આગ અને પાણી - Sandesh

આગ અને પાણી

 | 12:58 am IST

આપણે જાણીએ છીએ કે પાણીને અગ્નિ ઉપર નાખીએ તો તે ઓલવાઇ જાય છે, પણ અગ્નિના કારણે પાણી ઉપર આવી શકે તેવું તમે ક્યારેય અનુભવ્યું છે? તો ચાલો આજના પ્રયોગમાં એ પણ અનુભવી લઇએ. પાણી કે જે અગ્નિના કારણે ઉપર આવી શકે છે તેવું ફલિતાર્થ કરતો પ્રયોગ આજે આપણે કરીએ.

પ્રયોગ માટે જરૃરી વસ્તુઓ :

આગ અને પાણીનો પ્રયોગ કરવા માટે જરૃરી વસ્તુમાં એક લાંબો કાચનો ગ્લાસ, એક જાડી અને ગ્લાસથી અડધી સાઇઝની મીણબત્તી, એક ડિશ, પાણી, અને પોસ્ટર કલર આમ માત્ર પાંચ વસ્તુ વડે તમે આ પ્રયોગ કરી શકશો.

પ્રયોગ કરવા શું કરવું?

૧. સૌપ્રથમ ડિશમાં પાણી લેવું, આ પાણીની અંદર તમને ગમતો કોઇપણ પોસ્ટર કલર ઉમેરીને તેને રંગીન બનાવવું. જેથી પાણીની સપાટી ઉપર આવે ત્યારે તેને તમે સરળતાથી જોઇ શકો.

૨. બાદમાં જાડી પણ કાચના ગ્લાસથી અડધી સાઇઝની મીણબત્તી લેવી, અને સળગાવીને બરાબર બેલેન્સ કરી ડિશમાં વચ્ચો વચ્ચ ગોઠવવી.

૩. મીણબત્તી બરાબર ગોઠવાય એટલે તેની ઉપર કાચના ગ્લાસને ઊંધો ઢાંકી દેવો.

૪. એકવાર કાચનો ગ્લાસ ઊંધો ઢાંકશો પછી મીણબત્તી ઓલવાઈ જશે બાદમાં શું થાય છે અને કઇ રીતે થાય છે તે વિગતવાર નીચે મુજબ જાણીએ.

કારણ :

ડિશની અંદર ભરેલા પાણીમાં પ્રજ્વલિત મીણબત્તી ગોઠવ્યા બાદ તેની ઉપર કાચના ગ્લાસને ઊંધો ઢાંકયા બાદ થોડીવાર પછી મીણબત્તી ઓલવાઇ જશે, મીણબત્તી ઓલવાયાના થોડા જ સમયમાં થોડુંક પાણી ડીશમાંથી ગ્લાસમાં પણ ઉપરની તરફ આવશે, મતલબ કે પાણીની સપાટી ઊંચી આવશે, આવું શું કામ થાય છે? ડીશનું પાણી કેમ ઉપર આવે છે તેના કારણ વિશે વિસ્તારે ચર્ચા કરીએ.

મીણબત્તીને પ્રજવલિત કરી તેની ઉપર કાચનો ઊંધો ગ્લાસ ઢાંકો ત્યારે જ્યોતના કારણે ગરમ થયેલી હવા ગ્લાસની નીચેથી બહાર નીકળતી જાય છે. અને આ હવા જેમ જેમ ગ્લાસ નીચેની તરફ ડિશને અડાડો છો તેમ તેમ બહારની તરફ નીકળતી જાય છે.ગ્લાસ ડીશમાં મુકાઈ જાય તે પછી થોડીવારમાં અંદરનો પ્રાણવાયુ ખલાસ થઈ જતાં મીણબત્તી હોલવાય જાય છે. મીણબત્તી હોલવાતા અંદરની હવા ઠંડી થવા લાગે છે. હવા ઠંડી થાય તેમ સંકોચાઇ જાય છે. હવા સંકોચાતા ગ્લાસમાં જે જગ્યા પડે તેમા પાણી ઉપર ચડતું જાય છે. તો આ રવિવારે આ પ્રયોગ અજમાવી જુઓ મજા આવશે.