ઝઘડામાંથી પ્રગટયો મિકી માઉસ! - Sandesh
  • Home
  • Kids Corner
  • ઝઘડામાંથી પ્રગટયો મિકી માઉસ!

ઝઘડામાંથી પ્રગટયો મિકી માઉસ!

 | 12:10 am IST

તમને ખબર છે? ગયા અઠવાડિયે જેનો ૯૦મો જન્મદિવસ ધામધૂમથી ઉજવાયો એ મિકી માઉસનો જન્મ એક ઝઘડાને કારણ થયેલો. એમાં એવું થયું કે ચાર્લ્સ નામનો એક ફિલ્મ પ્રોડયૂસર વોલ્ટ ડિઝની પાસેથી કાર્ટૂન ફિલ્મ ખરીદીને યુનિવર્સલ સ્ટુડિયોને વેચવાનું કામ કરતો હતો. એ દિવસોમાં ડિઝનીનું ઓસવાલ્ડ નામના સસલાનું પાત્ર ખૂબ લોકપ્રિય બનેલું. તો, ૧૯૨૮માં ડિઝનીએ જ્યારે પોતાની કાર્ટૂન ફિલ્મ માટે વધુ ખર્ચ, વધુ બજેટ, વધુ પૈસાની માગણી કરી ત્યારે ચાર્લ્સે પૈસા વધારવાને બદલે ઊલટાની ઘટાડવાની વાત કરી અને આડકતરી રીતે એવી ધમકી આપી કે તારે મારી મરજી અને શરતો પ્રમાણે કામ કરવાનું છે.

વોલ્ટ ડિઝનીને ગુસ્સો ચડયો. ચાર્લ્સની વાત એને મંજુર નહોતી. એટલે એણે એકડેએકથી નવી શરૂઆત કરી. એના જૂના સ્ટાફમાંથી થોડા જ સભ્યો ડિઝનીની સાથે રહ્યા. ડિઝની નવા સાહસ માટે એક નવું જોરદાર કાર્ટૂન કેરેક્ટર બનાવવા માગતા હતા. એમણે એમના ખાસ જોડીદાર ઉબ આઈવર્ક પાસે કૂતરા, બિલ્લી, ગાય, ઘોડા અને ઇવન દેડકાંના કેટલાક કેરેક્ટર્સ બનાવડાવ્યાં, પણ એકેય પાત્રથી ડિઝનીને સંતોષ ન થયો.

છેવટે, ડિઝનીને પોતાની ઓફિસમાં પોતાના ટેબલની આસપાસ આંટા મારતા એક શાંત ઉંદર પરથી પ્રેરણા મળી અને એના પરથી રચાયું મિકી માઉસનું કેરેક્ટર. શરૂઆતમાં ડિઝનીએ એનું નામ મોર્ટિમર માઉસ રાખેલું, પરંતુ વોલ્ટની પત્ની લિલિયનને આ નામ ન ગમ્યું એટલે છેવટે નામ બદલીને મિકી માઉસ રખાયું.

અને પછી તો આ કેરેક્ટરે ઇતિહાસ રચી દીધો. આજે જગતમાં સૌથી જાણીતાં નામોમાંનું એક નામ છે, મિકી માઉસનું. લાલ ચડ્ડો, મોટા પીળાં જૂતાં અને સફેદ હાથમોજાં પહેરેલો આ ઉંદર સૌથી પહેલી વાર ૧૯૨૮ની ફિલ્મ સ્ટીમબોટ વિલીમાં જોવા મળેલો. અત્યાર સુધીમાં મિકી ૧૩૦થી વધુ ફિલ્મોમાં ચમકી ચૂક્યો છે. ટૂંકી ફિલ્મો ઉપરાંત પૂરા કદની, મોટી ફીચર ફિલ્મોમાં પણ મિકી અનેક વાર ચમક્યો છે. મિકીની સાથે તેની ગર્લફ્રેન્ડ મિની માઉસ, તેનો પાળેલો પીળા રંગનો કૂતરો પ્લુટો, તેનો પરમ મિત્ર ડોનાલ્ડ ડક અને ગૂફી પણ ખૂબ જાણીતાં બની ચૂક્યાં છે. મિકીની દસ ફિલ્મોને શ્રેષ્ઠ એનિમેટેડ શોર્ટ ફિલ્મના ઓસ્કર એવોર્ડ માટે નામાંકન મળ્યાં છે. ૧૯૭૮માં મિકી માઉસ હોલિવૂડ વોક ઓફ ફેમ (લોસ એન્જલિસની વિખ્યાત સડક પર જડેલા સ્ટાર) તરીકે ચમકવાનું બહુમાન મેળવી ચૂક્યો છે.

આમ જુઓ તો મિકી માઉસ છે જ નહીં, એ ફક્ત એક કાલ્પનિક પાત્ર છે, પરંતુ બાળકોને અને ઇવન મોટેરાંઓને પણ એ એટલી મજા કરાવે છે કે એક જીવતી વ્યક્તિની માફક મિકી માઉસ આપણા સૌનાં દિલમાં વટથી અને હકથી સ્થાન ભોગવે છે.

વી લવ યૂ, મિકી માઉસ!