First Time Chandrayaan-2 India will Lay Feet On The Moon Tonight
 • Home
 • Featured
 • આજે ભારતનું ચંદ્રયાન-2 ચંદ્રની ધરતી પર પગ મૂકીને રચશે ઇતિહાસ, જાણો તેની જાણી અજાણી વાતો

આજે ભારતનું ચંદ્રયાન-2 ચંદ્રની ધરતી પર પગ મૂકીને રચશે ઇતિહાસ, જાણો તેની જાણી અજાણી વાતો

 | 8:00 am IST

ચંદ્રયાન-૨ દુનિયાનું એવું પહેલું યાન રહેશે જે ચંદ્રની ધરતીના દક્ષિણ ધ્રુવ પર ઊતરશે. આ પહેલાં ચીનના કે. ચાંગ ઈ-૪ યાને દક્ષિણ ધ્રુવથી ઘણી દૂર લેન્ડિંગ કરી હતી. આ ક્ષેત્ર અત્યાર સુધી વૈજ્ઞા।નિકો માટે અજાણ છે. ચંદ્રના બાકીના હિસ્સાની તુલનામાં અહીં અંધારું હોવાથી આ વિસ્તારમાં બરફના રૂપમાં પાણી હોવાની સંભાવના વધારે છે. જો ચંદ્રયાન-૨ ચંદ્રની ધરતી પર બરફની શોધ કરે તો આ વિસ્તારમાં માનવોને રહેવા લાયક જગ્યા બનાવવાની સંભાવના વધી જશે અને ત્યાં બેઝ કેમ્પ બનાવી શકાશે. વળી આ સાથે અંતરિક્ષમાં નવી શોધખોળ કરવાનો રસ્તો પણ ખૂલી જશે.

આ કારણોસર ભારતનું મિશન ચંદ્રયાન મહત્ત્વનું છે

ઈસરો દ્વારા ચંદ્રયાન-૨ લોન્ચ કરવામાં આવી રહ્યું છે તે ભારતનું બીજું મૂન મિશન છે. આ મિશન દ્વારા પહેલી વખત ભારત ચંદ્ર ઉપર લેન્ડર અને રોવર ઉતારશે. ચંદ્રની સપાટી, વાતાવરણ, વિકિરણ અને તાપમાનોનું ગંભીરતાથી અધ્યયન કરવામાં આવશે. આ અભિયાન પાછળ ઈસરોના વૈજ્ઞાનિકોએ પોતાના ૧૧ વર્ષ પસાર કર્યા છે. સમગ્ર રીતે સ્વદેશી ચંદ્રયાન-૨ ભારત માટે અત્યંત મહત્ત્વનું છે.

ઈસરો દ્વારા જ તૈયાર આ મિશન સંપૂર્ણ સ્વદેશી છે

૧૫ જુલાઈના રોજ પરોઢિયે ૨:૫૧ કલાકે જીએસએલવી એમકે-૩ રોકેટ ચંદ્રયાન-૨ને લઈને ચંદ્ર તરફ આગળ વધશે. આ ચંદ્રયાન-૨ ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર લેન્ડિંગ કરશે. આ સાથે જ ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર લેન્ડ કરનારો પહેલો અને ચંદ્રની ધરતી ઉપર લેન્ડ કરનારો વિશ્વનો ચોથો દેશ બની જશે. આ પહેલાં અમેરિકા, રશિયા અને ચીને પોતાના યાન ચંદ્રની સપાટી ઉપર મોકલ્યા છે. અત્યાર સુધીમાં કોઈપણ દેશનું યાન ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર ગયું નથી. આ ઉપરાંત મિશન ચંદ્રયાન-૨ પહેલું એવું મિશન હશે જેનું સુકાન બે મહિલાઓ, પ્રોજેક્ટ ડાયરેક્ટર એમ. વનિતા અને મિશન ડાયરેક્ટર રિતુ કરિઘાલ પાસે છે. આ મિશન સંપૂર્ણ સ્વદેશી છે, જેને ઈસરો દ્વારા જ તૈયાર કરવામાં આવ્યું છે.

ચંદ્રમાનો દક્ષિણ ધ્રુવ

ચંદ્રની ધરતી પરના દક્ષિણ ધ્રુવ પર કોઈ અવકાશયાત્રી ઊભો રહે તો તેને સૂર્ય ક્ષિતિજ રેખા પર દેખાશે. તે ચંદ્રની સપાટીને લાગીને ચમકતો નજરે પડશે. સૂર્યનાં કિરણો દક્ષિણ ધ્રુવમાં ત્રાંસાં પડે છે. આના કારણે અહીં તાપમાન ઓછું હોય છે. સ્પેસ ઈન્ડિયાના ટ્રેનિંગ ઇન્ચાર્જ તરુણ શર્માએ કહ્યું હતું કે ચંદ્રનો જે હિસ્સો સૂર્યની સામે આવે છે ત્યાં તાપમાન ૧૩૦ ડિગ્રી સેલ્સિયસથી ઉપર પહોંચી જાય છે. ચંદ્રના જે ભાગ પર સૂર્યની રોશની પડતી નથી ત્યાં તાપમાન ૧૩૦ ડિગ્રી સેલ્સિયસથી નીચે જતું રહે છે. આના કારણે ચંદ્રની ધરતી પર રોજ (એટલે કે પૃથ્વીના ૧૪ દિવસ બરાબર) તાપમાનમાં વધઘટ થાય છે. પણ દક્ષિણ ધ્રુવમાં વધઘટ થતી નથી. આથી અહીં પાણી મળવાની સંભાવના સૌથી વધારે છે.

ચંદ્રયાન-૨

પાણી અને ખનિજની શોધ

ચંદ્રયાન-૨ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર મેગ્નેશિયમ, કેલ્શિયમ અને આયર્ન જેવા ખનિજો શોધવાનો પ્રયાસ કરશે. એ ચંદ્રના વાતાવરણ અને એના ઇતિહાસ વિશે પણ ડેટા એકઠો કરશે. જોકે એનું મુખ્ય લક્ષ્ય પાણી શોધવાનું છે. જો ચંદ્રયાન ચંદ્રની ધરતી પર પાણી શોધી લે તો વિજ્ઞાન માટે આ મોટું પગલું હશે. દક્ષિણ ધ્રુવની ક્રેટર્સ પર સૂર્યના કિરણો પહોંચતાં નથી. આથી એમાં અબજો વર્ષોથી પાણી જમા થયું હોઈ શકે.

બરફમાંથી પીવાનું પાણી અને ઓક્સિજન મળી શકશે 

ચંદ્રની ધરતી પર પાણી ન હોય તો અંતરિક્ષ યાત્રીઓ અહીં ઘણા દિવસો સુધી રહી શકે નહીં. જો ચંદ્રયાન અહીં બરફ શોધી શકે તો પાણીની સમસ્યા દૂર થશે. બરફમાંથી પીવાનું પાણી અને ઓક્સિજન મળી રહેશે. આમ થવાથી ચંદ્ર પર બેઝ કેમ્પ પણ બાંધી શકાશે. એમાં ચંદ્રને લગતી શોધખોળ થઈ શકશે અને અંતરિક્ષના રહસ્યોને જાણવા માટેનાં મિશનની તૈયારી પણ કરી શકાશે.

નવું લોન્ચ પેડ બનાવી શકાશે

મંગળ ગ્રહ સુધી પહોંચવા માટે ચંદ્રનો લોન્ચ પેડ તરીકે પણ ઉપયોગ કરી શકાશે. આ સિવાય એના પર જે મિનરલ્સ મળશે એનો ભવિષ્યના મિશનો માટે ઉપયોગ કરી શકાશે. આનાથી અંતરિક્ષ મિશનનો ખર્ચ પણ ઓછો આવશે. ચંદ્ર પરથી મંગળ પર પહોંચવામાં પણ ઓછો સમય લાગશે.આ રીતે બાકીના ગ્રહો માટે પણ મિશન લોન્ચ કરવામાં આસાની થશે.

ચંદ્ર પર ઊર્જા પેદા કરી શકાશે

ચંદ્રના દક્ષિણ ધ્રુવમાં એક હિસ્સો એવો પણ છે જે વધારે ઠંડો કે વધારે અંધારામાં રહેતો નથી. અહીંના શેકલટન ક્રેટર્સ પાસેના હિસ્સામાં સૂર્ય લગાતાર ૨૦૦ દિવસ ચમકતો રહે છે. અહીં વિજ્ઞા।નીઓને શોધ કાર્યમાં વધારે મદદ મળી શકશે. અહીં સૂર્યના કિરણોનો ઉપયોગ કરીને ઊર્જાની આપૂર્તિ કરી શકાશે.

મિશનના ત્રણ અગત્યના ભાગ

લેન્ડર

લેન્ડરનું નામ વિક્રમ રાખવામાં આવ્યું છે. એનું વજન ૧,૪૦૦ કિલો અને લંબાઈ ૩.૫ મીટર છે. એમાં ૩ પેલોડ (વજન) હશે. આ ચંદ્રમા ઉપર ઊતરીને રોવરને સ્થાપિત કરશે.

ઓર્બિટર

ઓર્બિટરનું વજન ૩,૫૦૦ કિલો અને લંબાઈ ૨.૫ મીટર છે. એ પોતાની સાથે ૮ પેલોડ લઈને જશે. આ તેના પેલોડ સાથે ચંદ્રમાની ફરતે ચક્કર લગાવશે. ઓર્બિટર અને લેન્ડર ધરતીના સીધા સંપર્કમાં રહેશે પણ રોવર સીધો સંવાદ નહીં કરી શકે.

રોવર

એનું નામ પ્રજ્ઞાન રાખવામાં આવ્યું છે. જેનો અર્થ થાય છે બુદ્ધિ. એનું વજન ૨૭ કિલોગ્રામ રહેશે. એની લંબાઈ એક મીટર છે. આ સોલર એનર્જીથી ઓપરેટ થશે અને એના ૬ પૈડાંની મદદથી ચંદ્રમાની ધરતી પર ફરીને માટી અને પથ્થરોના નમૂના જમા કરશે.

ચંદ્રયાન-૧થી આપણને કયો ફાયદો થયો હતો?

આશરે ૧૦ વર્ષ પહેલાં ૨૦૦૮માં ઓક્ટોબર મહિનામાં ચંદ્રયાન-૧ લોન્ચ થયું હતું, જે લગભગ એક વર્ષ ચાલ્યું હતું. એમાં એક ઓર્બિટર અને ઇમ્પેક્ટર હતું, પણ રોવર નહોતું. ચંદ્રયાન-૧ ચંદ્રમાની કક્ષામાં ગયું હતું પણ ચંદ્રમા પર ઊતર્યું નહોતું. ૧,૪૦૦ કિલો વજનનું ચંદ્રયાન-૧ ચંદ્રની ધરતીથી ૧૦૦ કિલોમીટર દૂરની કક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યું હતું. એ ચંદ્રમાની કક્ષામાં ૩૧૨ દિવસ રહ્યું હતું. એણે ત્યાં કેટલીક મશીનરી સ્થાપિત કરી અને ભારતનો ઝંડો લગાવ્યો હતો. તેણે ઘણી માહિતી મોકલી હતી. ચંદ્રયાન-૧ના ડેટા પરથી ખબર પડી હતી કે ચંદ્રની ધરતી પર બરફ છે.

આ પણ કરશે ચંદ્રયાન-૨ 

 • ચંદ્રમાની ધરતી પર લેન્ડિંગ બાદ રોવર એક સેન્ટિમીટર પ્રતિ સેકન્ડની સ્પીડથી ૧૫ દિવસ સુધી ચંદ્રની ધરતી પરથી ડેટા જમા કરશે અને ઓર્બિટરને પહોંચાડતું રહેશે. ઓર્બિટર એ ડેટા ઈસરોને મોકલશે. લોન્ચ પછી ૧૬ દિવસોમાં ઓર્બિટર ધરતીની ચારેબાજુ પાંચ વાર કક્ષા બદલશે.
 • રોવર ચંદ્રમાના પથ્થરોને જોઈને એમાં મેગ્નેશિયમ, કેલ્શિયમ અને આયર્ન સહિત ખનિજોની શોધ કરશે. ત્યાં પાણી છે કે નહી ં એ પણ તપાસ કરશે. ઓર્બિટર ચંદ્રમાના બહારના પડનું પણ પરીક્ષણ કરશે.

ચંદ્રયાન-૧એ બીજા મિશનનો રસ્તો ખોલી નાખ્યો

ચંદ્રયાન-૧ મિશનના કારણે ભારતીય વૈજ્ઞાનિકોને ચંદ્રની ધરતી પર રોવર ઉતારવાનો વિચાર આવ્યો હતો અને તેથી ચંદ્રયાન-૨ની યોજના શરૂ થઈ હતી.

ચંદ્રયાન-૧ની મુખ્ય શોધ 

ચંદ્રયાન-૧ની મુખ્ય શોધ હતી કે ચંદ્રમાની ધરતી પર પાણી હોવાના પુરાવા મળ્યા છે. આ સિવાય ચંદ્રની ધરતી પર મેગ્નેશિયમ અને કેલ્શિયમ પણ જોવા મળ્યું હતું. એવું પણ જાણવા મળ્યું હતું કે ચંદ્રમા પિગળેલા મેગ્માથી ઢંકાઈ ગયો છે. ચંદ્રમાની રચના કેવી રીતે થઈ અને એ કેવી રીતે બન્યો એ જાણવાનો આ મહત્ત્વપૂર્ણ હિસ્સો હતો.

આવી રીતે તૈયાર થઈ રૂપરેખા 

ઈન્ડિયન એકેડેમી ઓફ સાયન્સની મિટિંગમાં વર્ષ ૧૯૯૯માં ચંદ્ર પર એક મિશન લોન્ચ કરવાનો વિચાર મૂકવામાં આવ્યો હતો. એ પછી ઈસરોએ નેશનલ લૂનાર ટાસ્ક ફોર્સનું ગઠન કર્યું હતું. પણ ૨૦૦૩ના નવેમ્બર સુધી ભારત સરકારે ચંદ્રયાન-૧ નામના પહેલા મિશનને મંજૂરી આપી નહોતી.

૨૦૨૪માં અમેરિકા દક્ષિણ ધ્રુવ પર માનવ મિશન મોકલશે 

અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસા પણ ચંદ્રની ધરતીના દક્ષિણ ધ્રુવ પર જવાની તૈયારી કરી રહી છે. ૨૦૨૪માં નાસા આ વિસ્તારમાં સમાનવ યાન ઉતારશે. ૨૦૧૯ના માર્ચ મહિનાના નાસાના એક રિપોર્ટમાં જાણવા મળે છે કે નાસાને ચંદ્રના આ વણજોયેલા વિસ્તારમાં પાણી હોવાની સંભાવના દેખાય છે અને તેથી એ સમાનવ યાન મોકલશે. ચંદ્ર પર કોઈ પણ શોધકાર્ય કરવું હોય તો ત્યાં પાણી હોવું ખૂબ જરૂરી છે. ૧૯૬૯માં જુલાઈમાં અમેરિકા ચંદ્ર પર માનવને મોકલનારો પહેલો દેશ બન્યો હતો.

એવેન્જર્સ : એન્ડ ગેમ કરતાં ય અડધા ખર્ચે લોન્ચ!!!

ભારતનું ચંદ્રયાન-૨ મૂન મિશન ૧૪મીએ સતીષ ધવન સ્પેસ સ્ટેશન પરથી લોન્ચ થાય છે ત્યારે તેના વિષેની અનેક રસપ્રદ વૈજ્ઞાનિક માહિતીની સાથે જ એક એવી પણ હકીકત જોડાયેલી છે કે, હોલિવૂડના બે બ્લોક બસ્ટર મૂવીઝ એવેન્જર્સ : એન્ડગેમ અને ઈન્ટરસ્ટેલર કરતાં ય ઓછા બજેટમાં ભારત આ મિશન લોન્ચ કરે છે. હોલિવૂડની સુપરહીરો મૂવી સિરીઝ એવેન્જર્સની લેટેસ્ટ હિટ એવેન્જર્સ : એન્ડ ગેમના નિર્માતાઓએ આશરે ૩૫૬ મિલિયન ડોલર્સ ખર્ચ કર્યો હતો. જ્યારે સ્પેસ મિશન પરની સાયન્સ ફિક્શન મૂવી ઈન્ટરસ્ટેલર બનાવવા ૧૬૫ મિલિયન ડોલર ખર્ચાયેલા. પરંતુ, ચંદ્રયાન-૨ મિશન માટે માત્ર ૧૪૩ મિલિયન ડોલર જ ખર્ચ થયો છે. આમ, ભારતનું મૂન મિશન એવેન્જર્સ : એન્ડ ગેમ કરતાં ય અડધા ખર્ચે લોન્ચ થઈ રહ્યું છે. જે એક અનન્ય સિદ્ધિ કહેવાય.

આવી રીતે થશે લેન્ડિંગ 

 • લોન્ચ બાદ ધરતીની કક્ષામાંથી નીકળીને ચંદ્રયાન-૨ રોકેટથી અલગ થઈ જશે. રોકેટ નષ્ટ થઈ જશે અને ચંદ્રયાન-૨ ચંદ્રની કક્ષામાં પહોંચશે. એના પછી લેન્ડર ઓર્બિટરથી અલગ થશે. ઓર્બિટર ચંદ્રમાની કક્ષામાં ચક્કર લગાવવાની શરૂઆત કરી દેશે.
 • એના પછી લેન્ડર ચંદ્રમાના દક્ષિણ હિસ્સામાં ઊતરશે અને ત્યાં શોધખોળ કરશે. યાનને ઉતારવામાં આશરે ૧૫ મિનિટ લાગશે. ટેક્નિકલ રીતે જોઈએ તો યાનને ચંદ્રની ધરતી પર ઉતારવાનો તબક્કો એકદમ મુશ્કેલરૂપ રહેશે કારણ કે ભારતે અગાઉ ક્યારેય આવું કર્યું નથી.
 • લેન્ડિંગ બાદ રોવરનો દરવાજો ખૂલી જશે અને લેન્ડિંગ બાદ એમાંથી રોવરને બહાર કાઢવા માટે આશરે ૪ કલાકનો સમય લાગશે. ત્યાર બાદ એ વૈજ્ઞાનિક પરીક્ષણો માટે ચંદ્રની ધરતી પર બહાર આવશે અને ૧૫ મિનિટમાં જ ઈસરોને લેન્ડિંગની તસવીરો મળવી શરૂ થઈ જશે.

આ છે પડકારો 

 • આપણી ધરતી ચંદ્રમાથી આશરે ૩.૮૪૪ લાખ કિલોમીટર દૂર છે તેથી કોઈ પણ મેસેજને અહીંથી ત્યાં પહોંચાડવામાં કેટલીક મિનિટો લાગશે.
 • સોલર રેડિયેશનની પણ ચંદ્રયાન-૨ પર અસર થઈ શકે છે.
 • ત્યાં સિગ્નલ કમજોર થઈ શકે છે. બેકગ્રાઉન્ડનો શોર પણ કમ્યુનિકેશન પર અસર નાખી શકે છે.

ભૂલને જાણી અને એને સુધારી લીધી

ચંદ્રયાન-૧ને બે વર્ષના અભિયાન પર મોકલવામાં આવ્યું હતું પણ એ મિશન નિર્ધારિત સમય સુધી ચાલી શક્યું નહીં. આ અંતરિક્ષ યાનનો ઈસરો સાથેનો સંપર્ક ૨૦૦૯માં ૨૯ ઓગસ્ટે તૂટી ગયો હતો.યાનમાં વાપરવામાં આવેલા ડીસી/ડીસી કન્વર્ટર્સમાંથી એકમાં કંઈક ગડબડ થઈ હતી અને એ વિદેશથી ખરીદવામાં આવ્યો હતો. આ સમસ્યાને મંગળ પર મોકલવામાં આવેલા મંગળયાન ઓર્બિટરમાં ઠીક કરી લેવામાં આવી હતી અને વિદેશથી કન્વર્ટર્સનું દેશમાંજ ઉત્પાદન કરવામાં આવ્યું હતું. ચંદ્રયાન-૧ મિશનમાં જે ભૂલો થઈ હતી એ તમામને ચંદ્રયાન-૨માં સુધારી લેવામાં આવી છે.

GSLV MK III રોકેટના બે ભાગ હશે  

 • લોન્ચ વ્હિકલ GSLV MK III રોકેટ
 • ચંદ્રયાન-૨

GSLV MK III રોકેટની ખાસિયત  

આ ૬૦,૦૦૦ કિલો વજન ધરાવતું રોકેટ છે. તેનું વજન પાંચ લોડેડ બોઇંગ જમ્બો જેટ જેટલું છે. તે અંતરિક્ષમાં વધારે વજન લઈ જવા માટે જાણીતું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન