મનપસંદ ગિરિમથક શિમલા - Sandesh

મનપસંદ ગિરિમથક શિમલા

 | 12:31 am IST

ટ્રાવેલ : બીજલ

બ્રિટિશરોના ગયા પછી શિમલા ઘણું ગીચ બની ગયું છે. છતાં અહીંની ખીણો, લીલોતરીથી શોભતાં પર્વતો, હિમ, ખુશનુમા વાતાવરણ, ફૂલોથી ભરેલા મેદાનો, સીડાર અને પાઈન-ફોરેસ્ટમાં પ્રસરેલી પાઈનની સુગંધ વગેરે આકર્ષણો હજી પ્રવાસીઓને આકર્ષે છે. આ સ્થલ ૨૨૨૫ મીટરની ઊંચાઈએ પર્વત પર આવેલું છે. જાખુ-પીક, ઓબ્ઝર્વેટરી-હિલટોપ, પ્રોસ્પેક્ટ-હિલ, અલીસિય્ ામ-હિલ અને ચૂર-ચાંદની-હિલ્સના સમૂહમાંની એક હિલ પર શિમલા વસ્યું છે. બ્રિટિશર્સના રાજ્યમાં તે ઉનાળાનું મનપસંદ ગિરિમથક હતું. તેથી જ અહીં ટયૂડર અને ગોથિક શૈલીની ઘણી ઈમારતો જોવા મળે છે, તેમાંની કેટલીક ઈમારતો ‘હેરી પોર્ટર’માં જોવા મળતી ઈમારતો અને કિલ્લાની યાદ અપાવે છે.

આલિશાન ‘વાઈસરીગલ-લોજ’માં ‘ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ એડવાન્સ સ્ટડીઝ’નો અભ્યાસક્રમ ચાલે છે. તેના પ્રવેશદ્વારની બરાબર સામે બર્ડ-પાર્ક છે. ત્યાંથી થોડેક દૂર ‘સીસિલ ઓબેરોય હોટેલ’ છે જે બ્રિટિશન રાજમાં લોકોથી ભરેલી રહેતી હતી. અત્યારે તે શિમલાની શ્રેષ્ઠ હોટેલોમાંની એક છે. આ હોટેલથી ઓબ્ઝેર્વેટરી-હિલ તરફ જતાં પૂર્વ તરફનો રસ્તો ગોર્ટન-કેસલ, ધ જનરલ પોસ્ટ ઓફિસ, ગેઈટી-થિયેટર, લાઈબ્રેરી અને ક્રાઈસ્ટ-ચર્ચ જેવી ઓગણીસમી સદીની ઈમારતોના દર્શન કરાવે છે. માર્ગમાં આવતા સ્ટેટ-મ્યુઝિયમમાં છઠ્ઠીથી અગિયારમી સદી દરમિયાનના શિલ્પોના નમૂના તથા ઓગણીસમી સદીના ચંબા-મ્યુરલ્સ જોવા મળે છે.

ક્રાઈસ્ટ-ચર્ચથી વીસેક મિનિટનું પગપાળા અંતર કાપતા ‘વેલકમ હેરિટેજ વૂડવિલ પેલેસ’ આવે છે. આજે ઈ.સ. ૧૮૬૦નો આ પેલેસ એક રાજવી કુટુંબ પાસે છે. ટેરેસ-લોન અને વેલોથી આચ્છાદિત આ મહેલની પ્રાચીન શૈલીનું ફર્નિચર, સુંદર કલાકૃતિઓ, ઐતિહાસિક સંભારણાં અને વંશવેલાના ફોટોગ્રાફ્સ છે.

‘ચેપ્સલી’એ કપુરથલાના રાજાનું નિવાસ હતું જે આજે હેરિટેજ-હોટેલમાં પરિર્વિતત થયું છે. રાજાના વંશજો દ્વારા સંચાલિત આ હોટેલમાં પણ દેશ-વિદેશની અનેક કીમતી ચીજવસ્તુઓ મળે છે.

કેવી રીતે પહોંચશો?

સુરત, અમદાવાદ કે વડોદરાથી અંબાલાની ટ્રેન પકડો અને અંબાલાથી ટેક્સી દ્વારા શિમલા પહોંચો.

રહેવાની જગ્યાઓ

હેરિટેજ-હોટેલ્સ સિવાય અહીં છોટા શિમલામાં ‘સ્પ્રિંગફિલ્ડ’ મોટી હોટેલ છે. તેની બારીઓમાંથી પર્વતના શિખરો અને ખીણનાં દ્દશ્યો જોવા મળે છે. ‘સ્પા’ની સગવડ માટે શિમલાથી પિસ્તાલીસ મિનિટના અંતરે ‘વાઈલ્ડ ફ્લાવર હોલ’ છે જે ભારતના શ્રેષ્ઠ રિસોર્ટ્સમાંનું એક છે.

જોવાલાયક સ્થળો

શિમલાથી ૬૫ કિલોમીટરના અંતરે હિલ-ટોપ પર આવેલું ‘ચૈલ’ ગામ પક્ષીઓ અને હરણના દર્શન કરવા માટે શ્રેષ્ઠ સ્થળ છે. અહીં આવેલો પટિયાલાના મહારાજાનો ‘ચેલ પેલેસ’ આજે સહેલાણીઓ માટેની હોટેલ બની ગયો છે જેનું સંચાલન ‘હિમાચલ ટૂરિઝમ’ દ્વારા થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન