NIFTY 10,234.45 +3.60  |  SENSEX 32,609.16 +-24.48  |  USD 65.0200 +0.28
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • નડાલને હરાવી ફેડરર માયામી ઓપનમાં ચેમ્પિયન

નડાલને હરાવી ફેડરર માયામી ઓપનમાં ચેમ્પિયન

 | 1:34 am IST

માયામી :

સ્વિટ્ઝરલેન્ડના સ્ટાર ટેનિસ ખેલાડી રોજર ફેડરરે આ વર્ષે પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખતાં પોતાના કટ્ટર પ્રતિસ્પર્ધી સ્પેનના રફેલ નડાલને ૬-૩,૬-૪થી પરાજય આપી માયામી ઓપનનું ટાઇટલ જીત્યું હતું. રોજર ફેડરર અને રફેલ નડાલ વચ્ચે આ ત્રીજો મુકાબલો હતો જેમાં ત્રણેય વખત ફેડરરે બાજી મારી હતી. ફેડરર-નડાલ આ વર્ષે સૌથી પહેલાં ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં ટકરાયા હતા જ્યાં ફેડરર ચેમ્પિયન બન્યો હતો. તે પછી ઇન્ડિયન વેલ્સની પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં પણ બંનેનો સામનો થયો હતો જેમાં ફેડરરે જીત મેળવી હતી. જો કે, બંને વચ્ચે અત્યાર સુધી કુલ ૩૭ મુકાબલા થયા છે જેમાં નડાલ હજુ ૨૩-૧૪નો જીત-હારનો રેકોર્ડ ઔધરાવે છે.

એક કલાક ૩૫ મિનિટ સુધી ચાલેલી મેચના પ્રથમ સેટમાં ફેડરર અને નડાલ એક સમયે ૩-૩ની બરાબરી પર હતા ત્યારે ફેડરરે નડાલની એક વખત સર્વિસ બ્રેક કરી સતત ત્રણ ગેમ જીતી પ્રથમ સેટ ૬-૩થી જીતી લીધો હતો. બીજા સેટમાં પણ બંને ખેલાડીઓ વચ્ચે શરૂઆતમાં સંઘર્ષ જોવા મળ્યો હતો જેને કારણે ૩-૩ની બરાબરી પર રહ્યા બાદ બંને ૪-૪ની બરાબરી પર પહોંચી ગયા હતા ત્યારે ફેડરરે ફરી નડાલની સર્વિસ બ્રેક કરતાં સતત બે ગેમ જીતી બીજો સેટ ૬-૪થી પોતાના નામે કરી ટાઇટલ પણ જીતી લીધું હતું. મેચમાં ફેડરરે પાંચ જ્યારે નડાલે ચાર એસ લગાવ્યા હતા. બંનેએ ૧-૧ ડબલફોલ્ટ કર્યો હતો.

૧૮ વખત ગ્રાન્ડ સ્લેમ વિજેતા રોજર ફેડરર હવે ફ્રેન્ચ ઓપન પહેલાં પોણા બે મહિના સુધી બ્રેક લેશે. મેચ બાદ ફેડરરે કહ્યું કે, હું સ્વસ્થ રહેવા માગું છું કારણ કે, મારું સ્વાસ્થ્ય સારું રહેશે તો હું અત્યારે જે પ્રકારે રમત દર્શાવી રહ્યો છું તેમ આગળ પણ રમી શકીશ. હવે હું ૨૪ વર્ષનો નથી આથી હું ફ્રેન્ચ ઓપન સિવાયની એક પણ ટૂર્નામેન્ટમાં રમવાનો નથી. મારે આરામની જરૂર છે. ફ્રેન્ચ ઓપનની તૈયારીઓ માટે સમય આપવા માગું છું. ફ્રેન્ચ ઓપન પહેલાં ચાર મોટી એટીપી ટૂર્નામેન્ટ મોન્ટે કાર્લો, મેડ્રિડ ઓપન, બાર્સેલોના અને રોમ ઓપન યોજાનાર છે. તે પછી આગામી તા. ૨૨મી મેથી ફ્રેન્ચ ઓપન શરૂ થનાર છે.

૩૫ વર્ષીય રોજર ફેડરર ગત વર્ષે વિમ્બલ્ડન ઓપન બાદ ઘૂંટણની ઇજાને કારણે છ મહિના સુધી ટેનિસ કોર્ટથી દૂર રહ્યો હતો. તે સ્વસ્થ થયા બાદ આ વર્ષે ટેનિસ કોર્ટ પર પરત ફર્યો હતો જ્યાં તેણે શાનદાર દેખાવ કરતાં ઓસ્ટ્રેલિયન ઓપન અને ઇન્ડિનય વેલ્સનું ટાઇટલ પણ જીત્યું હતું. રોજર ફેડરરનો આ સિઝનમાં હવે જીત-હારનો રેકોર્ડ ૧૯-૧ થઈ ગયો છે. ફેડરર આ સિઝનમાં માત્ર દુબઈ ઓપનના બીજા રાઉન્ડમાં રશિયન ખેલાડી એવગેની ડોનસ્કોય સામે હાર્યો હતો.

ફેડરર ચોથા સ્થાને પહોંચ્યો 

સોમવારે જાહેર થયેલી એટીપી રેન્કિંગમાં રોજર ફેડરરને બે સ્થાનનો ફાયદો થયો છે અને તે ચોથા ક્રમે પહોંચી ગયો છે. રોજર ફેડરર આ વર્ષે ૧૬મા સ્થાને ધકેલાઈ ગયો હતો પરંતુ તેણે શાનદાર પ્રદર્શન દ્વારા ચોથો ક્રમાંક મેળવી લીધો છે. રફેલ નડાલ પણ બે સ્થાનના ફાયદા સાથે પાંચમા ક્રમે પહોંચ્યો છે. એન્ડી મરે પ્રથમ સ્થાને, નોવાક જોકોવિચ બીજા સ્થાને અને સ્ટેનિસલાસ વાવરિંકા ત્રીજા સ્થાને છે. નિશિકોરી ત્રણ સ્થાનના નુકસાન સાથે સાતમા ક્રમે ધકેલાયો છે. મહિલા સિંગલ્સમાં જર્મનીની એન્જેલિક કાર્બેર પ્રથમ સ્થાને છે જ્યારે સેરેના વિલિયમ્સ બીજા સ્થાને યથાવત્ છે. પુરુષ ડબલ્સમાં ભારતના લિયેન્ડર પેસ ચાર સ્થાનના ફાયદા સાથે ૫૩મા સ્થાને પહોંચી ગયો છે જ્યારે મહિલા ડબલ્સમાં ભારતની સાનિયા મિર્ઝાએ સાતમો ક્રમાંક જાળવી રાખ્યો છે.