મક્કમ મનોબળથી ફરી પગ ઉપર ઊભો થનારો બ્રુસ જેનર - Sandesh
  • Home
  • Kids Corner
  • મક્કમ મનોબળથી ફરી પગ ઉપર ઊભો થનારો બ્રુસ જેનર

મક્કમ મનોબળથી ફરી પગ ઉપર ઊભો થનારો બ્રુસ જેનર

 | 12:03 am IST

મહાનુભાવ :- રિદ્ધિ મહેશ્વરી

જે રીતે મુસીબત આવી ચૂકી હતી, તેના ખ્યાલમાત્રથી બ્રુસના પેટમાં એક વિચિત્ર ધ્રાસકો પડી ગયો હતો. તેને સમજાઈ ગયું હતું કે આવનારા સમયમાં બહુ ખરાબ કે ખોટું થવાનું છે. ગ્રેસલેન્ડ કોલેજનો ફૂટબોલ પ્લેયર, બ્રુસ જેનર સમજી ગયો હતો કે હવે તેના માટે સ્પોર્ટ્સ એક સ્વપ્ન બની જવાનું છે. સ્પોર્ટ્સ સિઝનના ત્રણ જ મહિના પહેલાં બનેલા બનાવ પછી તેના ગોઠણના ઘવાયેલ સ્પોટ પર કામચલાઉ લીગામેન્ટ (હાડકાંઓને જોડતો સ્નાયુ) લગાવવામાં આવ્યો હતો.

ડોક્ટરોના કહેવા મુજબ, ગોઠણનું ઓપરેશન શક્ય હતું, તેથી ત્વરિત નિર્ણય લઈને જાન્યુઆરી ૧૯૬૯માં ડેનબરી, કનેક્ટિકટમાં તેના ગોઠણની સર્જરી કરવામાં આવી. ઓપરેશન ટેબલ પર જ્યારે બ્રુસ એનેસ્થેસિયાની અસર હેઠળ આવી રહ્યો હતો, ત્યારે તેણે ત્યાં ઊભેલા સર્જ્યનને કહ્યું- ‘તમારા કાર્યને શ્રેષ્ઠ અંજામ આપશો, મારે ગોઠણની જરૂર છે.’ આ હતું બ્રુસનું પોતાની રમત પ્રત્યેના લગાવનું શ્રેષ્ઠ ઉદાહરણ. ઓપરેશન સફળ નીવડયું. સાત અઠવાડિયાંના હોસ્પિટલ રોકાણ પછી જ્યારે બ્રુસ બહાર આવ્યો, ત્યારે રિહેબિલિટેશન (ફરીથી ક્રિયાશીલ થવા માટેની પ્રક્રિયા) તેની વાટ જોતું જ ઊભું હતું. ઓપરેશન થયેલો ગોઠણ એટલી હદે પીડા આપતો હતો કે ફૂટબોલને કિક મારવાની કોશિશ કરે તો એવું લાગે કે જાણે ફૂટબોલ નક્કર સિમેન્ટનો બનેલો હોય. પરંતુ તેના કોચની સતત દેખભાળ અને પ્રોત્સાહનથી બ્રુસે જાતજાતની કષ્ટદાયક કસરતો ચાલુ જ રાખી, એક જ ધ્યેય હતું. ફરી એ જ જોમ અને જુસ્સા સાથે મેદાને ઊતરવું.

સોળ મહિનાના લાંબા અંતરાલ પછી બ્રુસે ગ્રેસલેન્ડમાં બાસ્કેટબોલ રમવા પગ મૂક્યો. બ્રુસે ડેકેથલોન (દરેક સ્પર્ધક એથ્લિટ પોતાની સ્પર્ધા સમયે બે દિવસની મુશ્કેલ રમતોમાં ભાગ લે છે જેને ડેકેથલોન કહેવામાં આવે છે, તેમાં એકસાથે ૧૦ રમતો હોય છે તે)માં પણ ભાગ લીધો. જેની પાછળનો બ્રુસનો હેતુ હતો કે પોતે પોતાની અસલ રમતની શક્તિ અને આવડત પાછી મેળવી શકે.

આઠ વર્ષ પછી સતત કલાકોના કલાકો સુધી જાતજાતની સખત કસરતો, ટ્રેનિંગ, ફિટનેસ પ્રોગ્રામ વગેરેના પ્રતાપે તેણે મોન્ટ્રિઅલ ઓલિમ્પિક ૧૯૭૬માં ડેકેથલોન જીતી લીધી.

ઉત્તમ ઓલરાઉન્ડર તરીકે પોતાની પ્રતિભા દુનિયાને દેખાડનાર બ્રુસ કહે છે, ‘મને કાયમ લાગે છે કે મારી તાકાત શારીરિક ક્ષમતામાં નથી, ખરી તાકાત તો મારી માનસિક ક્ષમતાની છે.’

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન