાંક જોયાની વાત કર્યા પછી પ્રિન્સ તરત ગૂંચવાઈ ગયો. એણે નાસ્તિને કહ્યું, ‘છોડો, હું કદાચ બકવાસ કરી રહ્યો છું. બને કે મેં કદાચ ક્યારેક સપનાંમાં તારી આંખો જોઈ હશે.’

આમ તો, ગાન્યાના ઘરે ગાન્યાનાં મા-બાપ-બહેનને મળવા આવેલી નાસ્તિ મજાકના જ મૂડમાં હતી અને એ મોટા અવાજે હસી હસીને વાતો કરી રહી હતી, પરંતુ પ્રિન્સની અગાઉ ક્યાંક જોયાવાળી વાત સાંભળ્યા બાદ એણે સહેજ ગંભીર થઈને પ્રિન્સની વાતમાં રસ લીધો. હવે આગળ…

પ્રિન્સ વધુ કશુંક બોલે એ પહેલાં ગાન્યાના પિતાની કમરામાં એન્ટ્રી થઈ. અને ગાન્યા ફ્ફ્ડી ઊઠયો.

ગાન્યા બે મહિનાથી નાસ્તિના સતત સંપર્કમાં હતો અને ૭૫,૦૦૦ રૂબલના બદલામાં નાસ્તિને પરણવાવાળી સ્કીમ જેમ જેમ આગળ ધપી રહી હતી તેમ તેમ ગાન્યાની એક ચિંતા અત્યંત વિકરાળ બની રહી હતીઃ નાસ્તિ જ્યારે મારા બાપાને મળશે ત્યારે શું થશે?

આ ચિંતાનું કારણ સાદું હતું. ગાન્યાના પિતા અર્દાલિયોન ભારે મોટા શરાબી હતા અને કંઈ જ કારણ વિના સતત જૂઠું બોલવાની ‘બીમારી’ ધરાવતા હતા. આવા અત્યંત શરમજનક પિતા જ્યારે તેજતર્રાર નાસ્તિને મળશે ત્યારે પોતે (ગાન્યા) કેવી ક્ષોભજનક સ્થિતિમાં મુકાશે, પોતાનું કેટલું મોટું અપમાન થશે, પોતાની ગરિમાના કેવા ધજાગરા ઊડશે એની કલ્પના કરવાની પણ ગાન્યાની હિંમત નહોતી. ગાન્યા ભારે મિથ્યાભિમાની હતો. એને પોતાના આદર-ગરિમાની એટલી બધી ચિંતા રહેતી કે પિતા સાથે નાસ્તિની મુલાકાતના વિચારમાત્રથી એને પરસેવો વળી જતો.  એટલે જ, બાપાએ કમરામાં પગ મૂક્યો એ ઘડીએ ગાન્યાના મનમાં એવો વિચાર ઝબક્યો કે ‘આ બધું વેઠવા કરતાં તો ૭૫,૦૦૦ રૂબલ પડતા મૂકવા સારા.’

ગાન્યા પોતે તો જાણે થીજી જ ગયો, પરંતુ ગાન્યાની માતા નીનાએ તથા નાના ભાઈ કોલ્યાએ પરિસ્થિતિ કાબૂ બહાર ન જાય એ માટે ઘરના હાસ્યાસ્પદ મોભી અર્દાલિયોનને તરત કમરામાંથી બહાર લઈ જવાની કોશિશ કરી.

પણ નાસ્તિ એમ કંઈ છોડે? ગાન્યાના પિતાની ‘ખ્યાતિ’ નાસ્તિ સુધી પહોંચી ચૂકી હતી. એણે ગાન્યાના પિતા સાથે રમત શરૂ કરીઃ ‘અરે વાહ… તમે તો ભારે સોહામણા છો. મેં તમારા વિશે ઘણું સાંભળ્યું છે. તમે ક્યારેય મને મળવા કેમ નથી આવતા? કે પછી તમારો આ દીકરો તમને ગોંધી રાખે છે?’

‘શું વાત કરું? આ આજકાલના છોકરાંવ…’ પિતાજીએ બેટિંગ શરૂ કરી. પછી એમને રોકવા મુશ્કેલ હતા. બીજી કેટલીક વાતો કર્યા પછી એમણે જનરલ એપાન્ચિન સાથે પોતાની કેટલી ગાઢ દોસ્તી હતી અને એ દોસ્તી કઈ રીતે તૂટી એ વિશે ફેંકવાનું શરૂ કર્યું, ‘અમારી દોસ્તી તૂટી ટ્રેનમાં લાવવામાં આવલા એક પાળેલા કૂતરાને લીધે.’

‘ટ્રેન… પાળેલો કૂતરો…’ નાસ્તિને કશુંક યાદ આવ્યું, ‘અચ્છા, થયું શું?’

પત્ની નીનાએ વરને વાર્યાઃ ‘તમે આરામ કરો.’

નાના દીકરા કોલ્યાએ પણ પપ્પાને કહ્યું, ‘પપ્પા, તમને કોઈ મળવા આવ્યું છે. ચાલો મારી સાથે.’

પણ બાપા રંગમાં આવી ચૂક્યા હતા. એ કહે, ‘બહુ નાનકડી વાત છે.

બે વરસ પહેલાંની વાત છે. હું ટ્રેનમાં જઈ રહ્યો હતો. હું ર્ફ્સ્ટ ક્લાસના ડબ્બામાં હતો. હું બેઠો બેઠો સિગાર ફૂંકી રહ્યો હતો. આમાં એવું છે કે આપણે ત્યાં ટ્રેનમાં સ્મોકિંગની છૂટ પણ નથી અને પ્રતિબંધ પણ નથી. પીનારા પીએ. તો હું પી રહ્યો હતો. એવામાં, ટ્રેન ઉપડી રહી હતી ત્યારે બે મહિલાઓ દોડતી દોડતી આવીને મારી સામે બેઠી. એમાંની એક બ્લ્યૂ ડ્રેસવાળી હતી, બીજી બ્લેક ડ્રેસવાળી હતી. બ્લ્યૂવાળી પાસે એક પાળેલો કૂતરો હતો. સાવ નાનકડો કૂતરો. માંડ મારી મુઠ્ઠી જેવડો કૂતરો. મેં સિગાર પીવાનું ચાલુ રાખ્યું. ટ્રેન દોડવા લાગી. પેલી મને ટુગુરટુગુર જોતી રહી. થોડી વાર પછી અચાનક, ન કંઈ વાત ન ચીત, એ બ્લ્યૂડ્રેસવાળીએ તરાપ મારીને મારા હાથમાંથી સિગાર લઈ લીધી ને બારીમાંથી બહાર ફેંકી દીધી. ટ્રેન ધસમસતી દોડી રહી હતી. આ તે કેવું જંગલીપણું? જંગલીપણું જ ને! બીજું શું? પણ મેં સામે જંગલીપણું ન દેખાડયું. મેં એકદમ વિનમ્રતાપૂર્વક, અત્યંત એટલે અત્યંત વિનમ્રતાપૂર્વક પેલા ટચૂકડા કૂતરાના ગળે ભરાવેલા પટ્ટાને બે આંગળી વડે પકડયો અને કૂતરાને હળવેકથી ઊંચકીને બારીમાંથી બહાર ફેંકી દીધો, સિગારની પાછળપાછળ. ટ્રેન પુરપાટ દોડી રહી હતી, ભકછૂક ભકછૂક.’

‘તમે તો ભારે જબરા.’ નાસ્તિ લહેકાભેર બોલી અને પછી નાની છોકરીની જેમ તાલી પાડીપાડીને મોટેમોટેથી હસવા લાગી.

પછી ગાન્યાના બાપાએ એવી વાતો ચલાવી કે પેલી બે બાઈઓ એપાન્ચિન પરિવારની ખાસ ઓળખીતી હતી અને આ કિસ્સા પછી એપાન્ચિન પરિવારને ભારે ખોટું લાગ્યું એટલે એમણે સંબંધ તોડી નાખ્યો.

ગાન્યાના બાપાને ઉકસાવી ઉકસાવીને એમની પાસે આખો કિસ્સો સાંભળ્યા પછી નાસ્તિએ હળવેકથી ટમકું મૂક્યું, ‘કેટલો મોટો યોગાનુયોગ? હજુ હમણાં જ, છ-સાત દિવસ પહેલાં મેં છાપામાં એક ન્યૂઝ વાંચેલા. એમાં આવો જ કિસ્સો હતો. અદ્દલોઅદ્દલ આવો જ કિસ્સો. ફ્રક એટલો કે એમાં પુરુષ ફ્રેન્ચ હતો અને મહિલા અંગ્રેજ હતી. બાકી બધું એનું એ જ. બાઈએ આ જ રીતે સિગાર ફ્ગાવી અને ભાઈએ આ જ રીતે પાછળપાછળ કૂતરું ફ્ગાવ્યું. તમે માનશો? એ બાઈનો ડ્રેસ પણ બ્લ્યૂ હતો.’

ગાન્યાના બાપાના ચહેરા પર લોહી ધસી આવ્યું. પણ એ ગાંજ્યા જાય એવા નહોતા. એ કહે, ‘હું ખાતરીથી કહું છું કે મેં કહેલો કિસ્સો સાચો છે.’

નાનો દીકરો પપ્પાની વહારે આવ્યો, ‘પપ્પાને એપાન્ચિનની પેલી બે ઓળખીતીઓ સાથે ઝઘડો થયેલો એ સત્ય હકીકત છે. મને એ બરાબર યાદ છે.’

પણ નાસ્તિ દયા ખાવાના મૂડમાં નહોતી. એ કહે, ‘હા, પણ આ ઇત્તેફક કેવો જબરો કહેવાય. યુરોપના સામસામેના બે છેડે એકસરખી બે ઘટના બને. અને બેય ઘટનામાં સ્ત્રીનો ડ્રેસ પણ બ્લ્યૂ હોય… હું તમને એ છાપું શોધીને મોકલીશ. વાંચજો. મજા આવશે.’

ગાન્યાના બાપા હજુ પણ પોતે ખોટું બોલી રહ્યા છે એ વાતે હાર સ્વીકારવાના મૂડમાં નહોતા. એણે નાસ્તિને કહ્યું, ‘તેં એક વાત નોંધી? મારાવાળો કિસ્સો બે વરસ જૂનો છે.’

‘ખરા… ખરા… તમે ખરા…’ નાસ્તિ અત્યંત મોટેથી હસવા લાગી.

છેવટે ગાન્યા જાણે જાગ્યો. એ બાપા પાસે આવ્યો અને બાપાને બાવડેથી પકડીને એણે કહ્યું, ‘તમે મારી સાથે બહાર આવો. મારે તમારું કામ છે.’

એટલામાં બારણે હિંસક ટકોરા પડયા. કોઈ જોરજોરથી દરવાજો ઠોકી રહ્યું હતું. કોલ્યાએ દોડીને બારણું ખોલ્યું.

સામે રોગોઝિન હતો. અને રોગોઝિનની સાથે હતા દસેક બીજાં જણ. જાણે ટપોરીઓનું ટોળું જોઈ લો. બધા પીધેલા હોય એવું જણાતું હતું. કોલ્યાને અવગણીને ટોળું ઘરમાં ઘૂસ્યું.

(ક્રમશઃ)