આગને પણ બાગમાં ફેરવનારા દિવ્યાંગો - Sandesh
  • Home
  • Supplements
  • Sanskar
  • આગને પણ બાગમાં ફેરવનારા દિવ્યાંગો

આગને પણ બાગમાં ફેરવનારા દિવ્યાંગો

 | 2:58 am IST

વિચારદંગલઃ વસંત કામદાર

આપણા દેશમાં પણ આવા અનેક લોકો છે કે જેમણે આ પ્રકારની વિશિષ્ઠ સિદ્ધિઓ મેળવી છે. ચાલો આપણા જ દેશના આવા કેટલાક વીરલાઓની અસાધારણ વાતો જાણીએ…

ભરતકુમાર

ભરતકુમાર આવી જ એક પ્રતિભા છે. તેમને જન્મથી જ એક હાથની ખોટ હતી. હરિયાણા ખાતે જન્મેલા ભરત કુમારનાં માતા-પિતા દિલ્હીમાં એક નાના મકાનમાં રહે છે અને છૂટક મજૂરીકામ કરે છે. ભરતકુમારનાં શીરે તેમના ત્રણ નાના ભાઈ બહેનોને ઉછેરવાની જવાબદારી પણ છે. તેમને નાનપણથી જ તરવાનું ઘેલું હતું. તેઓ નાના હતા ત્યારે નદીમાં ભેંસનું પૂંછડું પકડીને તરતાં શીખ્યા હતાં કારણ કે તેમના મા-બાપ પાસે તેમને સ્વીમિંગ પુલમાં મોકલવાના રૂપિયા નહોતા. તેમણે કોઈપણ ભોગે દિલ્હીનાં જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે તરવાની પ્રેક્ટિસ શરૂ કરી. તેમને સ્પર્ધાઓમાં મોકલી શકે એવા કોઈ સ્પોન્સર્સ પણ તેમને ના મળ્યા. આવી અઘરી સ્થિતિમાં હાર માની લેવાનાં બદલે તેમણે ખંતથી પોતાની ધગશ જાળવી રાખી અને આખરે લાચારી ઉપર વિજય મેળવી બતાવ્યો.

ડિસે. ૧૦ ૧૯૮૯નાં રોજ જન્મેલા ભરતકુમારે પેરા સ્વીમિંગ સ્પર્ધામાં ૫૦ મેડલ જીતીને ભારતને બહુ મોટંુ ગૌરવ અપાવ્યું છે. તેમણે બે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ જીતી છે. તેમણે ઈંગ્લેન્ડ, આર્યલેન્ડ, હોલેન્ડ, મલેશિયા તથા ચીન જેવાં દેશોની તરણ સ્પર્ધાઓમાં ભાગ લીધો છે. તેમણે ભારતમાં પણ નાની-મોટી ૪૦ જેટલી સ્પર્ધાઓ જીતી બતાવી છે.

જો કે એક અનધિકૃત અહેવાલ મુજબ હાલમાં ભરતકુમારની આર્થિક સ્થિતિ ઘણી જ કથળી છે અને તેઓ કાર ધોઈને પોતાનું ગુજરાન ચલાવે છે. તેમણે તેમને મળેલા ઘણા બધા ચંદ્રકો વેચી કાઢયા છે તેમ છતાં તેઓ હિંમત હાર્યા નથી. તેમની હજુએ ખ્વાહીશ છે કે આવનાર સમયમાં તેઓ આથી પણ વધારે સિદ્ધિઓ મેળવી બતાવશે અને દેશને વધારે ગૌરવ અપાવશે.

સુધા ચંદ્રન

સપ્ટેમ્બર ૨૭, ૧૦૬૫ના રોજ જન્મેલાં આપણા દેશનાં જાણીતા નર્તકી અને અદાકાર સુધા ચંદ્રનનું નામ તો કોણ નહીં જાણતું હોય! જૂન ૧૯૮૧માં કેવળ ૧૭ વર્ષની કાચી વયે મુંબઈથી ચેન્નાઈ જતા તેમને અકસ્માત નડયો અને તેમનો ડાબો પગ ગેંગરીન થતાં કપાવવો પડયો. તેમની જગ્યાએ બીજી કોઈ છોકરી હોય તો કદાચને જીવનથી હતાશ થઈને આપઘાત કરવાનું વિચારી લે. પણ સુધાજીએ તો જયપુર ખાતે તૈયાર થતાં કૃત્રિમ પગની સહાયથી અતિશય અઘરી એવી ભરત નાટયમ નૃત્યની તાલીમ શરૂ કરી અને સમય જતાં તેમાં નોંધપાત્ર પ્રવિણતા પણ મેળવી.

તેમનાં જીવન ઉપરથી હિન્દીમાં “નાચે મયૂરી” નામની એક ફિલ્મ પણ બની. જેમાં તેમણે પોતે એક નૃત્યાંગનાની ભૂમિકા અદા કરી છે. તેમની આ ફિલ્મને ૧૯૮૬માં નેશનલ ફિલ્મ એવોર્ડસ ખાતે સ્પેશિયલ જયુરી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. મૂળ તેલુગુમાં બનેલી એ ફિલ્મ હિન્દી ઉપરાંત તામિલ અને મલયાલમમાં પણ ડબ થઈ અને એ પ્રયાસને પણ ભારે લોક ચાહના પ્રાપ્ત થઈ. ઉલ્લેખનીય છે કે તેમણે કહીં કીસી રોજ, નાગીન તથા સાથિયા સાથ નિભાના ફિલ્મની તમિલ રીમેક જેવી અનેક ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે. તેમને સમગ્ર વિશ્વમાંથી સન્માન પ્રાપ્ત થયા છે. તેમણે “હમ પાંચ” જેવી અનેક લોકપ્રિય ટીવી સીરિયલોમાં અભિનય પણ આપ્યો છે.

તેમણે ભારત ઉપરાંત સાઉદી અરેબિયા, અમેરિકા, યુ.કે., કેનેડા, યુ.એ.ઈ.કતાર, કુવૈત, બહેરીન તથા યમન જેવાં અનેક દેશોમાં નૃત્યનાં સફળ કાર્યક્રમો આપી દેશનું ગૌરવ વધાર્યું છે. તેમની જીવન વારતાને પ્રાથમિક શિક્ષણનાં પાઠય પુસ્તકમાં સ્થાન મળ્યું છે જે તેમની સહુથી મોટી ઉપલબ્ધિ ગણી શકાય તેમ છે.

અરૂનીમા સિન્હા

લખનૌનાં આંબેડકર નગર વિસ્તારમાં જન્મેલાં અરૂનીમા સિન્હા ભારતનાં જાણીતા વોલીબોલ અને ફૂટબોલ પ્લેયર હતાં. એક દિવસ તેઓ ટ્રેનમાં મુસાફરી કરતાં હતાં ત્યારે કેટલાક અસામાજિક તત્ત્વો સાથે તેમને મૂઠભેડ થઈ અને તેમને ચાલુ ગાડીએ ફેંકી દેવામાં આવ્યા. આ દુર્ઘટનામાં તેમણે તેમનો ડાબો પગ ગુમાવી દીધો. તેમની અપંગત સાથે બીજો એક આઘાત તેમના પારિવારિક જીવનમાં પણ આવ્યો. તેમણે છૂટાછેડા જેવી અત્યંક તણાવગ્રસ્ત સ્થિતિમાંથી પણ પસાર થવું પડયું. તેમણે આ સ્થિતિમાં હતાશ થવાના બદલે પ્રતિકૂળતાઓ સામે લડવાનો નિૃય કર્યો. તેમણે અપાર મહેનત કરીને સી.આઈ.એસ.એફમાં હેડ કોન્સ્ટેબલની નોકરી મેળવી. તેમણે ઉત્તર કાશી ખાતે આવેલી વનહેરુ ઈન્સ્ટિટયૂટ ઓફ માઉન્ટેનીયરિંગ ખાતે પર્વતારોહણની તાલીમ મેળવી. અહીં તેમની મુલાકાત એવરેસ્ટ સર કરનાર પ્રથમ મહિલા બચેન્દ્રી પાલ સાથે થઈ અને તેમનાં પ્રોત્સાહન થકી અરૂનીમાજીએ મે ૨૧,૨૦૧૩ના રોજ એક અકલ્પનીય સિદ્ધિ મેળવી બતાવી.

આપણે ત્યાં સંસ્કૃતનો એક જાણીતો શ્લોક છે જેનાં શબ્દો કંઈક આવા છેઃ મુકમ કરોતિ વાચાલમ..પંગુ લંઘયતે ગીરી…યત કૃપા તમ હમ વંદે પરમાનંદમ માધવમ. એટલે કે પરમેશ્વરની જે કૃપા થકી મૂંગા બોલતા થાય છે અને લંગડા પર્વત ઓળંગતા થાય છે તેને અમે વંદન કરીએ છીએ. આ શ્લોકને સાર્થક કરી બતાવતા અરૂનીમાજીએ કૃત્રિમ પગની સહાયથી આપણા દેશનો ધ્વજ ફરકાવીને સમગ્ર ભારતને ગૌરવ અપાવ્યું. તેમની આ અકલ્પનીય સિદ્ધિની સમગ્ર વિશ્વએ નોંધ લીધી.

જો કે આ સિદ્ધિ પણ તેમને કંઈ સરળતાથી મળી નહોતી. એવરેસ્ટનાં આરોહણ દરમિયાન અધવચ્ચે તેમનો ઓક્સિજન સિલિન્ડર ખાલી થઈ ગયો. આ કટોકટીની પળોમાં તેમના ઘરવાળાઓ તથા મિત્રોએ તેમને સાહસ પડતું મૂકીને પરત ફરી જવાની અનેક વિનંતીઓ કરી, પરંતુ તેમણે પોતાનું મનોબળ જાળવી રાખતાં સાહસને ભારે હિંમતપૂર્વક પૂર્ણ કર્યું.

પ્રીતિ શ્રી નિવાસન

૧૯૭૯માં જન્મેલાં પ્રીતિ શ્રી નિવાસન તામિલનાડુની મહિલા ક્રિકેટ ટીમનાં સુકાની હતાં અને તેમના નેતૃત્વ હેઠળ તામિલનાડુની ટીમે અંડર-૧૯ રાષ્ટ્રીય સ્પર્ધા જીતી લીધી હતી. તેઓ ખૂબ સારા તરવૈયા પણ હતાં…

તેમણે અમેરિકાનાં પેનસિલ્વેનીયા ખાતે આવેલી અપર મેરીઓનાં હાઈસ્કૂલમાંથી જવલંત પરિણામ સાથેનું શિક્ષણ મેળવ્યું હતું. ધોરણ ૧૨માં તેઓ અમેરિકાનાં પ્રથમ ૨% વિદ્યાર્થીઓમાં સ્થાન મેળવનાર ભારતીય બન્યા હતા. અને તેમને અમેરિકન સરકારે પુરસ્કારથી સન્માનિત પણ કર્યાં હતાં. ઉચ્ચ શિક્ષણ મેળવ્યા બાદ તેઓ ભારત પરત આવ્યા, પરંતુ ઈશ્વર પિતાની તેમનાં જીવનને માટે કોઈ જુદી જ યોજના હતી. કેવળ ૧૮ વર્ષની ઉંમરે તા. ૧૧ જુલાઈ ૧૯૯૮નાં રોજ તેમને લકવાનો હુમલો આવ્યો અને તેમણે વ્હીલચેરમાં જીવન વીતાવવાનાં દિવસો આવી ગયાં. અન્ય કોઈ સ્ત્રી આ સ્થિતિમાં જીવવાની હિંમત ગુમાવી દે, પરંતુ પ્રીતિએ હિંમત જાળવી રાખીએ એક સંસ્થાની સ્થાપના કરી. એમની સંસ્થા “સોલ ફ્રી” ના નામથી ઓળખાય છે અને એ અપંગ બની ગયેલા લોકોનાં જીવનોમાં રસ લઈને તેમને પગભર કરવાનું કામ કરે છે.

આ ઉપરાંત તેઓ વિશ્વનાં જુદા જુદા દેશોનો પ્રવાસ કરીને દિવ્યાંગ ભાઈ-બહેનોને જોમ અને જુસ્સો પૂરો પાડતા સંદેશાઓ આપે છે.

તેમને અનેક ખિતાબોથી સન્માનિત કરવામાં આવ્યા છે. જેમાં તામિલનાડુનાં મુખ્યમંત્રી દ્વારા એનાયત કરવામાં આવેલ કલ્પના ચાવડા એવોર્ડનો પણ સમાવેશ થાય છે.

[email protected]