ગાંધીધામઃ મગફળીના ગોડાઉનમાં ભિષણ આગ, ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે

ગાંધીધામ શહેરના કારગો નજીક મીઠી રોહર સીમમાં આવેલ શાંતિલાલ ગોડાઉનમાં આજે સાંજના અરસામાં એકાએક ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી, ત્યારે આગની જાણ થતાં ફાયર ફાઈટરનો કાફલો ઘટનાસ્થળે ધસી ગયો હતો અને પાણીનો મારો ચલાવ્યો હતો, પરંતુ કલાકો બાદ પણ આગ કાબૂમાં આવી ન હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ આજે સાંજના ૬:૩૦ વાગ્યાના અરસામાં આ દુર્ઘટના સર્જાઈ હતી. ગાંધીધામ તાલુકાના મીઠી રોહર સીમમાં કારગો ઝૂપડા પાછળ આવેલ શાંતિલાલ ગોડાઉન નંબર ૩માં એકાએક આગ ફાટી નીકળી હતી. ત્યારે ગણતરીના સમયમાં આગની લપટો ગાડાઉનમાં રાખેલા મગફળીના જથ્થાને ઘેરી વળી હતી, ત્યારે બનાવની જાણ થતાં ચારથી વધુ ફાયર ફાઈટરનો કાફલો ઘટનાસ્થળે ધસી ગયો હતો.
ગોડાઉનમાં આગની ઘટના બાદ અગ્નિશામક દળોએ પાણીનો મારો ચલાવી અગનજ્વાળા પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો, પરંતુ મોડી રાત સુધી આગ કાબૂમાં ન આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. બીજીતરફ કલાકો સુધી અગનજ્વાળા કાર્યરત રહેતાં ગોડાઉનમાં રાખેલ લાખોનો મગફળીનો જથ્થો બળીને ખાક થઈ ગયો હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું. બીજીતરફ ગોડાઉનમાં રાખેલ મગફળીનો જથ્થો સરકારી હોવાનું જાણવા મળતાં અંજાર પ્રાંત અધિકારી સહિતનો કાફલો બનાવસ્થળે દોડી ગયો હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું