ફેડ કપ : હોંગકોંગ સામે ભારતનો ૩-૦થી વિજય, ત્રીજું સ્થાન મેળવ્યું - Sandesh
  • Home
  • Newspaper
  • ફેડ કપ : હોંગકોંગ સામે ભારતનો ૩-૦થી વિજય, ત્રીજું સ્થાન મેળવ્યું

ફેડ કપ : હોંગકોંગ સામે ભારતનો ૩-૦થી વિજય, ત્રીજું સ્થાન મેળવ્યું

 | 3:34 am IST

નવી દિલ્હી, તા. ૯

ફેડ કપમાં એશિયા/ઓસિયાના વર્લ્ડ ગ્રૂપ વનના મુકાબલામાં ચીન અને કઝાખસ્તાન સામે મળેલી હાર બાદ ભારતીય મહિલા ટેનિસ ટીમે જોરદાર વાપસી કરતાં હોંગકોંગને ૩-૦થી પરાજય આપ્યો હતો. ગ્રૂપ એના અન્ય એક મુકાબલામાં કઝાખસ્તાને ચીનને એકતરફી મુકાબલામાં ૩-૦થી પરાજય આપ્યો હતો. કઝાખસ્તાને હોંગકોંગ અને ભારત સામે પણ જીત મેળવી હોવાથી ગ્રૂપ એમાં ટોચનાં સ્થાને રહી વર્લ્ડ ગ્રૂપ ટુ પ્લેઓફમાં પહોંચી ગઈ હતી જ્યાં તેનો સામનો આગામી એપ્રિલમાં કેનેડા સામે થશે. ચીન ત્રણ પૈકી બેમાં જીત અને એકમાં હાર સાથે બીજા જ્યારે ભારતીય ટીમ એકમાં જીત અને બે હાર સાથે ત્રીજા નંબરે રહી હતી. હોંગકોંગની ટીમ પોતાના ત્રણેય મુકાબલા હારી ગઈ હતી.

હોંગકોંગ સામેના મુકાબલામાં પ્રથમ મેચ સિંગલ્સની યોજાઈ હતી જેમાં કરમન કૌર થાંડીએ ૭૬૧મો ક્રમાંક ધરાવતી ઇયૂડિસ વોંગ ચોંગને એક કલાક ૨૪ મિનિટ ચાલેલી મેચમાં ૬-૩, ૬-૪થી હરાવી ભારતને ૧-૦ની લીડ અપાવી હતી. મહિલા સિંગલ્સના બીજા મુકાબલામાં અંકિતા રૈનાએ સતત ત્રીજા દિવસે પોતાની લય જાળવી રાખી હતી. ૨૫૩મો ક્રમાંક ધરાવતી અંકિતાએ ૩૩૧મો ક્રમાંક ધરાવતી લિંગ ઝાંગ સામે ૬-૩, ૬-૨થી જીત મેળવી ભારતને ૨-૦ની અજેય લીડ અપાવી હતી.

ત્રીજો મુકાબલો મહિલા ડબલ્સનો યોજાયો હતો જેમાં પ્રાર્થના થોંબરે અને પ્રાંજલા યાદલાપલ્લીની જોડીએ એનજી ક્વાન યાઉ અને વૂ હો ચિંગની જોડીને ૬-૨, ૬-૪થી હરાવી ભારતને ૩-૦થી વિજય અપાવ્યો હતો.