ફેડરર-નડાલ ફાઇનલમાં ટકરાશે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ફેડરર-નડાલ ફાઇનલમાં ટકરાશે

ફેડરર-નડાલ ફાઇનલમાં ટકરાશે

 | 1:21 am IST
  • Share

માયામી, તા. ૧

સ્વિટ્ઝર્લેન્ડના રોજર ફેડરરે માયામી ઓપનની સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયન ખેલાડી નિક કીર્ગીયોસને પરાજય આપી ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. ફાઇનલમાં ફેડરરનો સામનો સ્પેનના રફેલ નડાલ સામે થશે. નડાલે ઇટાલીના ફેબિયા ફોગ્નિનીને પરાજય આપ્યો હતો. નડાલ અને ફેડરર આ વર્ષે ત્રીજી વખત ટકરાઈ રહ્યા છે. આ પહેલાં ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં ફેડરરે નડાલને હરાવ્યો હતો જ્યારે ઇન્ડિયન વેલ્સના પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં પણ નડાલને હરાવી બહાર કર્યો હતો.

ફેડરરને કીર્ગીયોસ સામે જીત મેળવવા માટે સંઘર્ષ કરવો પડયો હતો. સવા ત્રણ કલાક સુધી ચાલેલા મુકાબલામાં ફેડરરે કીર્ગીયોસને ૭-૬ (૧૧-૯), ૬-૭ (૯-૧૧), ૭-૬ (૭-૫)થી પરાજય આપ્યો હતો. ત્રણેય સેટનું પરિણામ ટાઈ બ્રેકર દ્વારા આવ્યું હતું. ત્રીજા સેટમાં ટાઈ બ્રેકરમાં હાર્યા બાદ કીર્ગીયોસ એટલો ગુસ્સે ભરાયો હતો કે, તેણે પોતાનું રેકેટ ત્રણ વખત જમીન પર પટક્યું હતું.

કીર્ગીયોસે પ્રથમ સેટમાં ફેડરરની સર્વિસ બ્રેક કરી ૪-૩ની લીડ મેળવી હતી પરંતુ ફેડરરે ૧૦મી ગેમમાં તેની સર્વિસ બ્રેક કરી ૫-૫ની બરાબરી કરી હતી. પ્રથમ સેટના ટાઈબ્રેકરમાં કિગ્રિયોસ પાસે બે વખત સેટ પોઇન્ટ હતા પરંતુ તેનો લાભ ઉઠાવી શક્યો નહોતો. બીજા સેટના ટાઈ બ્રેકરમાં ૮-૭ના સ્કોર પર ફેડરર પાસે મેચ પોઇન્ટ હતો પરંતુ તેનો ફાયદો ઉઠાવવાનું ચૂકતાં બીજો સેટ કીર્ગીયોસે જીતી ૧-૧ની બરાબરી કરી હતી. ત્રીજા સેટના ટાઈ બ્રેકરમાં બંને ૫-૫ની બરાબરી પર હતા ત્યારે ફેડરરે સતત બે ગેમ જીતી ૭-૫થી સેટ જીતી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.

બીજી સેમિફાઇનલમાં રફેલ નડાલે ઇટાલીના ફેબિયો ફોગ્નિનીને ૬-૧, ૭-૫થી પરાજય આપ્યો હતો. પાંચમા ક્રમાંકિત નડાલે પ્રથમ સેટ ૨૫ મિનિટમાં જ જીતી લીધો હતો પરંતુ બીજા સેટમાં ફોગ્નિનીએ લડત આપતાં બીજો સેટ એક કલાક પાંચ મિનિટ સુધી ચાલ્યો હતો પરંતુ તેમાં પણ નડાલે જીત મેળવી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન