NIFTY 10,121.90 -19.25  |  SENSEX 32,370.04 +-30.47  |  USD 64.8050 +0.55
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • સુરતમાં રેલવે ગુડ્ઝ યાર્ડમાં આગ ભડકતા બે ટન લાકડાં ખાક, ત્રણ કલાકે આગ કંટ્રોલમાં

સુરતમાં રેલવે ગુડ્ઝ યાર્ડમાં આગ ભડકતા બે ટન લાકડાં ખાક, ત્રણ કલાકે આગ કંટ્રોલમાં

 | 9:41 pm IST

સુરત શહેરના દિલ્હીગેટ પાસે આવેલા રેલવે ગુડ્ઝ યાર્ડમાં પડેલા સ્લીપર (રેલવે પાટા વચ્ચે ફિટ કરાતા લાકડા)માં આજે બપોરે ભીષણ આગ ફાટી નીકળી હતી. ફાયર બ્રિગેડની ટીમે ત્રણેક કલાકની જહેમત બાદ આગ કાબૂમાં લઈ લેતા રેલવે લાઈન તરફ પ્રસરતા અટકી હતી. કોઈએ બીડી કે સિગારેટ જેવી સળગતી વસ્તુ ફેંકતા લાકડાંમાં આગ ભડકી ઊઠી હોવાની શક્યતા સેવાઈ રહી છે.

બનાવ અંગેે મળતી માહિતી મુજબ આજે બપોરે ૩ઃ૧૧ વાગે દિલ્હીગેટ પાસે આવેલા રેલવે ગુડ્સ યાર્ડમાં આગ ભડકી ઊઠી હોવાનો કોલ ફાયર બ્રિગેડને મળ્યો હતો. બનાવની જાણ થતા મુગલીસરા, ઘાંચી શેરી અને માનદરવાજા ફાયર સ્ટેશનના લાશ્કરો ઘટનાસ્થળે દોડી ગયા હતા. આગ રેલવે ગુડ્ઝ યાર્ડમાં પડેલા સ્લીપર (રેલવે પાટા વચ્ચે ફિટ કરાતા લાકડાં)માં ફાટી નીકળી હોય ગણતરીના કલાકોમાં વિકરાળ સ્વરૃપ ધારણ કરી લીધું હતું.

ફાયર ઓફિસર રાજેન્દ્ર રાજપૂતે જણાવ્યું હતું કે, એક તરફ રેલવે લાઈન અને બીજી બાજુ પતરાના ગોડાઉન હોય આગ એ દિશામાં પ્રસરવાની ભીતિ હતી. જ્યારે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ચારેબાજુથી પાણીનો મારો સતત ચલાવી ત્રણેક કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાતા આગ રેલવે લાઈન સુધી પ્રસરતા અટકતા હતી જેને કારણે સૌએ રાહતનો દમ લીધો હતો. આગમાં બે ટન જેટલા લાકડાં બળીને ખાક થઈ ગયા હતા.

એક વર્ષ પહેલાં લાગેલી આગની ઘટનામાં તપાસના નામે મીંડું
સૂત્રોએ જણાવ્યું હતું કે, એક વર્ષ પહેલાં પણ આ રીતે ગુડ્સ યાર્ડમાં પડેલા સ્લીપર (રેલવે પાટા વચ્ચે ફિટ કરાતા લાકડાં)માં આગ ફાટી નીકળી હતી. જે ઘટનામાં તપાસ સોંપાયા બાદ મુંબઈ ખાતેથી આવેલા મોટા અધિકારીઓ તપાસ કરી ગયા હતા, પરંતુ હજી સુધી એ તપાસનું કોઈ પરિણામ આવી શક્યું નથી. દરમિયાન આજરોજ ગુડ્ઝ યાર્ડમાં સ્લીપરમાં આગ લાગવાની બીજી ઘટના ઘટી હતી.