Fear over rise in animal-to-human diseases: UN
  • Home
  • World
  • પ્રાણીઓનો આહાર બંધ કરો નહીં તો મહામારી માનવીને મારતી જ રહેશે : UN

પ્રાણીઓનો આહાર બંધ કરો નહીં તો મહામારી માનવીને મારતી જ રહેશે : UN

 | 6:30 am IST

પ્રાણીઓમાંથી વાઇરસ માનવીમાં સંક્રમિત થાય એ ખૂબ જ સામાન્ય થઇ ગયું હોવાની સંયુક્ત રાષ્ટ્ર સંઘે ચેતવણી આપી છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના પર્યાવરણ વિભાગે સ્વીકાર્યું છે કે કોવિડ ૧૯ રોગ પેદા કરતા સાર્સ કોવ-૨ વાઇરસ ઉદભવ્યો એમાં કોઇ જ આૃર્ય નથી. એક રિપોર્ટમાં પર્યાવરણ વિભાગે જણાવ્યું હતું કે, માંસ માટે સઘન પ્રાણી ઉછેર સહિતની માનવીની વર્તણૂક એવી છે કે તેને કારણે પ્રાણીઓના રોગ માનવીમાં ફેલાવાના જ હતા. યુનાઇટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ ડિપાર્ટમેન્ટે દાવો કર્યો છે કે કોરોના વાઇરસ બહુધા ચામાચીડિયામાંથી જ આવ્યો છે. સંશોધકોએ એવો પણ નિર્દેશ કરે છે કે ચામાચીડિયામાંથી માનવી સુધી કોરોના વાઇરસ પહોંચ્યો તેમાં પેંગોલિન એટલે કે કીડીખાઉની ભૂમિકા એક કડી તરીકેની હોઇ શકે છે. એવું પણ બની શકે કે પેંગોલિનમાંથી માનવીમાં પહોંચ્યો એ પહેલાં તે વધુ ચેપી બન્યો હોઇ શકે છે.

માનવીને રોગથી બચાવે એવી કુદરતી આડશ તૂટી ગઈ

યુનાઇટેડ નેશન્સ  એન્વાયર્નમેન્ટ ડિપાર્ટમેન્ટના મતે માનવીની ગતિવિધિ પણ એવી રહી છે, તેને કારણે માનવીને રોગોથી બચાવી શકે એવી કુદરતી આડશ તૂટી ગઇ છે.

વેગન બનો અને વન્યજીવના વ્યાપાર બંધ કરો, તો ઝૂનોટિક રોગ ઘટી શકે : વિજ્ઞાનીઓ 

ગયા જૂનમાં જ વિજ્ઞાનીઓએ ચેતવણી આપી હતી કે વેગન બનો, પ્રાણીઓના વ્યાપાર પર પ્રતિબંધ મૂકો તો જ દુનિયાભરમાંથી ઝૂનોટિક રોગને ઘટાડી શકાશે. માંસાહારને કારણે જ પ્રાણીઓમાંથી માનવીમાં રોગ ફેલાવાનું જોખમ વધી જાય છે.

૧૯૩૦ ના દાયકા બાદ માનવીમાં ફેલાયેલા રોગોમાં ૭૫ ટકા રોગો વન્યજીવોમાંથી ફેલાયા

પ્રોફેસર રેન્ડોલ્ફ પ્રાણીઓમાંથી ફેલાતા રોગને એક સ્પષ્ટ ટ્રેન્ડ ગણે છે. તેઓ કહે છે કે ૧૯૩૦ના દાયકાથી અભ્યાસ કરો તો જણાય કે માનવીને થતા રોગોમાંથી ૭૫ ટકા રોગો વન્યજીવોમાંથી ફેલાયા છે. ઇબોલા એવો જ એક રોગ છે, જે ૨૦૧૪થી ૨૦૧૯ દરમિયાન મોટા પાયે વિશ્વભરમાં ફેલાયો હતો. બીજો એક રોગ ૨૦૧૯માં ફેલાયો હતો.

પ્રાણીઓમાંથી ફેલાતા રોગથી દર વર્ષે ૨૦ લાખ લોકોનાં મોત 

નિષ્ણાતો કહે છે કે ખાદ્ય પદાર્થ તરીકે માંસ વેચવા અને તે માટે સઘન ઉછેર વધતો જાય છે, તેને કારણે પ્રાણીઓ ઉપર વધતા જતા શોષણને પગલે પ્રાણીઓમાંથી વાઇરસનું સંક્રમણ માનવીમાં થવા માંડયું છે.   સંયુક્ત રાષ્ટ્ર સંઘના હેવાલ મુજબ દર વર્ષે પ્રાણીઓમાંથી માનવીમાં ફેલાતા રોગોને કારણે દુનિયાભરમાં ૨૦ લાખ લોકો મૃત્યુ પામે છે. મૃત્યુ પામનારાઓમાં મોટા ભાગના લોકો ગરીબ દેશોના હોય છે.

આઠ મહિનામાં કોરોના ૫.૪૩ લાખ લોકોને ભરખી ગયો 

કોવિડ ૧૯ મહામારીની પહેલી વખત ઓળખ થઇ ત્યારથી અત્યાર સુધીમાં આઠ મહિનામાં વિશ્વભરમાં અત્યાર સુધીમાં ૫,૪૩,૬૦૦ લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે અન્ય લાખ્ખો લોકો તેનાથી સંક્રમિત છે. આ વાઇરસ પણ ઝોનોટિક ગણાય છે કેમકે એ પહેલી વખત માનવીમાં ચીનના શહેર વુહાનના સી ફૂડ માર્કેટમાંથી ફેલાયો હોવાનું મનાય છે. આમ છતાં હજુ એ અંગે નક્કર માહિતી મળી નથી કેમકે વિજ્ઞાનને તો વર્ષ બદલાયા પછી જ આ રહસ્યમય સંક્રમણની જાણ થઇ હતી.

વન્યજીવો પર દમન અને ઇકોસિસ્ટમનો નાશ બંધ કરો

રિપોર્ટમાં કહેવાયું છે કે જો સરકારો અન્ય ઝોનોટિક રોગોને માનવીમાં ફેલાતો રોકવા માટે કડક પગલાં નહીં ભરે તો બીજી મહામારીઓ પણ આવતી જ રહેશે. યુનાઇટેડ નેશન્સ  એન્વાયર્નમેન્ટ  ડિપાર્ટમેન્ટના એક્ઝિક્યૂટિવ ડિરેક્ટર ઇન્ગર એન્ડરસન કહે છે કે, વિજ્ઞાન એ બાબતે સ્પષ્ટ છે કે, જો આપણે વન્યજીવોનું શોષણ કરીશું અને ઇકોસિસ્ટમનો નાશ કરીશું તો આવનારા વર્ષોમાં અનેક મહામારી પ્રાણીઓમાંથી માનવીમાં ફેલાતી જ રહેશે. પ્રાણીઓના કુદરતી રહેઠાણનો નાશ થવાથી પ્રાણીઓને માનવીના નજીકના સંપર્કમાં આવવા મજબૂર કરે છે અને તેને કારણે રોગોનું માનવીમાં સંક્રમણ થવાનું જોખમ પણ વધે છે.

શિકાર અને આહાર માનવીમાં ફેલાતા રોગોનું મુખ્ય કારણ

પ્રાણોમાંથી માનવીમાં રોગ ફેલાય તેનો એક માર્ગ શિકાર છે. શિકારનો આહાર કરવામાં પ્રાણીમાંથી માનવીમાં વાઇરસ ફેલાઇ શકે છે. વન્યજીવોના ગેરકાયદે વ્યાપારને કારણે ચામાચીડિયા જેવા જીવિત પ્રાણીઓ માનવીના ગાઢ સંપર્કમાં આવે છે. વુહાનના હુઆનન સી ફૂડ હોલસેલ માર્કેટમાં સાપ, બિવર, મગરનાંબચ્ચાં જેવાં પ્રાણીઓ વેચાય છે. ચીનમાં જુદાં જુદાં પ્રાણીઓનો આહારમાં ઉપયોગ કરવો એ સામાન્ય બાબત છે.

ઝૂનોટિક રોગ શું છે ?

સસ્તન પ્રાણીઓ, પક્ષીઓ, સરિસૃપ કે માછલી જેવા કરોડરજ્જુવાળા પ્રાણીઓમાંથી માનવીમાં ફેલાતા રોગોને ઝૂનોટિક રોગ કહે છે. ઉદાહરણ તરીકે જોઇએ તો ઇબોલા રોગ મૂળતઃ વાંદરામાંથી માનવીમાં ફેલાયો છે, તો કોરોના કુળનો મર્સ વાઇરસ ઊંટમાંથી માનવીમાં ફેલાયો છે.  આ રોગના રોગાણુઓ પ્રાણીઓમાંથી બહાર નીકળીને પણ જીવી જતા હોય છે. પ્રાણીઓમાં ખાસ જોખમી ન હોય એવા રોગાણુઓ માનવીમાં જઇને જોખમી બની જતા હોય છે. જો કે માનવીમાં ફેલાતા પહેલાં તેઓ અન્ય પ્રાણીઓમાં લાંબો સમય રહેતા હોય છે. હાલમાં ફેલાયેલા ચાર રોગો ઝૂનોટિક રોગો છે.

કોવિડ ૧૯ (શંકાસ્પદ ઝૂનોટિક)  

સાર્સ કોવ ૨ વાઇરસથી કોવિડ ૧૯ રોગ ફેલાય છે. જુદા જુદા પ્રાણીઓને ચેપ લગાડતા કોરોના વાઇરસની ૨૦૦ જાતની જિનેટિક સારણી સાથે તેના જિનોમની સરખામણી કરાઇ છે. આ વાઇરસ સતત તેનું જનીન બદલી રહ્યો છે અને તેને કારણે જ તે માનવીના કોષમાં પ્રવેશવા માટે સક્ષમ બન્યો છે. કોવિડ-૧૯ ચામાચીડિયામાંથી માનવીમાં ફેલાયો હશે એમ મનાય છે. જો કે તે પહેલાં બીજા કોઇ પ્રાણીમાં તેણે આશરો લીધો હોઇ શકે છે.

સાર્સ

સાર્સ કોવ નામના કોરોના વાઇરસથી થતો આ રોગ માનવીમાં શ્વસનતંત્રની ગંભીર બીમારી ફેલાવે છે. ફેબ્રુઆરી ૨૦૦૩માં પહેલી વખત તે ચીનમાં દેખાયો હતો. એ પણ ચામાચીડિયામાંથી જ માનવીમાં ફેલાયો હતો. જો કે તે પહેલાં અન્ય પ્રાણીઓમાંથી માનવીમાં ફેલાયો હતો.

મર્સ 

મધ્યપૂર્વમાં ફેલાયેલો આ કોરોના વાઇરસ પણ શ્વસનતંત્રનો રોગ છે. ૨૦૧૨માં સૌપહેલી વખત તે સાઉદી અરેબિયામાં જણાયો હતો. એ રોગ માનવીમાં ઊંટમાંથી ફેલાયો હતો.

ઇન્ફ્લૂએન્ઝા (ફ્લૂ) 

ઇન્ફ્લૂએન્ઝાએ જુદા જુદા પ્રાણીઓમાંથી માનવીમાં ટકી જનારા વાઇરસનું એક સામાન્ય ઉદાહરણ છે. એવિએન ઇન્ફ્લૂએન્ઝા જુદા પક્ષીઓમાંથી માનવીમાં ફેલાયો હતો. સ્વાઇન ફ્લૂ ૨૦૦૯માં ફેલાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન