Fertilizer Price increase in Gujarat farmers to experience financial stress
  • Home
  • Featured
  • ‘ચૂંટણી પૂરી થતાં જ ખાતરનો ભાવ વધારી ખેડૂતોનું શોષણ શરૂ’

‘ચૂંટણી પૂરી થતાં જ ખાતરનો ભાવ વધારી ખેડૂતોનું શોષણ શરૂ’

 | 8:10 pm IST
  • Share

  • રાસાયણિક ખાતર બનાવતી IFFCOએ ખાતરના ભાવ વધાર્યા
  • કેબિનેટ કૃષિ મંત્રી ખાતરના ભાવ વધારાથી બેખબર
  • ખેડૂત આગેવાનોએ ભાવ વધારાનો વિરોધ કર્યો

તાજેતરમાં એક બાદ એક ચીજ વસ્તુઓના ભાવોમાં અચાનક વધારો થતાં સામાન્ય નાગરિકોનું જનજીવન પ્રભાવિત થયું છે. એવામાં આજે વધુ ખાતરના ભાવોમાં પણ તોતિંગ વધારો ઝીંકી દેવાતા જગતનો તાત ચિંતિત બન્યો છે. IFFCO દ્વારા દિવાળી પહેલા ખાતરના ભાવમાં વધારો કરવામાં આવતા ખેડૂત આગેવાનો દ્વારા ભાવવધારાનો વિરોધ કરવામાં આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, દેશમાં રાસાયણિક ખાતર બનાવતી કંપની IFFCOએ ખાતરના ભાવમાં ધરખમ વધારો કર્યો છે. જેમાં NPKના ભાવમાં રૂપિયા 255થી રૂપિયા 265નો વધારો કરવામાં આવ્યો છે. જે બાદ NPKના ભાવ હવે 1440 રૂપિયાથી 1450 સુધી પહોંચી ગયા છે.

આજ રીતે મહાધનનો ભાવ વધીને 1750 થી 1800 રૂપિયાની આસપાસ પહોંચી ગયો છે. જ્યારે સલ્ફેટના ભાવમાં રૂપિયા 119નો વધારો થવાથી તે 775 પર પહોંચી ગયા છે. જ્યારે પોટાશના ભાવમાં 65 રૂપિયાનો વધારો થઈને તે 1040 પર પહોંચી ગયો છે. રવિ સિઝનની શરૂઆતમાં રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થવાથી ખેડૂત આગેવાનોએ ભાવ વધારાનો વિરોધ કર્યો છે. આ સાથે જ તેમણે ખેડૂતોના હિતમાં સત્વરે ભાવ વધારો પરત ખેંચવાની માંગ કરી છે.

ચૂંટણી પૂરી થતાં જ સરકારે ખેડૂતોનું શોષણ શરૂ કર્યું
ખાતરના ભાવ વધારા બાબતે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ જણાવ્યું કે, “ખેડૂતો સરકારની ખેડૂત વિરોધી નીતિઓનો ભોગ બની રહ્યાં છે. સરકાર દ્વારા ખાતરના ભાવ વધાર્યા બાદ તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવતી હતી. આથી માર્ચ મહિનામાં ખાતરના વધારેલા ભાવ પરત ખેંચ્યા. જો કે માર્ચમાં ચૂંટણીઓ પૂરી થતાં જ સરકારે ફરીથી ખેડૂતોનું શોષણ શરૂ કર્યું છે.”

કેબિનેટ કૃષિ મંત્રી ખાતરના ભાવ વધારાથી બેખબર
રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ હાલ જામનગરની મુલાકાતે છે.  તેમણે ખાતરમાં થયેલા ભાવ વધારા વિશે અજાણ હોવાનું જણાવ્યું.

તેમણે કહ્યું કે, “ખાતરના ભાવ વધારાની હજુ સુધી મને કોઈ જાણકારી નથી. હું ભાવ વધારા મુદ્દે માહિતી મેળવવાનો પ્રયત્ન કરી રહ્યો છું.”

ભાજપે ખેડૂતોની ખેતી બરબાદ કરી દીધી

ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડૉ મનિષ દોશીએ જણાવ્યું કે, “ભાજપ સરકારે 2014 અને 2019માં ખેડૂતોની આવક બમળી કરવાના વાયદા કર્યા હતા, પરંતુ કામ તેનાથી વિપરીત કર્યાં છે. ભાજપે ખેડૂતોની ખેતી બરબાદ કરી દીધી છે. ખેડૂતોના માથે 90 હજાર કરોડ રૂપિયાનું દેવું છે.”

તેમણે વધુમાં જણાવ્યું કે, “ગુજરાતનો ખેડૂત દિવસેને દિવસે દેવાના કાદવમાં ખૂંપી રહ્યો છે. ગુજરાત સરકારની ખેડૂત વિરોધી નીતિના કારણે ખેડૂતો ઓછા થઈ રહ્યાં છે. નાના ખેડૂતો પાયમાલ થઈ રહ્યાં છે.”

“3 કૃષિ કાયદાની સાથે ખેડૂતો સરકારની ખેડૂત વિરોધી નીતિને કારણે ત્રાસી જમીન વેચીને ખેતી કરવાનું બંધ કરે તેવી ભાજપ સરકારની નીતિ છે. નાના ખેડૂતો ખેતી છોડી ન દે અને ખેડૂતો પાયમાલ ના થાય તે માટે હું સરકારને વિનંતી કરું છું કે, ખાતરના ભાવ વધારો તાત્કાલિક અસરથી પાછો ખેંચવામાં આવે.”

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો