વિધાનસભા ગૃહમાં હોબાળો, પટ્ટા- છૂટાહાથની મારામારી, માઈક પણ ઉછળ્યા - Sandesh
  • Home
  • Gandhinagar
  • વિધાનસભા ગૃહમાં હોબાળો, પટ્ટા- છૂટાહાથની મારામારી, માઈક પણ ઉછળ્યા

વિધાનસભા ગૃહમાં હોબાળો, પટ્ટા- છૂટાહાથની મારામારી, માઈક પણ ઉછળ્યા

 | 1:32 pm IST

ગાંધીનગરમાં ચાલી રહેલા વિધાનસભા સત્ર દરમિયાન ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ડખો થતા, ફિલ્મી દૃશ્યો સર્જાયા હતા. જેને પરિણામે ગૃહની ગરિમા લજવાયી હતી. ગૃહને 10 મિનિટ માટે મોકુફ રાખવાની ફરજ પડી હતી. વિધાનસભામાં હોબાળો મચી જવા પાછળ, કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમને છેલ્લા કેટલાંક દિવસથી પ્રશ્ન પૂછતા રોકવામાં આવી રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે. નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલ અને કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દૂધાત વચ્ચે મારામારી સર્જાયી હતી. જેમાં કમર બેલ્ટ દ્વારા ફટકારવામાં આવ્યા હોવાનો આરોપ કરવામાં આવી રહ્યો છે. રાજુલાના ધારાસભ્ય અમરિષ ડેર અને જામનગરના ધારાસભ્ય વિક્રમ માડમને એક દિવસ માટે સસપેન્ડ કરાયા છે.

ગાંધીનગર વિધાનસભામાં આજે સવારથી વાતાવરણ ઉગ્ર જોવા મળ્યું હતું. આસારામ આશ્રમમાં દીપેશ અભિષેકના થયેલા મૃત્યુ અંગેનો અહેવાલ ગૃહમાં જાહેર કરવા કોંગ્રેસે માંગણી કરી હતી. જેમાં વિચારણા કરીને નિર્ણય લેવાશે તેવી રજૂઆત થયા બાદ પ્રશ્ન પૂછવા ઉભા થઈ રહેલા  વિક્રમ માડમને રોકવામાં આવતા, કોંગ્રેસના ધારાસભ્યો રોષે ભરાયા હતા. જેમાં જગદીશ પંચાલ અને પ્રતાપ દૂધાત બાખડી પડ્યા હતા. પરિસ્થિતિ એ હદે વણસી હતી કે બંને વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. તે પછી કોંગ્રેસ ધારાસભ્યો અને ભાજપી ધારાસભ્યો વચ્ચે બેલ્ટ વડે મારામારી અને માઈક ઉછળવાની ઘટના ઘટતાં, ગૃહમાં ઘડીવાર માટે સ્તબ્ધતા છવાઈ ગઈ હતી.

દરમિયાન સુરતના મજૂરાગેટ વિસ્તારમાંથી ભાજપમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય હર્ષ સંધવીએ કોંગ્રેસના ધારાસભ્યો પર આરોપ લગાવ્યો હતો કે મને મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. લોકશાહીના ચીરહરણની આ ઘટનાથી સ્પીકર હતપ્રભ થઈ ગયા. તેમણે 10 મિનિટ માટે ગૃહ મુલવતી રાખ્યું હતું. એટલું જ નહિં કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમ અને અમરિષ ડેરને સસપેન્ડ કરાયા હતા. જ્યારે સાવરકુંડંલાના ધારાસભ્ય પ્રતાપ દૂધાત સમગ્ર સત્ર માટે સસપેન્ડ કરાયા હતા.

દરમિયાન કોંંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે નિવેદન આપતા કહ્યું હતું કે ભાજપના ધારાસભ્યો ગૃહમાં મા બહેનની ગાળો બોલતા હતા. વિક્રમ માડમને ગૃહમાં છેલ્લા 10 દિવસથી પ્રશ્ન પૂછતા અવરોધવામાં આવતા હતા. જેને પગલે મામલો બીચક્યો હતો.