કોરોના વાઇરસ સામે લડવા માટે સુરતના પ્લેગમાંથી ઘણું શીખવા જેવું છે - Sandesh
  • Home
  • Supplements
  • Sanskar
  • કોરોના વાઇરસ સામે લડવા માટે સુરતના પ્લેગમાંથી ઘણું શીખવા જેવું છે

કોરોના વાઇરસ સામે લડવા માટે સુરતના પ્લેગમાંથી ઘણું શીખવા જેવું છે

 | 11:40 pm IST

“૨૦૦,૦૦૦ જેટલા લોકો સુરત છોડીને નાસી ગયા છે. તાજેતરના સમયમાં વિશ્વમાં પ્લેગનો આ સૌથી ગંભીર રોગચાળો નોંધાયો છે. રોગમાં પહેલું મોત નોંધાયું તેના ૪૮ કલાકથી પણ ઓછા સમયમાં બીજા ૨૪ લોકોનાં મોત થયાં છે અને ૧૩૭ને હોસ્પિટલોમાં સારવાર અપાઈ રહી છે. બિનસત્તાવાર રીતે ૧૦૦ જેટલા લોકો મરી ગયાના અહેવાલ છે. ઘેર-ઘેરથી નવા કેસ આવી રહ્યા છે અને આ આંકડો વધવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના આ દ્યોગિક શહેરના ૧૬ લાખ નિવાસીઓમાં ગભરાટ મચ્યો છે. શહેરના મુખ્ય બસ અને રેલવે સ્ટેશન પર ભીડ જામી છે. ટિકિટોના વેચાણ પરથી અંદાજ છે કે ૨૦૦,૦૦૦ લોકો બે દિવસમાં શહેર છોડી ગયા છે. ઝૂંપડપટ્ટીઓને પોલીસે કોર્ડન કરી દીધી છે, જ્યાંથી રોગ ફેલાયાની શંકા છે. જિલ્લા કલેક્ટર પી.વી. ત્રિવેદીએ ટેલિફેનિક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે શહેરમાં-યુદ્ધના સ્તરે કામ ચાલે છે. સ્કૂલો, હોસ્પિટલો, રેસ્ટોરાં અને બગીચા સહિતનાં સાર્વજનિક સ્થળોને બંધ કરવામાં આવ્યાં છે. મોટા ભાગની ફેક્ટરીઓ અને ધંધા પણ બંધ છે અને લોકો ઘરમાં પુરાઈ રહ્યા છે. મુંબઈથી આવતી ટ્રેનો સુરતમાં રોકાતી નથી. મુંબઈની હોસ્પિટલોમાં સુરતથી આવતા દર્દીઓ માટે અલાયદા વોર્ડ અને ટેટ્રાસાઈક્લીનની ગોળીઓની વ્યવસ્થા કરવામાં આવી છે.”

૨૪ સપ્ટેમ્બર, ૧૯૯૪ના ‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’ અખબારમાં છપાયેલા સમાચારનો આ અંશ છે. સુરત ન્યૂમોનિક પ્લેગમાંથી બેઠું થયેલું શહેર છે. સ્વતંત્ર ભારતમાં એ સમયે સૌથી મોટી હિજરત થઇ હતી, સુરતની મહામારીથી દુનિયા એટલી ચોંકી ગઈ ગઈ હતી કે ‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’માં તેના સમાચાર પહેલા પાને પ્રગટ થયા હતા. ઘણા દેશોએ ભારતમાંથી માલસામાનની આયાત અટકાવી દીધી હતી અને નજીકના ગલ્ફ્ દેશોએ વિમાનસેવા સસ્પેન્ડ કરી હતી.

અત્યારે આખી દુનિયાની સાથે અને હવે ભારત કોરોના વાઇરસ સામે ઝઝૂમી રહ્યું છે, ત્યારે ૧૯૯૪માં સુરત શહેરે ન્યૂમોનિક પ્લેગનો સામનો કેવી રીતે કર્યો હતો, તે જાણવું જરૂરી છે.

ત્યારે પણ આજના જેવી જ ગભરામણ અને અફ્વાઓ હતી. સરકારીતંત્ર કે આરોગ્ય નિષ્ણાતોને ખબર જ ન હતી કે આ રોગ ન્યૂમોનિક પ્લેગ છે કે બુબોનિક પ્લેગ છે.

સમાચારોમાં પ્લેગ જાહેર થયો હતો, જ્યારે બહુ પાછળથી ખબર પડી કે તે ન્યૂમોનિક પ્લેગ હતો. સમચારપત્રોમાં મોતના અને દર્દીઓમાં આંકડામાં સનસનાટી અને અતિશયોક્તિ હતી. તાવના કિસ્સાઓ નજીકના મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, નવી દિલ્હી અને આંધ્રપ્રદેશમાં નોંધાયા હતા અને આખા દેશને પ્લેગની ચિંતા પેઠી હતી.

૧૯૯૩માં મહારાષ્ટ્રના બીડ અને લાતુર જિલ્લામાં ધરતીકંપના કારણે અનેક લોકો ઘર-બાર છોડી ગયા અને અને તેમનાં ઘરોમાં રહી ગયેલાં અનાજમાં ઉંદરો ફ્રી વળ્યા હતા. એમાં બુબોનિક પ્લેગનો જન્મ થયો. કહેવાય છે કે સુરતમાં કામ માટે આવતા લોકોના કારણે અને શહેરમાં મોજૂદ ગંદકીના કારણે પ્લેગ ફેલાયો હતો. સુરતમાં મોટી સંખ્યામાં ઉંદરોનાં મોત થવાના પગલે ઓગસ્ટ ૧૯૯૪માં પ્લેગ શરૂ થયો હતો. સુરતમાં રોગને કાબૂમાં લેવામાં આવ્યો અને શહેરને સ્વચ્છ કરી નાખવામાં આવ્યું, તે પછી મોતનો આંકડો ૫૬ લોકોનાં મોત અને ૬૯૩ શંકાસ્પદ કેસ પર આવીને અટક્યો હતો, પરંતુ જે તે વખતે પ્લેગના સ્વરૂપને લઈને, કારણને લઈને અને મોતના આંકડાઓને લઈને ગપગોળા જ હતા અને એમાં સરકારથી લઈને સાધારણ લોકોમાં અફ્રાતફ્રી મચી ગઈ હતી.

૧૯૭૮ની ગુજરાત કેડરના શાસનાધિકારી સૂર્યદેવરા રામચંદ્ર રાવે તે દિવસોમાં સુરતને દેશનું સૌથી શુદ્ધ શહેર બનાવીને દાખલો બેસાડયો હતો કે જો ઈમાનદારીથી કામ કરવામાં આવે તો પ્લેગ જેવી મહામારી ભગાડી શકાય છે. સુરતનો પ્લેગ પૂરી દુનિયામાં સમાચારોનું કેન્દ્ર બન્યો હતો, ત્યારે સુરતને પાટા પર લાવવા માટે એસ.આર.રાવને મે ૧૯૯૫માં સુરત મ્યુનિસિપલ કમિશનર તરીકે મૂકવામાં આવ્યા હતા.

પાછળથી એક ઈન્ટરવ્યૂમાં તેમણે યાદ કરીને કહ્યું હતું, “હું બલીનો બકરો બન્યો હતો. એક વર્ષ પછી જો નાનકડો રોગચાળો પણ થયો, તો મારું માથું વધેરાઈ જવાનું હતું. બ્યુરોક્રેટિકલી, એ આત્મઘાતી પોસ્ટિંગ હતું, પણ મારી પાસે શહેરને યુદ્ધના ધોરણે સ્વચ્છ કરવા સિવાય બીજો વિકલ્પ ન હતો.” તેમણે કહ્યું હતું, “સુરતના જાણીતા કવિ ભગવતીકુમાર શર્મા મને કહેતા કે સુરતના લોકોમાં ગંદકીના જીન્સ છે. મારે તેમને ખોટા સાબિત કરવા હતા.”

સુરતને સ્વચ્છ કરવાના અભિયાનને તેમણે ‘એસી-ટુ-ડીસી’ નામ આપ્યું હતું. તેમણે અધિકારીઓને તેમની એરકંડિશનર (એસી) ચેમ્બરો છોડીને ડેઈલી ચોર્સ (ડીસી) એટલે કે રોજેરોજનાં કામ કરવા આદેશ આપ્યા હતા. છ ઝોનના અધિકારીઓ સવારે ૭ વાગ્યે દિવસ શરૂ કરે અને શહેરની સડકો અને શેરીઓ સાફ થાય છે કે નહીં તેનું ધ્યાન રાખે. સફઈ કામદારોને ગાડી-બંગલાવાળા ન ગાંઠે, પણ અધિકારીઓની હાજરીથી કામ આસાન થયું.

બીજું કામ દબાણો અને ગેરકાયદે બાંધકામો તોડવાનું હતું. એસ.આર. રાવે નાના-મોટા, અમીર-ગરીબનો ભેદ રાખ્યા વગર તોડફેડ શરૂ કરી અને થોડા જ વખતમાં સાધારણ લોકોનું સમર્થન મળવા લાગ્યું. લોકોને વિશ્વાસ બેઠો કે અધિકારીઓ નાના અને ગરીબ-મધ્યમવર્ગના લોકોને જ નિશાન નથી બનાવતા. “અમુક લોકોએ તો મંદિરો અને મસ્જિદોનાં વધારાનાં બાંધકામ પણ જાતે જ તોડી નાખ્યાં હતાં. મને હજુય નવાઈ લાગે છે કે લોકોમાં આવી ભાવના કેવી રીતે જાગી હશે,” એમ રાવ કહે છે, ત્રીજું કામ ‘છ મહિના અને છ પાનાંનો નિયમ’ હતો. રાવે આદેશ બહાર પાડયો કે કોઈપણ સરકારી બાંધકામ છ મહિનામાં પૂરું ન થાય તો કોન્ટ્રાક્ટર અને ઇનચાર્જ અધિકારીએ છ પાનાંની અંદર, આજુબાજુમાં કોઈ જગ્યા છોડયા વગર, લેખિતમાં ખુલાસો આપવાનો રહેશે. ત્યારે પ્રથા એવી હતી કે આવાં કામોમાં ૧૮ મહિના થાય. રાવ કહે છે, “લાંબો ખુલાસો લખવાને બદલે તેમને છ મહિનામાં કામ ઊંચું મૂકવાનું વધુ આસાન લાગ્યું.” એમાં અધિકારીઓનાં રાજીનામાં પણ પડયાં.

ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફેર આર્ટ એન્ડ કલ્ચરલ હેરીટેજ (ઇન્ટેક) દ્વારા સુરતને (ચંદીગઢ પછી) દેશનું બીજા નંબરનું સૌથી સ્વચ્છ શહેર ઘોષિત કરવામાં આવ્યું. રોગચાળામાં ૭૫ ટકાનો ઘટાડો નોંધાયો હતો અને પીવાનું સ્વચ્છ પાણી મેળવતા લોકોની સંખ્યા ૬૫થી ૯૫ ટકા થઇ હતી. સુએજની સફઈમાં છ ગણો વધારો થયો હતો. સુરત એક સમયે દેશનું સૌથી ગંદું શહેર કહેવાતું હતું, અને એમાં પ્લેગના રોગચાળાએ તેની રહીસહી આબરૂ ધોઈ નાખી હતી. કદાચ એ જ કારણ હતું કે સુરતના નિવાસીઓએ અધિકારીઓ સાથે મળીને શહેરને સલામત અને સ્વચ્છ બનાવવા યોગદાન આપ્યું હતું. ભારતમાં એવો બીજો દાખલો નથી, જેમાં આખું શહેર આવી રીતે પોતાની જવાબદારી સમજ્યું હોય.

ભારતમાં કોરોના વાઇરસ જો વકરે અને ગીચ વસતીઓ અને નાનાં ગામડાંમાં પેસે, તો તેનો સામનો કરવાનો એકમાત્ર ઉપાય સુરતના દાખલામાં છે; લોકોએ જાતે એક થઇને સત્તાવાળાઓના હાથ મજબૂત કરવા પડશે. રોગચાળામાં પોતાને સલામત કરી દેવા, એ ઉપાય નથી. રોગચાળામાં બીજા સલામત રહે તેમાં આપણી સલામતી છે. આપણે ઘરમાં માસ્ક કે સેનિટાઈઝર સંગ્રહ કરી લઈએ, તે ઉપાય નથી. બાજુવાળાને માસ્ક અને સેનિટાઈઝર વહેંચીએ, તેમાં આપણું સ્વાસ્થ્ય સલામત છે. રોગચાળો આપણામાં નથી હોતો, આપણા શહેરમાં અને આપણા લોકોમાં હોય છે. તેનો ઉપાય પણ શહેરમાં અને સમુદાયોમાં છે. કોરોનામાં લોકો જો આ વાત યાદ રાખશે, તો હિજરત કરવી નહીં પડે.

બ્રેકિંગ વ્યૂઝ : રાજ ગોસ્વામી

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન