વડોદરાઃ આત્મવિલોપનની ધમકી બાદ 24 કલાકમાં વર્ષ પહેલા આપેલી અરજી ઉપરથી નોંધાયો ગુનો - Sandesh
  • Home
  • Baroda
  • વડોદરાઃ આત્મવિલોપનની ધમકી બાદ 24 કલાકમાં વર્ષ પહેલા આપેલી અરજી ઉપરથી નોંધાયો ગુનો

વડોદરાઃ આત્મવિલોપનની ધમકી બાદ 24 કલાકમાં વર્ષ પહેલા આપેલી અરજી ઉપરથી નોંધાયો ગુનો

 | 9:41 pm IST

વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતા વગદાર સસરા અને પોલીસ કોન્સટેબલ કાકા સસરા દ્વારા મારુતિ કારમાં અપહરણ કરીને જીવલેણ હુમલો કરવાના બનાવમાં ફરીયાદ નોંધવા માટે મકરપુરા પોલીસ સ્ટેશન અને પોલીસ કમિશનર કચેરીના ધક્કા ખાઈને થાકેલા જમાઈએ આખરે કંટાળીને પત્ની સાથે આત્મવિલોપનની ચિમકી આપતાં આખા પોલીસ તંત્રમાં દોડધામ મચી હતી. અમારા મૃત્યુ માટે પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર અને મકરપુરા પી.આઈ. જવાબદાર રહેશે તેવો ઈમેલ મોકલતા ઘટના બની તેના એક વર્ષ પછી મકરપુરા પોલીસે સસરા કાનજીભાઈ પરમાર , પોલીસ કોન્સટેબલ કાકા સસરા ચંદુભાઈ વાલજીભાઈ પરમાર અને સાળા સામે અપહરણનો ગુનો નોંધવાની ફરજ પડી છે.

આ કિસ્સામાં ભોગ બનેલા હર્ષદ પ્રવિણભાઈ ઝાલા (ઉ.વ.૨૫)એ જણાવ્યુ હતુ કે, હું ધંધુકા તાલુકાના ફેદરા ગામનો વતની છુ. મેં એમ.એ. બીએડ સુધી અભ્યાસ કર્યો છે અને હાલમાં જીપીએસસીની પરીક્ષાની તૈયારી કરી રહયો છુ. મકરપુરા એરફોર્સ પાછળના વિસ્તારમાં રહેતી ઉષા નામની પ્રેમિકા સાથે તા.૨૭મી માર્ચ૨૦૧૪ના રોજ લવ મેરેજ કર્યા હતા.

આ નિર્ણયથી મારા સાસરીયાઓ નારાજ હતા પરંતુ ત્રણ વર્ષ પછી ૨૦૧૭માં બોલવાનું શરુ કર્યુ હતુ પરંતુ આ એક નાટક હતુ હું તેમની પ્લાસ્ટિક સ્માઈલ પાછળના ખોફનાક ચહેરાને ઓળખી શકયો નહતો અને સહજ રીતે તા.૨જી ફેબ્રુઆરી ૨૦૧૭ના રોજ ધંધૂકાથી વડોદરા ખાતે સાસરી આવ્યો હતો. મકરપુરા ડેપો પર હું ઉભો હતો ત્યારે મારો સાળો મને કારમાં લેવા આવ્યો હતો.

શહેર પોલીસ તંત્રમાં કોન્સટેબલ તરીકે ફરજ બજાવતા મારા કાકા સસરા પણ કારમાં હતા. આ લોકો પાસે હથિયાર હતા અપહરણ કરીને મને મકરપુરા એરફોર્સ પાછળની વ્રજધામ સોસાયટી ખાતેની સાસરીમાં લઈ જવામાં આવ્યો હતો. રેતી કપચીનો ધંધો કરતા સસરાએ મારી ઉપર હુમલો કર્યો હતો.

આ બનાવ અંગે મારા તરફથી તા. ૩જી અને ૯મી ફેબ્રુઆરી ૨૦૧૭ના રોજ મકરપુરા પોલીસ મથકે લેખીત ફરીયાદ આપવામાં આવી હતી. પરંતુ મારા કાકા સસરા પોલીસ ખાતામાં ફરજ બજાવતા હોવાથી ફરીયાદ અભરાઈ ઉપર ચઢાવવામાં આવી હતી. એફઆઈઆર નોંધવા માટે હાઈકોર્ટ પાસેથી પણ માર્ગ દર્શન મેળવ્યુ હતુ. આમ છતાં પોલીસ હાઈકોર્ટનો હુકમ પણ ધોળીને પી ગઈ હતી. આખરે જિંદગીથી કંટાળેલા હર્ષદ ઝાલા અને તેની પત્ની ઉષાએ પોલીસ કમિશનર ઓફીસના ઈમેલ એેડ્રેસ ઉપર સામુહિક આત્મવિલોપનની ચિમકી આપતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. આખરે મકરપુરા પોલીસે અપહરણ,ગેરકાયદે અટકાયત, અને જાનથી મારી નાંખવાની ધમકી તથા હુમલાનો ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.