સ્ત્રી સમાનતા એટલે ખરેખર શું ? - Sandesh
  • Home
  • Supplements
  • Stree
  • સ્ત્રી સમાનતા એટલે ખરેખર શું ?

સ્ત્રી સમાનતા એટલે ખરેખર શું ?

 | 1:24 am IST

સમાજ તરંગ । આરતી ઓઝા

”There is no greater agony than bearing an untold story inside you ”

“તમારી અંદર એક વણકહી વાર્તાને લઈને ચાલવા જેવી કોઈ યાતના નથી”

આ શબ્દો છે માયા એન્જ્લીયો નામના અમેરિકન, કવિ, ગાયક અને નાગરિક અધિકાર કાર્યકર્તાના. અનેક અનેક કલાઓના ધની, અને બહુમુખી પ્રતિભા ધરાવતા માયા અન્જ્લીયોને ૫૦ જેટલી માનવ ઉપાધિઓ અને ડઝનેક જેટલા એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવ્યા છે.

કદાચ એવું લાગે કે એન્જ્લીયોએ વિશ્વભરની મહિલાઓની મનઃસ્થિતિને હુબહુ શબ્દબદ્ધ કરી છે. આજકાલ ‘કુડીઓં કા હૈ જમાના’ એટલે ચારે બાજુ ‘મહિલા સમાનતા અને મહિલા સશક્તિકરણ’ ની બોલબાલા છે. પણ ખાટલે મોટી ખોટ કે ખરેખર સ્ત્રી સમાનતા એટલે શું એ બાબતે સમાજ કે મહિલાઓ પોતે સ્પષ્ટ છે?

સર્વસાધારણ સમાજ અને મોટાભાગની મહિલાઓની એવી સમજ છે કે પુરુષોની જેમ જ વર્તણૂક કરવાની, તેના જેવા દેખાવાનો પ્રયાસ કરવો, પુરુષો જેવા કામ કરે છે તે કામ કરવા એટલે સ્ત્રી સમાનતા. ખરેખર સ્ત્રી સમાનતા આવા ઉપરછલ્લા પ્રયાસોથી ઘણું બધું વધારે છે.

ગુલામીએ ભારતીય સમાજ જીવનના ઢાંચામાં જે અનેક ઉઝરડાં પડયા તેની વેદના હજી આજે પણ ભારતીય સમાજ ભોગવી રહ્યો છે. ગુલામી કાલખંડના અનેક વર્ષોમાં મહિલાઓ પર થયેલા અત્યાચારની સામે વિદ્રોહી માનસિક્તાના પગલે આજકાલ ભારતમાં પણ મહિલાઓ ‘અધિકાર મળે નહીં તો છીનવી લો’ આવી એક વ્યાપક માનસિક્તા ધરાવતી થઇ ગઇ છે.

પરંતુ હજુ તો શરૂઆત છે ત્યાં જ સમાજના ઘણા શાણા લોકોને લાગે છે કે આપણે કદાચ ખોટા રસ્તે તો નથી જઇ રહ્યાને ? મને લાગે છે કે સ્વચ્છંદતાને આપણે સ્વતંત્રતા સમજી બેઠા છીએ. વાસ્તવમાં સ્વચ્છંદતા અને સ્વતંત્રતા વચ્ચે એક પાતળી પણ સ્પષ્ટ ભેદરેખા છે અને છે જ. મને લાગે છે કે ખુલ્લા મને આ બાબતે આજની પેઢી સાથે વાત કરવાની આવશ્યક્તા છે. માત્ર યુવતી જ નહીં યુવાન સાથે પણ આ બાબતે ચર્ચા કરવી પડશે.

ગઇકાલ અને આજના પરિપ્રેક્ષ્ય ઘણા બદલાઇ ગયા છે એટલે યુગનું કૂળ પરિવર્તન કર્યા વગર નહીં ચાલે પણ કેટલીક જે મૂળભૂત છે એ બાબતોએ સમાજે આજે જ બહુ જ સ્પષ્ટ થઇ જવાની આવશ્યક્તા છે.

જેમ સૃષ્ટિને જીણવટભરી નજરે જોઇએ તો પશુ પક્ષી કિટ પતંગ દરેકની biological રીતે એક નિશ્ચિત ભૂમિકા છે, તેમ કુદરતે સ્ત્રી અને પુરુષ બંનેના કાર્યક્ષેત્ર અલગ આપ્યા છે, અને બંનેનું સંસાર ચલાવવામાં પોતાનું આગવું મહત્ત્વ છે. વ્યવસ્થાની દૃષ્ટિએ પુરુષનું વધારે અને સ્ત્રીનું ઓછું એવું ભારતીય સંકલ્પનામાં ક્યારેય ન હતું.

ગરબડ આપણે ઊભી કરી છે ઉપભોગતા વાદના કારણે પૈસો આપણાં જીવનમાં એટલો બધો કેન્દ્ર સ્થાને આવી ગયો કે જેમાંથી પૈસા મળે તે કામ વધારે મહત્ત્વનું અને પૈસા ન મળે તે કામનું કોઇ મૂલ્ય જ નહીં.

હજારો વર્ષોથી જે અમૂલ્ય છે તેવું કામ પરિવારના સુચારુ સંચાલનનું, બાળકોના લાલન પાલનનું, સમાજને એક સંસ્કારી નાગરિક આપવાનું તેનું કોઇ મૂલ્ય નહીં ? સમાજને એક સુસંસ્કૃત માણસ આપવો એ એક પેઢી વાવવા જેટલું અમૂલ્ય કામ છે તેનું કોઇ મહત્ત્વ જ નહીં. ગઇકાલ સુધી એક ગૃહિણી પોતાની નૈતિક જવાબદારી સમજીને આ કરતી હતી. તેના આપણે તેને શું પૈસા આપીએ છીએ ? કંઇ જ નહીં તેથી મહિલા જે કામ કરે છે તેનું કોઇ મૂલ્ય નહીં. તેથી જ ગૃહિણી જે કમાતી નથી તેના મનમાં પોતાના પ્રત્યે એક હીન ભાવના જાગૃત થઇ રહી છે તેને લાગે છે મારા કામનું કોઇ મૂલ્ય નથી જે સમાજ માટે ઘાતક છે.

ભૂલ આપણી અહીં જ થઇ છે અને એટલે જ આજે સમાજ ભયાનક અરાજકતા તરફ ધસી રહ્યો છે.

રત કો દેનેવાલે ઉપહાર મેં

સબ સે બહેતરીન ઉપહાર હૈ

ઉસ કા આદર કરના’

હજારો વર્ષોથી મૌન પોતાના પરિવાર માચે પોતાની જાતની, પોતાના શોખની, પોતાની અનુકૂળતાઓ, પોતાના કમ્ફર્ટ ઝોનનો ત્યાગ કરતી મહિલાઓની આપણે ક્યારેય કદર જ ન કરી. હવે એના જેવી (એ તો નહીં જ) સગવડતાઓ આપણે પૈસા દઇને મેળવવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે આપણે આપણી મા-બહેન, દાદી, પત્ની એ કરેલ કામોની કદાચ કદર થાય છે.

તમને એ ખબર છે કે મહિલા સમાનતા માટે મારે ને તમારે અત્યારે આપણો જે દરજ્જો- ક્ષમતા, વિશેષતા છે ત્યાં થઇ એક પગથિયું નીચું ઊતરવું પડે? માત્ર શારીરિક તાકાતને બાદ કરતા તમને ખબર છે પુરુષો કરતા આપણી ક્ષમતાઓ અનેક ક્ષેત્રે અનેક ગણી વધારે છે? We are well managed or­ganizer by birth.

જે જવાબદારી ઇશ્વરે મહિલાને આપી છે ત્યાં મહિલા જ જોઇશે તેનો કોઇ વિકલ્પ નથી જ. સારું લગાડવા માટે નહીં કે મહિલા લેખક છું એટલે નહીં, પ્રકૃતિએ પોતાના જેટલી જ ચીવટથી કામ થાય એ માટે પોતાની કેટલીક વિશેષ જવાબદારીઓ આપણી સાથે શેર કરી છે. આપણે તેના પ્રતિનિધિ છીએ એ કેમ ભૂલી જવાય?

આપણે તો સમગ્ર સમાજની ધુરી છીએ આપણે કેમ ભટકી શકીએ? અને સમાજે પણ હવે ચેતી જવું પડશે ઇશ્વરે તેને આપેલી જવાબદારીનું સન્માન કરવું પડશે. જમાનો બદલાયો છે, પ્રત્યેક તબ્બકે માત્ર સ્ત્રી જ એડજેસ્ટમેન્ટ નહીં કરે, પરિવારને ચલાવવા માટે બંનેનો સાથ સહકાર જોઇશે જ.