first time in a month, credit card spending reached over One lakh crore
  • Home
  • Business
  • ક્રેડિટ કાર્ડ સ્પેન્ડિંગે મહિનામાં પ્રથમવાર રૂ. એક લાખ કરોડનો આંક વટાવ્યો

ક્રેડિટ કાર્ડ સ્પેન્ડિંગે મહિનામાં પ્રથમવાર રૂ. એક લાખ કરોડનો આંક વટાવ્યો

 | 12:04 am IST
  • Share

  • સપ્ટેમ્બરમાં રૂ. 80,477 કરોડ સામે ઓક્ટોબરમાં ક્રેડિટ કાર્ડ મારફ્તે રૂ. 1.01 લાખ કરોડનો ખર્ચ કરાયો

  • બેંક્સ દ્વારા ઓક્ટોબરમાં 13.3 લાખ નવા ક્રેડિટ કાડ્ર્સ તથા સપ્ટેમ્બરમાં 10.9 લાખ નવા કાડ્ર્સ ઇસ્યૂ કરવામાં આવ્યાં

તહેવારોની સિઝનમાં મજબૂત કન્ઝયૂમર માગને જોતાં ક્રેડિટ કાર્ડ સ્પેન્ડિંગ ઓક્ટોબરમાં પ્રથમવાર રૂ. એક લાખ કરોડને પાર કરી ગયું હતું. દેશમાં કોઈ એક મહિનાના સમયગાળા માટે તે વિક્રમી ક્રેડિટ કાર્ડ સ્પેન્ડિંગ હતું એમ આરબીઆઈએ ગુરુવારે રજૂ કરેલો ડેટા સૂચવે છે. માસિક ધોરણે ઓક્ટોબરમાં ક્રેડિટ કાર્ડથી થયેલા ખર્ચમાં 25 ટકાની ઊંચી વૃદ્ધિ જોવા મળી હતી. સપ્ટેમ્બરમાં ક્રેડિટ કાર્ડ સ્પેન્ડિંગનો બેઝ ઊંચો હોવા છતાં ઓક્ટોબરમાં વૃદ્ધિ દર ઊંચો રહ્યો હતો. જેણે ઉદ્યોગ ક્ષેત્રે આશ્ચર્ય સર્જ્યું હતું.

જો વાર્ષિક ધોરણે જોઈએ તો ઓક્ટોબરમાં ક્રેડિટ કાર્ડ સ્પેન્ડિંગમાં 56 ટકાનો તીવ્ર ઉછાળો નોંધાયો હતો. ગયા વર્ષે ઓક્ટોબર મહિના દરમિયાન ક્રેડિટ કાર્ડ મારફ્તે રૂ. 64,891.96 કરોડનો ખર્ચ નોંધાયો હતો. આ અગાઉ ક્રેડિટ કાર્ડ થકી સૌથી ઊંચો માસિક ખર્ચ સપ્ટેમ્બર 2021માં જોવા મળ્યો હતો. જે રૂ. 80,477.18 કરોડ પર હતો. જ્યારે ઓગસ્ટ 2021 દરમિયાન તે રૂ. 77,981 કરોડ પર હતો. છેલ્લાં કેટલાંક મહિનાઓમાં ક્રેડિટ કાર્ડ મારફ્તે થઈ રહેલો ખર્ચ કોવિડ મહામારી અગાઉના સમયગાળામાં જોવા મળતાં ટ્રેન્ડ કરતાં ઘણો ઊંચો છે. જેમકે કોવિડની શરૂઆત અગાઉના બે મહિનાઓ જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2020માં ક્રેડિટ કાર્ડ સ્પેન્ડિંગ અનુક્રમે રૂ. 67,402.25 કરોડ અને રૂ. 62,902.93 કરોડ પર જોવા મળતું હતું. એક બેંકરના જણાવ્યા મુજબ છેલ્લાં કેટલાંક મહિનાઓ દરમિયાન અર્થતંત્રમાં મજબૂત બાઉન્સને કારણે ક્રેડિટ કાર્ડથી થતાં ખર્ચમાં તીવ્ર વૃદ્ધિ જોવા મળી રહી છે. નાણાકીય વર્ષ 2021-22ની વાત કરીએ તો મે મહિનામાં રૂ. 52200 કરોડનો સૌથી નીચો ખર્ચ જોવા મળ્યો હતો.

જોકે ત્યારબાદના મહિનાઓ દરમિયાન ક્રેડિટ કાર્ડ સ્પેન્ડિંગમાં ઉત્તરોત્તર વૃદ્ધિ જોવા મળી રહી છે. એક બ્રોકરેજના બેંકિંગ સેક્ટર એનાલિસ્ટના જણાવ્યા મુજબ છેલ્લાં કેટલાંક મહિનાઓ દરમિયાન ક્રેડિટ કાર્ડ એક્વિઝિશન્સમાં પણ વૃદ્ધિ નોંધાઈ છે. જે સ્પેન્ડિંગ પાવર વધ્યો હોવાનું સૂચવે છે. ગઈ તહેવારોની સિઝનમાં ઓનલાઈન ઉપરાંત ઓફ્લાઈન ખરીદીમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી. એચડીએફ્સી બેંક ફરીથી બજારમાં પ્રવેશતાં તથા એસબીઆઈ કાર્ડ્સ અને આઈસીઆઈસીઆઈ બેંકે તંદુરસ્ત ગ્રોથ જાળવી રાખતાં કાર્ડ એક્વિઝિશન ક્ષેત્રે પણ દ્વિઅંકી ગ્રોથ જોવા મળે તેવી શક્યતા તેઓ વ્યક્ત કરી રહ્યાં છે. ફેડરલ બેંકના સીઈઓના જણાવ્યા મુજબ રિટેલ લોન્સમાં વૃદ્ધિ જોવા મળી રહી છે અને તેથી ક્રેડિટ કાર્ડથી થતાં ખર્ચમાં પણ વૃદ્ધિ થઈ રહી છે.

બેંકિંગ ઉદ્યોગે સતત બીજા મહિને દસ લાખથી વધુ નવા ક્રેડિટ કાર્ડ્સનો ઉમેરો નોંધાવ્યો હતો. જેની સાથે સિસ્ટમમાં કુલ કાડ્ર્સની સંખ્યા 6.63 કરોડ પર પહોંચી હતી. ગયા ઓક્ટોબરમાં જ 13.3 લાખ નવા ક્રેડિટ કાર્ડ્સનો ઉમેરો થયો હતો. જ્યારે સપ્ટેમ્બરમાં 10.9 લાખ ક્રેડિટ કાર્ડ્સ ઉમેરાયાં હતાં. ઓગસ્ટમાં જોકે આ આંક 5.20 લાખ પર હતો. ઓક્ટોબરમાં એસબીઆઈ કાર્ડસે નવા 1,83,960 કાર્ડ્સ, એક્સિસ બેંકે 2,19,553 કાર્ડ્સ, આઈસીઆઈસીઆઈ બેંકે 2,78,189 કાર્ડ્સ અને એચડીએફ્સીએ 2,58,285 કાર્ડ્સ ઈસ્યૂ કર્યાં હતાં.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો