નડાલને હરાવી ફેડરર અંતિમ-૮માં, કીર્ગીયોસે ફરી જોકોવિચને હરાવ્યો - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • નડાલને હરાવી ફેડરર અંતિમ-૮માં, કીર્ગીયોસે ફરી જોકોવિચને હરાવ્યો

નડાલને હરાવી ફેડરર અંતિમ-૮માં, કીર્ગીયોસે ફરી જોકોવિચને હરાવ્યો

 | 1:13 am IST

ઇન્ડિયન વેલ્સ, તા. ૧૬

સ્વિત્ઝર્લેન્ડ ટેનિસ ખેલાડી રોજર ફેડરરે શાનદાર પ્રદર્શન કરતાં સ્પેનના રફેલ નડાલને ૬-૨, ૬-૩થી પરાજય આપી ઇન્ડિયન વેલ્સ ટેનિસ ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. બંને વચ્ચે ૬૮ મિનિટ સુધી મુકાબલો ચાલ્યો હતો. ક્વાર્ટર ફાઇનલમાં ફેડરરનો સામનો ઓસ્ટ્રેલિયાના નિક કીર્ગીયોસ સામે થશે. કીર્ગીયોસે અપસેટ સર્જતાં બીજા નંબરની રેન્ક ધરાવતા નોવાક જોકોવિચને બહાર કરી અંતિમ આઠમાં જગ્યા બનાવી હતી.

નડાલ અને ફેડરર વર્ષ ૨૦૦૪ બાદ પ્રથમ વખત ક્વાર્ટર ફાઇનલ પહેલાં સામ-સામે ટકરાયા હતા. ૨૦૦૪માં મિયામી ઓપનના રાઉન્ડ ઓફ ૩૨માં બંનેની ટક્કર થઈ હતી જેમાં નડાલે બાજી મારી હતી. વિશ્વમાં ૧૦મી રેન્ક ધરાવતા ફેડરર અને છઠ્ઠી રેન્ક ધરાવતા રફેલ નડાલ વચ્ચે આ ૩૬મો મુકાબલો હતો. ફેડરર સામે નડાલ ૨૩-૧૩નો જીત-હારનો રેકોર્ડ ધરાવે છે. નડાલ છેલ્લી ત્રણ મેચમાં ફેડરર સામે હાર્યો છે જેમાં આ પહેલાં ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં પણ નડાલને હરાવ્યો હતો. બંને વચ્ચે રમાયેલી આ મેચ માત્ર પાંચમી હતી કે જેમાં તેઓ ફાઇનલમાં ન ટકરાયા હોય.

અન્ય એક મેચમાં નિક કીર્ગીયોસે નોવાક જોકોવિચને ૬-૪, ૭-૬થી પરાજય આપ્યો હતો. જોકોવિચનો કીર્ગીયોસ સામે આ સતત બીજો પરાજય છે. આ પહેલાં મેક્સિકોમાં યોજાયેલી અકાપુલકો ટૂર્નામેન્ટમાં પણ કીર્ગીયોસે જોકોવિચને હરાવ્યો હતો. છેલ્લા ચાર વર્ષમાં જોકોવિચનો પ્રથમ વખત ચોથા રાઉન્ડમાં પરાજય થયો હતો.

કેરોલિના પ્લિસ્કોવા સેમિફાઇનલમાં 

મહિલા સિંગલ્સમાં ચેક ગણરાજ્યની કેરોલિના પ્લિસ્કોવાએ સ્પેનની ગાર્બાઇન મુગુરુઝાને ૭-૬, ૭-૬થી હરાવી સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. ક્વાર્ટર ફાઇનલમાં પ્લિસ્કોવાનો સામનો રશિયાની સ્વેત્લાના કુઝનેત્સોવા સામે થશે. કુઝનેત્સોવાએ પોતાના જ દેશની અનાસ્તાસિયા પાવ્લિચેન્કોવાને ૬-૩, ૬-૨થી પરાજય આપ્યો હતો. કુઝનેત્સોવા વર્ષ ૨૦૦૮ બાદ પ્રથમ વખત ઇન્ડિયન વેલ્સની સેમિફાઇનલમાં પહોંચી છે.