Father Puts Serious Allegations on Mehsana Observation Home
  • Home
  • Featured
  • મહેસાણાઃ નરોડાથી ઝડપાયેલ બાળ ગુનેગાર પરોઢે ન ઊઠ્યો, પિતાએ ઓબ્ઝર્વેશન હોમ પર લગાવ્યો હત્યાનો આરોપ

મહેસાણાઃ નરોડાથી ઝડપાયેલ બાળ ગુનેગાર પરોઢે ન ઊઠ્યો, પિતાએ ઓબ્ઝર્વેશન હોમ પર લગાવ્યો હત્યાનો આરોપ

 | 7:15 am IST

કેટલાક દિવસો પહેલાં મહેસાણાના બાળ ઓબ્ઝર્વેશન હોમમાંથી ગાર્ડ પર હુમલો કરીને ભાગી ગયેલા ૯ બાળ કિશોરો પૈકી એક ખાસ કિશોરને ગત રાત્રે રેલવે સ્ટેશનથી પકડીને નરોડા પોલીસે મહેસાણા ઓબ્ઝર્વેશન હોમને સોંપ્યા બાદ માત્ર ગણતરીના કલાકોમાં જ બાળ કિશોરનું શંકાસ્પદ મોત થતાં હોબાળો મચી જવા પામ્યો છે. ઉલ્લેખનીય છે કે મૃતક બાળ કિશોરના મોતનું સાચું કારણ તો પી.એમ. બાદ જ બહાર આવશે પણ તેના પિતા બાળ ઓબ્ઝર્વેશન હોમના અધિકારીઓ પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા.

પોલીસ સહિતના સૂત્રો પાસેથી મળતી આ ચકચારી ઘટનાની મળતી વિગતો મુજબ મહેસાણા રાધનપુર ચાર રસ્તા નજીક આવેલા બાળ ઓબ્ઝર્વેશન હોમમાંથી ગત ૩ ફેબ્રુઆરીના રોજ ગાર્ડ પર હુમલો કરીને તેને એક રૂમમાં પૂરી દઈને ખૂન અને લૂંટ સહિતના ૯ જેટલા બાળ કિશોરો ભાગી ગયા હતા. જે અંગે મહેસાણા પોલીસ રાજ્યની વિવિધ પોલીસને પણ જાણ કરાઈ હતી. જાણ બાદ ગત રાત્રે નરોડા પોલીસે ભાગી ગયેલા બાળ કિશોરો પૈકી એક બાળ કિશોરને રેલવે સ્ટેશનથી ઝડપી પાડયો હતો અને રાત્રે ને રાત્રે જ તેને મહેસાણાના બાળ ઓબ્ઝર્વેશન હોમને સોંપાયો હતો. દરમિયાન મોડી રાત્રે અઢી વાગ્યાની આસપાસ આ કિશોરની અચાનક તબિયત લથડતાં તેને સારવાર અર્થે બાળ ઓબ્ઝર્વેશન હોમમાંથી સિવિલમાં લાવવામાં આવ્યો હતો જ્યાં તબીબે બાળ કિશોરને મૃત જાહેર કર્યો હતો. બાળ ઓબ્ઝર્વેશન હોમને સોંપાયેને ગણતરીના કલાકોમાં જ બાળ કિશોરનું  શંકાસ્પદ મોત થતાં ચકચાર સાથે હોબાળો મચી જવા પામ્યો છે. બીજી તરફ બી ડિવિઝન પોલીસે આ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

બાળ ઓબ્ઝર્વેશન હોમના ઇન્ચાર્જ અધિક્ષક શું કહે છે

સમગ્ર ઘટના અંગે મહેસાણા બાળ ઓબ્ઝર્વેશન હોમના ઇન્ચાર્જ અધિક્ષક અમિત લીંબાચિયાએ જણાવ્યું હતું કે બાળ કિશોરોને જમાડીને ઘરે ગયો હતો. ત્યાં ત્રણ સાડા ત્રણ વાગ્યે ગૃહપિતાનો ફોન આવ્યો હતો કે ચિરાગ નામના એક બાળ કિશોરની તબિયત લથડી છે. જેથી હું ત્યાં પહોંચ્યો હતો. ઓબ્ઝર્વેશન હોમમાં તેના રૂમમાં જઈ જોતાં તે કોઈ મૂવમેન્ટ હલનચલન નહોતો કરતો. એટલે અમે ૧૦૮ મારફતે તેને સારવાર માટે સિવિલના ટ્રોમા સેન્ટરમાં લઈ ગયા હતા જ્યાં ડોક્ટરે કહ્યું કે આ તો મૃત્યુ પામ્યો છે.

સમગ્ર મુદ્દે તપાસ હાથ ધરવામાં આવે તેવી માગ ઉઠી

મહેસાણા સ્થિત અને કાયદાની સંદર્ભમાં આવતા બાળ ગુનેગારોને જ્યાં રાખવામાં આવે છે એવા બાળ ઓબ્ઝર્વેશન હોમની કામગીરી પર છેલ્લા ઘણા સમયથી સવાલો ઊઠી રહ્યા છે. અગાઉ પણ બાળ કિશોરો ભાગી ગયા હતા અને હમણાં પણ દસ દિવસ પૂર્વે બાળ ગુનેગારો ભાગી જતાં ફરીથી બાળ ઓબ્ઝર્વેશન હોમની કામગીરી શંકાના દાયરામાં આવી હતી. ત્યારે ભાગી ગયેલ બાળ ગુનેગારનું જ શંકાસ્પદ મોત થતાં ફરીથી બાળ ઓબ્ઝર્વેશન હોમ પર અનકે સવાલો ઊઠી રહ્યા છે. સમગ્ર મુદ્દે તપાસ હાથ ધરવામાં આવે તેવી માગ ઉઠી છે

મૃતક બાળ કિશોરના પિતાએ ગંભીર આક્ષેપો કર્યા

પોતાના ૧૮ વર્ષીય દીકરાના શંકાસ્પદ મોતને લઈ મૃતક બાળ કિશોરના પિતા મુકેશભાઈ ચૌહાણે મીડિયા સમક્ષ બાળ ઓબ્ઝર્વેશનવાળાઓ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે મારા દીકરાના ગળે ટૂંપો દીધાના નિશાન છે અને એક હાથ ફ્રેક્ચર કરી  નાખ્યો છે. આમ મારા દીકરાને મારી નાખ્યો છે.

એક રૂમમાં ૫થી ૭ બાળ કિશોરોને રાખવામાં આવે છે

બાળ ઓબ્ઝર્વેશન હોમના ઇન્ચાર્જ અધિક્ષક અમિતભાઈના જણાવ્યા મુજબ મૃતક બાળ કિશોરની સાથે અન્ય પણ ૫થી ૭ બાળ કિશોરો પણ હતા પરંતુ હજી સુધી અમે આમાં રોકાયેલા હોવાથી અમે તેમને પૂછયું નથી કે શું થયું હતું.

નવ દિવસ પહેલાં જ ૯ બાળ કિશોરો ભાગી ગયા હતા

ગત ૩ ફેબ્રુઆરીએ એટલે કે દસ દિવસ પહેલાં જ મહેસાણાના બાળ ઓબ્ઝર્વેશન હોમમાંથી  ૯ જેટલા બાળ ગુનેગારો ગાર્ડ પર હુમલો કરીને તેને રૂમમાં પૂરી દઈને મુખ્ય. દરવાજાની જાળી પહોળી કરીને ભાગી ગયા હતા.

પી.એમ. બાદ મોતનું કારણ જાણી શકાશે : બી. એમ. પટેલ (પી.આઈ. બી. ડિવિ.)

આ અંગે બી ડિવિઝનના પી.આઈ. બી. એમ. પટેલે જણાવ્યું હતું કે બાળ ઓબ્ઝર્વેશન હોમવાળા તેને સિવિલમાં લઈ આવ્યા હતા. અમને જાણ થતાં અમે પહોંચ્યા હતા. મૃતક બાળ કિશોરના મોતનું કારણ તેના પી.એમ. બાદ જ જાણી શકાશે.

મૃતકનું ફોરેન્સિક પેનલ પી.એમ. કરાશે

બાળ કિશોરના થયેલા શંકાસ્પદ મોત અને પરિવારજનોના ગંભીર આક્ષેપોના પગલે મૃતક બાળ ગુનેગારનું અમદાવાદ ખાતે ફોરેન્સિક પેનલ પી.એમ. કરાશે. તેવું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

આ વીડિયો પણ જુઓઃ વડોદરામાં કહેવાતા ગુરૂએ એક વ્યક્તિ પાસેથી પડાવી લીધા 21.80 લાખ રૂપિયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન