પ્રથમ બાળકના મિત્ર બનો,માતાપિતા પછી - Sandesh

પ્રથમ બાળકના મિત્ર બનો,માતાપિતા પછી

 | 2:03 am IST

ખુલ્લી વાત :- અમિતા મહેતા

બાળકોમાં ઉંમર અને વાતાવરણને કારણે આવતું પરિવર્તન ખુદ બાળક અને પેરેન્ટ્સ બંને માટે પડકાર રૂપ છે. પેરેન્ટ્સ જ્યારે બાળકનાં વર્તનને સમજી ન શકે ત્યારે ગુસ્સો કરે છે. શિખામણ આપે છે અથવા ખોટું મૂલ્યાંકન કરે છે. જેની અવળી અસર રૂપે બાળક પેરેન્ટ્સ સાથે મનની વાત શેર કરવાની બંધ કરી દે છે. વાત શેર ન કરવાના માર્ગદર્શનના અભાવે બાળક વધારે મૂંઝવણ અનુભવશે. બાળક પેરેન્ટ્સથી અંતર ન બનાવે એ માટે કેટલીક બાબતે કાળજી રાખવી જરૂરી છે.

બાળકોને પોતાના પેરેન્ટ્સની જેટલી જરૂર છે એટલી જ જરૂર પર્સનલ સ્પેસની પણ છે એમને એટલી આઝાદી જરૂર આપો કે એ ખુદના નાનાનાના નિર્ણયો જાતે લઇ શકે. એનાથી બાળકમાં આત્મવિશ્વાસ વધશે. બાળક ભૂલ કરે તો એને માર્ગદર્શન આપો પરંતુ એ ખોટો છે એવું ઠસાવવાની કોશિશ ન કરો. અમારી વાત માનતા નથી એટલે આમ થયું એવા ઉપાલંભ બાળકના મોરલને તોડે છે. એમને ખબર હોય કે પેરેન્ટ્સ નેગેટિવ રિએક્શન આપશે તો પણ તેઓ પેરેન્ટ્સને કશું કહેવાનું ટાળશે. તેઓ માને છે કે પેરેન્ટ્સને વાત કરવી બેકાર છે. ચૂપકીદીને પોતાનું હથિયાર બનાવી વિરોધ દર્શાવશે.

  • અમુક ઉંમર પછી બાળક પર વારંવાર ગુસ્સો કરવો, એકાદ થપ્પડ મારવી, અપમાનજનક શબ્દો બોલવા એ ભૂલભરેલું છે. પહેલી ભૂલ વખતે ભૂલનું વિશ્લેષણ કરી બાળકને માત્ર કારણ સમજાવો, બીજી ભૂલ વખતે બાળક પોતે એ માટે કઇ રીતે જવાબદાર છે તે સમજાવો તેમ છતાં એ જ ભૂલનું કે ખોટા વર્તનનું પુનરાવર્તન કરે તો કડક શબ્દોમાં કહો. એનાં ખરાબ પરિણામ તરફ અંગુલિનિર્દેશ કરો. આજુબાજુનાં ઉદાહરણ રજૂ કરો. પણ મારવું કે એનું મોરલ ડાઉન થાય એ રીતે વાત ન કરો. અગર ગુસ્સામાં કશું બોલાઈ જાય તે પાછળથી સ્પષ્ટીકરણ કરીને વાતને ત્યાં પૂરી કરો. એક ઇશ્યૂને અન્ય બાબતથી પ્રભાવિત ન થવા દો.
  • જેમજેમ બાળકો મોટાં થતા જાય એમ પેરેન્ટ્સની આશાઓ વધતી જાય છે. તેઓ પોતાની અધૂરી ઇચ્છાઓ એમના દ્વારા પૂરી કરવા ઇચ્છે છે અને જ્યારે બાળકો પોતાની આશા પૂરી નહીં કરી શકે ત્યારે પેરેન્ટ્સથી એક અંતર બનાવી લે છે. અહીંથી સંવાદહીનતાનો સિલસિલો શરૂ થાય છે. અગર બાળક આ કારણસર ચૂપ છે તો તમારી આશાઓના પનાને થોડો ટૂંકો કરો.
  • મોટાભાગનાં પેરેન્ટ્સ બાળકોની તુલના એમનાં બીજા ભાઇ-બહેન કે મિત્રો સાથે કરે છે. અને પછી બાળકની હાજરીમાં જ સગાં-સંબંધીઓ સામે બાળકની કમી અને ખૂબીની ચર્ચા કરે છે. દરેક બાળકની ક્ષમતા અને સામર્થ્ય અલગ-અલગ હોય છે. પેરેન્ટ્સે ધ્યાન રાખવું જોઇએ કે વધારે પડતી પ્રશંસા અને ટીકા બંને બાળક માટે ઘાતક છે. પેરેન્ટ્સનું કર્તવ્ય છે કે બાળકમાં જે ક્ષમતા છે એને નિખારવામાં એમની મદદ કરે. એને અહેસાસ કરાવો કે તેઓ જીવનના દરેક તબક્કે એમની સાથે છે. આ અહેસાસ એમની અસલામતી અને લઘુતાગ્રંથિ બંનેને તોડશે.
  • સિંગલ ચાઇલ્ડનો વધતો જતો કન્સેપ્ટ અને ર્વિંકગ પેરેન્ટ્સ હોવાને કારણે બાળકો મેઈડના ભરોસે મોટાં થાય છે. સુરક્ષાની દૃષ્ટિએ મા-બાપ બાળકને ઘરની બહાર જવા દેતાં નથી. પેરેન્ટ્સ પાસે બાળકની વાત સાંભળવાનો સમય નથી હોતો. આ બધાં કારણસર બાળકનું વર્તુળ સીમિત રહે છે અને એ મનની વાત સરળતાથી કે આત્મવિશ્વાસથી જણાવવામાં સંકોચ અનુભવે છે.
  • વૈજ્ઞાનિકોના મતાનુસાર ભાવનાઓ વ્યક્ત ન કરવાની સ્થિતિ બાળકને પોતાના કોચલામાં જ પૂરી દે છે. બની શકે મોટા થયા પછી એમનામાં પરિવર્તન આવે પરંતુ એ માટે એ બહારના લોકો સાથે હળીમળીને પોતાનો સંકોચ દૂર કરે એ જરૂરી છે. મનમાં ને મનમાં દબાયેલી લાગણી જ્યારે લાવા બનીને બહાર આવે ત્યારે પરિણામ ખૂબ જ ભયંકર આવી શકે. મમ્મી ર્વિંકગ વુમન હોય કે ન હોય બાળક અન્ય હમઉમ્રના લોકો સાથે હળે-મળે અને પોતાની વાત કહેતાં શીખે એ આવશ્યક છે.
  • બાળક અગર અચાનક ચૂપ રહેવા માંડે તો પેરેન્ટ્સે એ જાણવાની કોશિશ કરવી જોઇએ કે ક્યાંય બાળક સાથે ચાઇલ્ડ એબ્યૂઝ તો નથી થયું. થયું હોય તો તેનો હલ શોધવાની શરૂઆત પેરેન્ટ્સે કરવી જોઈએ. તે પેરેન્ટ્સથી જ ખતમ થશે. અગર બાળક આવી કોઇ વાત કરે તો એને ગંભીરતાથી લો. ઘણી વખત બાળક કોઇ એવી વ્યક્તિ વિશે વાત કરે કે જેના માટે પેરેન્ટ્સને ખૂબ વિશ્વાસ હોય. પણ આવી નાજુક બાબતે પેરેન્ટ્સ અન્ય વ્યક્તિ કરતાં પોતાના બાળક પર ભરોસો મૂકે. અગર બાળક આવી બાબતે ખોટુ બોલે એવું લાગે તો પણ પૂરતી તપાસ કર્યા વિના બાળક પર અવિશ્વાસ ન મૂકો.
  • બાળકનું મૌન તોડવા માટે ઘરમાં ખુશનુમા વાતાવરણ રાખો. એને બહાર ફ્રવા લઇ જાવ, મિત્રોને ઘરે બોલાવો, બાળકની સાથે ગેમ્સ રમો. સ્ટોરી કરીને પ્રશ્નો પૂછો. ટૂંકમાં, બાળક ઇન્વોલ્વ થઇને બોલે એ માટે સતત પૂરતાં પ્રયત્ન કરો. ખાસ તો તેને મિત્રો સાથે રહેવા દો.
  • મે બી, સ્કૂલમાં ક્લાસમેટ કે ટીચર્સનું વર્તન પણ બાળકને પરેશાન કરી શકે. જેમ કે, ટીચર દ્વારા કરાતો પક્ષપાત કે અન્ય બાળકોનું કોઇ ઉપનામ પાડી ચીડવવું, આવી બાબતોથી બાળકનું ધ્યાન ડાયવર્ટ કરવાનો પ્રયત્ન કરો.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન