લડાઈ ભલે તમારી સૈનિકો અમારા! - Sandesh

લડાઈ ભલે તમારી સૈનિકો અમારા!

 | 12:21 am IST

ઓફબીટ :- જિજ્ઞાસા પટેલ

યુદ્ધ હોય કે આતંકવાદી આ દુનિયામાં ભાડે લડી શકે એવા કેટલાય ખૂંકારો તમને મળી રહે છે. એમ તો થોડા જ વખતમાં રોબોટ સૈનિકોનો પણ જમાનો આવી રહ્યો છે, આવા સમયે પણ તમને જાણીને નવાઇ લાગશે કે દુનિયામાં સૈનિકો ભાડે આપે એવી પણ કંપની ચાલી રહી છે!

યુદ્ધની વાસ્તવિકતા વસમી હોય છે. બે પક્ષ જંગે ચઢે ત્યારે આ દુનિયામાં ત્રીજો બે બિલાડીની લડાઇમાં ખાટી જવા માટે વાંદરો ત્રાજવું લઇને ન્યાય કરતો હોય છે. અહીં બિલાડીઓને રોટલો ન મળે એનું પૂરેપૂરું ધ્યાન રખાતું હોય છે. આતંકવાદે જ્યારથી માથું ઊંચક્યું છે, ત્યારથી એક તરફ શસ્ત્રોનો બહોળો વેપાર થઇ રહ્યો છે. એમ પણ દુનિયામાં સતત લડાઇના તાપણાં સળગતાં જ રહ્યા છે. એ તો સારું છે કે શીત યુદ્ધ ખતમ થઇ ગયું છે અને તેને કારણે દુનિયા બે ધ્રૂવમાં વહેંચાયેલી રહી નથી. પરંતુ ફરીથી આપણે એ જ સ્થિતિ તરફ આગળ વધી રહ્યા છે, ત્યારે શસ્ત્રો અને સૈનિકોનો વ્યાપાર ઉઘડતો જશે એ વસમું સત્ય સ્વીકારી લેવું પડે એમ છે.

જ્યાં જ્યાં સરકાર સામે વિદ્રોહ હોય કે આતંકી સંગઠનો કોઇપણ કારણસર લડાઇમાં જોતરાયેલા હોય એવા સ્થળોએ દૂધમલ બાળકોને યુદ્ધમાં જોતરી દેવાય છે. કેટલાય જૂથોમાં બાળસૈનિકોનું ચલણ ચાલે છે. રમકડાં સાથે રમવા કે ભણવાની વયે આ બાળકોને યુદ્ધના મેદાનમાં ધકેલી દેવાય છે. એ બાળકને તો ખ્યાલ પણ હોતો નથી કે તે સાચુકલી બંદૂકથી રમી રહ્યો છે, જે ગમે તેને મોતને હવાલે કરી દે છે. તેને મન તો રમકડાંની બંદૂકમાંથી ધાંય ધાંય થતું હોય અને સાચી બંદૂકમાંથી ગોળી છુટતી હોય એ વચ્ચે કોઇ તફાવત નથી. વળી આ લડાઇમાં બાળક મરી ન જાય અને જખ્મી બને તો તેનું જીવન કેવું દોઝખ જેવું બની જાય તે પીડા તો એ બાળક જ જાણે છે. મોટા ભાગે એ બાળકો અપહરણ કરાયેલા કે ગરીબોના બાળકો હોય છે. આ બાળકો મોરચે જઇને ક્યાં તો હાથ-પગ કે બીજું અંગ ગુમાવે ત્યારે તેઓ તો આતંકી કે બીજા જૂથો તરફથી લડતા હોય છે, તેને કારણે તેમને કોઇ સારવાર કે બીજા લાભ મળતા નથી. એ બાળકે આખી જિંદગી કેવી દોઝખમાં કાઢવી પડે એની કંપાવી દે એવા હેવાલો આવતા રહે છે.

બીજી તરફ યુદ્ધ એક બિઝનેસ થઇ ગયો છે, ત્યારે કોઇપણ જૂથને કે દેશને સૈનિકો જોઇતા હોય એ મોકલવાનો પણ એક બિઝનેસ થઇ ગયો છે. પુખ્તવયના લોકોને તાલીમ આપીને યુદ્ધના મોરચે મોકલવા માટે પણ વ્યવસાય શરૂ થયો છે. સત્તાવાર રીતે મોકલાતા સૈનિકોમાં બાળકો હોઇ ન શકે, એ માટે જેમ આપણે ત્યાં સિક્યોરિટી એજન્સીઓ જવાનોને નોકરીએ રાખે છે, એમ હવે યુદ્ધ લડવા માટે પણ જવાનોને નોકરી રાખવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. એ પ્રકારના સૈનિકો સિરિયામાં જોવા મળ્યા છે. સિરિયામાં આઇએસઆઇએસ આતંકીઓ સામે લડાઈ ચાલતી હતી. હાલમાં યુક્રેઇનમાં ઘમસાણ મચ્યું છે. સુદાન અને મધ્ય આફ્રિકાના દેશોમાં પણ લડાઈ ચાલી રહી છે. આ તમામ યુદ્ધો-લડાઈમાં જો કંઈ સામાન્ય હોય તો એ સૈનિકો છે, જે ક્યાંક સરકારના સૈનિકો સાથે રહીને લડે છે, તો ક્યાંક વિદ્રોહીઓ સાથે લડે છે. આ ભાડુતી સૈનિકો રશિયાના છે!

આ સૈનિકો પીએમસી વૈગ્નરના સૈનિકો છે. મતલબ કે પ્રાઇવેટ મિલિટ્રી કોન્ટ્રાક્ટર છે. રશિયાની એક ખાનગી સૈન્ય કંપની છે, જે ભાડાના સૈનિકો તૈયાર કરે છે અને પોતાના ક્લાયન્ટ માટે એ સૈનિકો લડાઈ લડે છે. આ સૈનિકો રશિયન સેના, નોવોરોશિયન સેના, સિરિયન સૈન્ય અને ઈરાની આર્મ્ડ ફોર્સ માટે ભાડેથી જંગ લડતા રહ્યા છે. જે દુશ્મનો પર તેઓએ પૈસા માટે લડાઈ લડે છે.

રશિયન સરકાર ભલે કોઈ ખાનગી સેના હોવાનો ઇનકાર કરતી હોય, પરંતુ એક એજન્સીના ખુલાસા બાદ દુનિયાને એ જાણકારી મળી ગઈ છે કે યુદ્ધની તૈયારી માટે રશિયાએ પોતાના દેશમાં આવું કોઈ સૈન્ય તૈયાર કરી રાખ્યું છે. આ તો રશિયનો ખુલ્લા પડયા છે, તેથી રશિયામાં ભાડુતી સૈન્ય મળી શકે છે એ સત્ય બહાર આવી ગયું છે. એ સત્ય કઠોર છે, પણ એ સ્વીકાર્યા વિના ચાલે એમ નથી. રશિયા સિવાય બીજા દેશોમાંથી પણ સૈનિકો ભાડુતી યુદ્ધ લડતા હશે એમાં પણ કોઇ શંકા નથી. એમ પણ આતંકવાદીઓના સંગઠનોમાં તો ધર્મના નામે ભડકાવેલા કેટલાય લોકો આતંક ફેલાવતા હોય જ છે. અફઘાનિસ્તાન અને આપણું કાશ્મીર તેનું સાક્ષી છે.

પુખ્ત વ્યક્તિ યુદ્ધ કે આતંકી પ્રવૃત્તિમાં સામેલ થાય એ અલગ કિસ્સો છે, પણ બાળકોને સૈન્ય કે આતંકી પ્રવૃત્તિમાં જોતરવા એ એક બાળપણને પીંખી ખાવાનો અત્યાચાર છે. દિવસે દિવસે દુનિયાભરમાં તાપણાં વધુને વધુ સળગતા જાય છે, ત્યારે આ પ્રકારની પ્રવૃત્તિ પર બ્રેક લાગી શકે એમ નથી, એ જોતાં હવે આવનારા દિવસોમાં રોબોટ સૈનિકોની માંગ પણ વધી જશે અને એ યુદ્ધ માટે ભાડે આપવાનો બિઝનેસ પણ પુરજોશમાં શરૂ થાય એમ છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન