Read The Film Review Of 'Uri: The Surgical Strike' and 'The Accidental Prime Minister'
  • Home
  • Entertainment
  • Bollywood
  • ‘ઉરી’ અને ‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’માંથી કઈ ફિલ્મ છે જોવા જેવી? વાંચી લો આ રિવ્યૂ

‘ઉરી’ અને ‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’માંથી કઈ ફિલ્મ છે જોવા જેવી? વાંચી લો આ રિવ્યૂ

 | 4:00 pm IST

સિનેમાઘરોમાં વિક્કી કૌશલ અભિનિત ફિલ્મ ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક’ અને અનુપમ ખેરની ‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ રીલીઝ થઈ ચુકી છે. વાત કરીએ ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક’ની તો ફિલ્મને આદિત્ય ધરે નિર્દેશિત કરી છે અને રોની સ્ક્રુવાલાએ પ્રોડ્યુસ કરી છે. ફિલ્મ 2016માં ભારતીય સેના દ્વારા પાકિસ્તાનમાં આતંકવાદીઓ પર કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇક પર આધારિત છે.

વિક્કી કૌશલનું શાનદાર કામ 

ફિલ્મમાં વિક્કી કૌશલ મેજર વિહાન શેરગિલનાં પાત્રમાં છે. આ ઉપરાંત પરેશ રાવલે અજીત ડોભાલનાં પાત્ર ગોવિંદનો રોલ કર્યો છે. પરફૉર્મેન્સની વાત કરીએ તો દરેક ફિલ્મની માફક આ ફિલ્મમાં પણ વિક્કી કૌશલે અદ્ભુત એક્ટિંગ કરી છે અને તેણે મેજર વિહાન શેરગિલનાં પાત્રને પુરતો ન્યાય આપ્યો છે. IAF ઑફિસર તરીકે ફિલ્મમાં જોવા મળતી ક્રિતિ કુલ્હારી અને રૉ એજેન્ટ-નર્સનાં પાત્રમાં જોવા મળેલી યામી ગૌતમ પણ પોતાના પાત્રને યોગ્ય ન્યાય આપવામાં સફળ રહી છે. મેજર કરણ કશ્યપનાં રોલમાં મોહિત રૈના દિલ જીતવામાં સફળ રહ્યો છે.

યે નયા હિંદુસ્તાન હૈ, ઘર મે ઘુસેગા ભી ઔર મારેગા ભી

વાર્તા મણિપુરમાં થયેલા ઉગ્રવાદી હુમલાથી શરૂ થાય છે અને મેજર વિહાન શેરગિલની આસપાસ ફરે છે. વિહાન પોતાની બીમાર માતાની સેવા કરવા માટે રિટાયરમેન્ટ લેવાનું વિચારે છે. પરંતુ પીએમ નરેન્દ્ર મોદીનાં પાત્રમાં જોવા મળતા રજીત કપુર વિહાનને યાદ અપાવે છે કે ‘દેશ પણ તો આપણી માતા છે’. સેના તેની નોકરી દિલ્હીમાં આપે છે, જ્યાં તે પોતાની માતા સાથે રહી શકે છે. આંતકવાદી હુમલાનો જડબાડતોડ જવાબ આપવા ભારત સર્જિકલ સ્ટ્રાઇક કરે છે અને તેનું પુરુ પ્લાનિંગ કરવાની જવાબદારી વિહાનની હોય છે. વિહાન અને સેના સર્જિકલ સ્ટ્રાઇકને કેવી રીતે પુરી પાડે છે તે માટે તમારે ફિલ્મ જોવી પડશે.

‘ઉરી’ દેશભક્તિની ભાવનાથી ભરપુર છે. ફિલ્મનાં સંવાદો પણ જોરદાર છે. ફિલ્મનાં એક્શન સીન્સ અને લોકેશન પણ ગજબ છે. સિનેમેટોગ્રાફર મિતેશ મિરચંદાનીએ સારું કામ કર્યું છે. ફિલ્મનું મ્યુઝિક ફિલ્મને પ્રભાવી બનાવે છે. ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક’ ફિલ્મ તમારી છાતીને ગદગદ કરી દેશે.

ફિલ્મ સંજય બારૂનાં પુસ્તક પર આધારિત છે

વાત કરીએ ‘ધ એક્સિડેન્ટ પ્રાઇમ મિનિસ્ટર’ની તો આ ફિલ્મ પ્રધાનમંત્રીની કુર્સી સુધી પહોંચેલા ડૉક્ટર મનમોહન સિંહનાં જીવન પર આધારિત છે. આ ફિલ્મમાં અનુપમ ખેરની સાથે એક્ટર અક્ષય ખન્ના પણ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મને મિશ્ર પ્રતિક્રિયા મળી રહી છે. ફિલ્મ સંજય બારૂનાં પુસ્તક પર આધારિત છે, પરંતુ ડિસ્ક્લેમરમાં નિર્માતાઓએ એ પણ કહ્યું કે થોડીક છૂટછાટ લેવામાં આવી છે.

કેટલીક જગ્યાએ પૉલિટિકલ ડૉક્યુમેન્ટ્રી બનીને રહી જાય છે

ફિલ્મ 2004માં લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસનાં નેતૃત્વમાં યુપીએને મળેલી જીતથી શરૂ થાય છે. ચૂંટણીમાં હારેલી એનડીએ કોઇપણ હાલતમાં સોનિયા ગાંધીને પ્રધાનમંત્રી બનવા દેવા ઇચ્છતી નથી અને આખરે મનમોહન સિંહને પ્રધાનમંત્રી બનાવવામાં આવે છે. ફિલ્મ બાયોપિક નથી. આ ફિલ્મ પુસ્તકમાં લખાયેલી નાની-મોટી રાજનીતિક ઘટનાઓનું મિશ્રણ છે. વાર્તા વિખેરાયેલી લાગે છે અને કેટલીક જગ્યાએ પૉલિટિકલ ડૉક્યુમેન્ટ્રી બનીને રહી જાય છે. ફિલ્મની વાર્તા માટે રિઅલ વિઝ્યુઅલ્સનો દિલ ખોલીને ઉપયોગ કરવામાં આવ્યો છે. સારું એ છે કે ફિલ્મમાં સંજય બારૂનાં રૂપમાં અક્ષય ખન્ના નરેટરનાં રૂપે સમજાવતા રહે છે અને તમામ ઘટનાઓ સમજવામાં મદદ મળે છે.

ફિલ્મ રાજકીય ઘટનાઓ પસંદ કરતા લોકોને ગમશે

અક્ષય ખન્ના, અનુપમ ખેર, સુઝૈન બર્નર્ટ, વિપિન શર્મા, અર્જુન માથુર અને અહાના કુમરાનો અભિનય સારો છે. પાત્રોનાં લૂક વાસ્તિવક કિરદારો સાથે મૈચ થાય છે. કાસ્ટિંગની રીતે ફિલ્મ રસપ્રદ છે. પહેલી ફિલ્મમાં નિર્દેશન કરી રહેલા વિજય ગુટ્ટેની તારીફ કરી શકાય છે. આ ફિલ્મ રાજકીય ઘટનાઓ પસંદ કરતા લોકોને ગમશે. ફિલ્મમાં કોઈ ગીત નથી, જો કે બેકગ્રાઉન્ડ સ્કોર સારું છે. ફિલ્મનાં સંવાદો સારી રીતે લખવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન