First Lungs Donated In Gujarat From Surat, New Life given to 7 People
  • Home
  • Featured
  • રાજ્યમાં સુરતથી થયું સૌપ્રથમ ફેફસાનું દાન, અડાજણનાં યુવકે 7 વ્યક્તિને આપ્યું નવજીવન

રાજ્યમાં સુરતથી થયું સૌપ્રથમ ફેફસાનું દાન, અડાજણનાં યુવકે 7 વ્યક્તિને આપ્યું નવજીવન

 | 11:05 pm IST

સુરતીઓ અંગદાનમાં પણ રાજ્યભરમાં અવ્વલ છે. રાજ્યમાં હૃદયનું સૌપ્રથમ દાન કરનાર સુરતે ફેફસાંનું પણ સૌપ્રથમ દાન કરી ઉદારતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે. અડાજણનાં બ્રેઇનડેડે વ્રજેશ શાહે હૃદય, કિડની, લિવર અને ચક્ષુનું દાન કરવા સાથે સાથે ફેફસાંનું દાન કરી સમાજને નવી રાહ ચીંધી છે. સુરતથી બેંગ્લોરનું 1293 કિલોમીટરનું અંતર 195 મિનિટમાં કાપી ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે. આ સાથે જ યુવકે સાત-સાત વ્યક્તિઓને નવજીવન બક્ષ્યું છે.

અડાજણ કેનાલ રોડ પર રહેતા વ્રજેશ નવિનચંદ્ર શાહ (ઉ.વ.૪૨) આઇ.ટી. ટ્રેનિંગ એકેડમી ચલાવતા હતા. ગત 12મી તારીખનાં રોજ તેમને માથામાં દુખાવો ઉપડયો હતો, તેથી યુનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાત્રે ખેંચ આવતા સિટી સ્કેન કરાવાતા મગજની નસ ફાટી જવાથી લોહી જામી ગયું હોવાનું નિદાન થયું હતું. ત્યારબાદ 15મી મેના રોજ ન્યૂરોસર્જન ડો.ધવલ પટેલ અને ફિઝિશિયન સી.ડી.લાલવાની અને ફિઝિશિયન સમીર ગામીએ યુવકને બ્રેઇનડેડ જાહેર કર્યા હતા. યુવકને બ્રેઇનડેડ જાહેર કરતા યુનિકનાં તબીબ ડો.સમીર ગામીએ ડોનેટ લાઇફનાં પ્રમુખ નિલેશ માંડલેવાલાનો સંપર્ક કરી માહિતી આપી હતી.

દરમિયાન માંડલેવાલાએ હૉસ્પિટલ પર આવી વ્રજેશનાં પરિવારજનોને અંગદાનના મહત્ત્વ વિશે માહિતી આપી અંગદાન કરવા સમજાવ્યા હતા. દરમિયાન પરિવાજનો અંગદાન માટે તૈયાર થતાં અમદાવાદની સંસ્થાનો સંપર્ક કરી કિડની અને લિવરનું દાન કરવા જણાવ્યું હતું. જ્યારે ગુજરાતની હોસ્પિટલમાં હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ માટે કોઇ દર્દી નહીં હોવાથી મુંબઇની હોસ્પિટલ અને ફેફસાંના દાન માટે બેંગ્લોરની હોસ્પિટલને જાણ કરાઇ હતી. દરમિયાન મુંબઇની ફોર્ટીસે હૃદયનું દાન અને બેંગ્લોરની બીજીએસ ગ્લોબલ હોસ્પિટલે ફેફસાંનું દાન સ્વીકાર્યુ હતું. જ્યારે આંખનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુબેંકનાં પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યુ હતું. હવે ફેફસાંનું તાત્કાલિક ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય તે માટે સુરતથી ફેફસાંને બેંગ્લોર સુધી 1293 કિમીનું અંતર 195 મિનિટમાં કાપી અશોક ચૌધરી નામનાં વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. જ્યારે હૃદય સુરતથી મુંબઇ સુધીનું 269 કિલોમીટરનું અંતર 90 મિનિટમાં કાપી સુરતનાં જ રહેવાસી પ્રકાશ શાંતિલાલ શાહનું હૃદય ધમકતું કર્યુ હતું. તેવી જ રીતે કિડની અમદાવાદનાં રહીશ અને લિવર ઊંઝાનાં રહેવાસી ઇન્દુબેન પટેલમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું.

સુરતમાંથી 22 હૃદયનું દાન થયું

સુરતમાંથી અત્યાર સુધીમાં 22 હૃદયનું દાન કરાયું છે. જ્યારે 291 કિડની, 121 લિવર, 7 પેન્ક્રીઆસ, 2 ફેફસાં અને 238 ચક્ષુઓનું દાન મેળવી નવજીવન બક્ષ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન