ફાયરિંગ કરી શાળામાંથી શિક્ષકનું અપહરણ, ગામલોકોએ પથ્થરમારો કરી છોડાવ્યો - Sandesh
  • Home
  • Mehsana
  • ફાયરિંગ કરી શાળામાંથી શિક્ષકનું અપહરણ, ગામલોકોએ પથ્થરમારો કરી છોડાવ્યો

ફાયરિંગ કરી શાળામાંથી શિક્ષકનું અપહરણ, ગામલોકોએ પથ્થરમારો કરી છોડાવ્યો

 | 1:47 am IST

। ખેરાલુ ।

મહેસાણાના સતલાસણા, હડોલ પ્રાથમિક શાળાના શિક્ષક હિતેશ પટેલના સોશિયલ મીડિયાથી એક ત્યકતા યુવતી સાથે પ્રેમ સંબંધો બંધાયા હતા. બાદમાં તે બંનેના લગ્ન થયા હતા. યુવતીએ તેના પૂર્વ પતિ ભાવેશને છૂટાછેડા આપ્યાં હતા જેને લઇ ભાવેશે શિક્ષક હિતેશની પ્રાથમિક શાળામાં જઇ બંદૂક વડે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી ચપ્પુ બતાવીને હિતેશનું અપહરણ કરી ભાગી છૂટયા હતા. જોકે ગામ લોકોને આ હુમલા અને અપહરણની જાણ થતાં તુરંત જ પોલીસ કંટ્રોલરૂમને જાણ કરાઇ હતી. ગામલોકો દ્વારા અપહૃત શિક્ષકને છોડાવી અપહરણ કર્તાની ગાડી પર પથ્થરમારો કરાયો હતો જેમાં ૩ જેટલા અપહરણકર્તા ઘવાયા હતા.

ઘટના દરમિયાન અપહરણ કર્તાઓના સકંજામાંથી મુક્ત કરી તમામ પાંચેય આરોપીઓને બાનમાં લેતા ગાડી પર પથ્થરમારો કરતા આરોપીઓ ઇજાગ્રસ્ત થયા હતા. ત્યાં જ પોલીસ આવી જતા આરોપીઓને પબ્લિકના રોષથી છોડાવી પાંચેય આરોપીઓની અટકાયત કરી છે. આમ મહેસાણાના સતલાસણા હડોલ પ્રાથમિક શાળાના શિક્ષક સાથે ફાયરિંગ કરી અપહરણ કરવાની ઘટનામાં સદનસીબે શિક્ષકનો જીવ બચાવી લેવાયો છે.

ઇન્ચાર્જ પી.આઇ. જી.એ. સોલંકી અને પી.એસ.આઇ. તારાબાવાળાએ  પાંચ આરોપીઓ (૧) અજયગીરી મહેશગીરી (૨) વિજયગીરી મહેશગીરી (૩) પટેલ ભાવેશકુમાર ભીખાલાલ (૪) સોલંકી જગદીશભાઇ રમેશભાઇ (૫) યશવંતસિંહ વખતસિંહને ગામ લોકોની મદદથી ઝડપી પાડયા હતાં.

મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં છાસવારે સરકારી શાળાઓમાં ગંભીર ઘટનાઓ બનવા પામી છે એક તરફ શિક્ષક દ્વારા વિર્દ્યાિથની પર દુષ્કર્મની ઘટના તો ક્યાંક અન્ય એક શિક્ષક પત્નીના ત્રાસથી આપઘાત કરવાની ઘટના સાથે આજે વધુ એક ઘટનાથી શિક્ષણ જગતમાં ભારે ચર્ચાઓ પ્રસરી જવા પામી છે સાથે જ શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓના માનસ પર આવી ઘટનાઓને પગલે માઠી અસર પડી શકે છે.

ડી.વાય.એસ.પી. વાઘેલાએ સંદેશને જણાવ્યું હતું કે હડોલના શિક્ષક હિતેશભાઈ બળદેવભાઈ પટેલે બે માસ પહેલાં એક ત્યકતા યુવતી સાથે લગ્ન કરેલ હતું. ત્યકતાના પૂર્વ પતિ ભાવેશ તથા અન્ય ચાર વ્યકિત સાથે મળીને શિક્ષક હિતેશભાઈનું શાળામાંથી અપહરણ કરી હથિયાર બતાવીને ભાગી છુટયા હતા. જે ટીમ્બા સુધી આવતાં ગ્રામજનોએ પથ્થરમારો કરી ગાડીને હડોલ નદી સુધીમાં પહોંચી તે સમયે પોલીસ પહોંચી જતાં ગ્રામજનોના હાથમાંથી પાંચ આરોપીઓને છોડાવીને અટક કર્યા હતા.

;