'ફિટ ઇન્ડિયા' : અનફિટ રહેવું એ દેશની ફિટનેસ માટે હાનિકારક છે!  - Sandesh
  • Home
  • Columnist
  • ‘ફિટ ઇન્ડિયા’ : અનફિટ રહેવું એ દેશની ફિટનેસ માટે હાનિકારક છે! 

‘ફિટ ઇન્ડિયા’ : અનફિટ રહેવું એ દેશની ફિટનેસ માટે હાનિકારક છે! 

 | 2:48 am IST

રોંગ નંબર : હર્ષદ પંડયા ‘શબ્દપ્રીત’

એક એવોય સમય હતો કે આપણા દેશને ચારેબાજુથી ઘેરી વળેલા ઘૂસણખોર અંગ્રેજોને તગેડી મૂકવા માટે એ સમયના નેતાઓએ અંગ્રેજો સામે ‘ક્વિટ ઇન્ડિયા’નું શસ્ત્ર ઉગામ્યું હતું. આજે એવો સમય આવી ગયો છે કે આપણા દેહને ચારેબાજુથી ઘેરી વળેલા અને હજુ પણ ઘેરી વળવા મથી રહેલા દેશી વિદેશી અને કેટલાક આયાતી રોગો અને વ્યસનોને તગેડી મૂકવા માટે સરકારે ‘ફિટ ઇન્ડિયા’નું શસ્ત્ર ઉગામ્યું છે!

ખરેખર તો ફિટ ઇન્ડિયાનો મૂળ વિચાર આપણા વેદકાલીન મુનિ ચાર્વાક ઋષિને આવેલો. ફિટ રહેવામાં એટલે કે બધી રીતે સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માટે ચાર્વાક ઋષિએ ‘દેવું કરીને પણ ઘી તો પીવું જ’ એવું હિટસૂત્ર આપેલું. મેડિકલ સાયન્સ અને આયુર્વેદ શાસ્ત્ર ઘણી બાબતોમાં પેરલલ સ્વભાવ ધરાવે છે. બંને એ વાતને સમર્થન આપે છે કે તંદુરસ્તી માટે જેટલું ઉપયોગી ઘી છે એટલાં જ ઉપયોગી કેળાં પણ છે. માટે તો સુખી અને સંપન્ન લોકોનાં સુખ અને સંપન્નતાના સંદર્ભે એમના માટે એવો વાક્ય પ્રયોગ કરવામાં આવે છે કે ‘વાહ, ભાઈ વાહ! તમારે તો એઇ…ય ઘી કેળાં છે, ઘી કેળાં!’ ક્યારેય એવું સાંભળવા મળ્યું કે ‘વાહ ભાઈ વાહ! તમારે તો એઇ…ય છાશ સફરજન છે, છાશ સફરજન!’ ચાર્વાક ઋષિએ યુગો પહેલાં ‘ઋણમ્ કૃત્વા ધૃતમ્ પિબેત’ કહ્યું એની પાછળ આ જ તો સંદેશો હતો કે મનુષ્યે બધી રીતે ફિટ રહેવું અને એ માટે ભલે બીજા કશાનું નહીં, પણ ઘી પીવા માટે દેવું કરવામાં કશુંય ખોટું નથી.

કશુંય નહીં કરવામાં માનનારી વ્યક્તિ પણ ફિટ રહેવા માટે તો કશુંક કરવામાં માનતી જ હોય છે. ફિટ રહેવામાં કશુંય ખોટું નથી. વળી, બીજાંને ફિટ રાખવામાં તો સહેજ પણ ખોટું નથી. ઊલટાનું એ તો પરોપકારનું કામ છે. આમાં એક વાતની સ્પષ્ટતા ચોક્કસ કરવી જોઈએ કે બીજાંને ફિટ રાખવામાં અને ફિટ કરી દેવામાં ઘણો ફરક છે. ઘણાંને તો ફિટ શબ્દ સાંભળતાં જ ‘ફિટ’ આવવા માંડે છે. કેટલાક ફિટ-એક્સ્પર્ટ્સનું માનવું છે કે ફિટ રહેવા માટેનાં મુખ્ય ત્રણ પ્રકાર છે. (૧) ફિટ (૨) મિસફિટ અને (૩) અનફિટ. આમાં પહેલો પ્રકાર એકદમ નિરુપદ્રવી છે. ફિટ રહેવામાં માનનારા મોટાભાગના શ્રદ્ધાળુઓ પોઝિટિવ થિન્કિંગવાળા હોય છે. જેમ માનવતાવાદીઓ કહે છે ને કે Live and Let Live એમ ફિટિઝન્સનું પણ એક જ સૂત્ર હોય છે કે ‘Be fit and Let be fit.’ ફિટ રહો અને સૌને ફિટ રહેવા દો કેટલાક ભાષાશાસ્ત્રીઓને ‘ફિટિઝન’ શબ્દમાં અર્થની ફિટનેસ નહીં સમજાઈ હોય એટલે એમને આ શબ્દ પ્રત્યે થોડો અણગમો રહેવાનો, પણ અમુક શબ્દપંથીઓને ફિટિઝન શબ્દ પેલા ‘સિટીઝન’ શબ્દનો સગોત્ર લાગવાનો. જેમ સિટીમાં, નગરમાં, ગામમાં કે પૂરા દેશમાં રહેતી વ્યક્તિને સિટીઝન કહેવાય એમ પૂરા વિશ્વની કોઈપણ વ્યક્તિ ફિટનેસમાં રહેતી હોય એને ફિટિઝન કહેવાય ફિટનેસ એટલે પરિસ્થિતિ કોઈપણ હોય, એમાં યેનકેન પ્રકારેણ – કોઈપણ રીતે ગોઠવાઈ જવું. આપણો આકાર ગોળ હોય, પણ સંજોગ ચોરસ કે લંબચોરસ હોય તો પણ આપણા ગોળાકારમાં, જરૂર લાગે ત્યાં યોગ્ય રીતે કાટ-છાટ કરીને પેલા ચોરસ, સમચોરસ કે લંબચોરસમાં સારી રીતે ગોઠવાઈ જવું એને કહેવાય ફિટનેસ! આ રીતે ફિટનેસ મેઇન્ટેઇન કરતાં મારા તમારા જેવા આમ આદમી કે સાવ આમ આદમીને કદાચ ના આવડે, ખાસ આદમીને સહેલાઈથી આવડી જાય છે. રાજકારણીઓએ આ કલા જન્મથી જ હસ્તગત કરી હોય છે.

આમ આદમી ફિટ રહેવા અને એ માટે ફિટનેસ જાળવવા માટે એ રાતદહાડો મહેનત-મજૂરી કરે છે. ખાસ આદમી પોતાની ફિટનેસ જાળવવા બીજા પાસે મહેનત-મજૂરી કરાવે છે. મહેનત-મજૂરી કરનાર ફિઝિકલી ફિટ રહેવામાં ખુશી અનુભવે છે. અન્ય લોકો પાસે મહેનત-મજૂરી કરાવનાર પોતાની ડિગ્નિટી, પર્સનાલિટી અને પોતાનાં સ્ટેટસને ફિટ રાખવામાં ખુશી અનુભવે છે. ખુશી તો બંને બાજુ અનુભવાય છે કેમ કે ફિટનેસ પણ બંને બાજુએ, ભલે પોતપોતાની રીતે પણ મેઇન્ટેઇન થતી જ હોય છે.

કેટલાક ફિટનેસ પ્રેમીઓ ફિટનેસ માટે વહેલી પરોઢે ર્મોર્નિંગ વોકમાં નીકળી પડે છે અને જેટલી કેલરી બાળી હોય એનાથી ડબલ કેલેરીવાળો માલ પેટમાં પધરાવી તાજામાજા થઈને ઘરે આવે છે. આ લોકોનું માનવું છે કે જમા ખાતે જેટલું ઉધાર થાય એટલા પ્રમાણમાં જો ઉધાર ખાતે જમા ન થાય તો મેળવ્યું શું? ગુજરાતી કોઈપણ શહેરનો હોય, ખોટનો ધંધો તો એ સપનામાંય કરતો નથી. ઘરનાં ભોળાજનો એવું માનીને હરખાય છે કે હીરો કેલરી બાળીને આવ્યો છે એટલે આજે સહેજ વધારે પડતું ઓઇલી જમશે તો વાંધો નહી આવે. ચરબીની બેલેન્સશીટ સરભર થઈ જશે. (‘ચરબી’નો અર્થ અહીં મેદ કે ‘ફેટ’ના સંદર્ભમાં સમજવો.) લંચ ટાઇમે પેલો ર્મોર્નિંગ વોકર જ્યારે જમવા બેસશે ત્યારે ‘રસોઈ તો વધતી પડતી ઓઇલી લાગે છે માટે અને હવેથી સહેજ ડાયટ કંટ્રોલ થાય એટલા માટે આજે હું ફક્ત દોઢ-બે ડિશ સલાડ, એકાદ રોટલી અને થોડી દાળ જ ખાઈશ એવો ડાયલોગ ફટકારે છે. ઘરના પૂરા ઓડિયન્સને આપણા આ ડોમેસ્ટિક હિરોના આવાઇમોશનલ પર્ફોર્મન્સ પર માન ઊપજે છે અને વિચારવા લાગે છે કે વાહ, આપણો હીરો પોતાના સ્વાસ્થ્ય અને ફિટનેસની કેટલી બધી કાળજી રાખે છે!’

બીજો પ્રકાર છે મિસફિટનો. કેટલાક લોકોનો સ્વભાવ જ એવો હોય છે કે વાત, વિચાર કે વાનગી કોઈપણ હોય પોતે એમાં મિસફિટ જ નીવડશે એવો એમને આગોતરો આત્મવિશ્વાસ હોય છે. આવા લોકો ઉનાળામાં તડકાથી બચવા ઝાડના છાંયડે બેઠા હોય. સમય જતાં છાંયડો ખસવા માંડે અને તડકો પોતાના પર આવવો શરૂ થઈ જાય ત્યારે એ પેલા ઝાડ ખસેડવા તૈયાર થશે, પણ પોતે ઊભો થઈને ખસી ગયેલા છાંયડે જઈને બેસવા તૈયાર નહી થાય. ‘ઝાડ જેવા ઝાડને ખસેડું, પણ હું શાનો ખસું?’ આ એનો મિસફિટનેસ મંત્ર હોય છે. કેટલાક તો એટલી હદે મિસફિટ થઈને જીવતા હોય છે કે ખુદ ફિટનેસ એમની પાસે જતાં શરમાતી હોય છે કે પછી ગભરાતી હોય છે. આમ તો ‘મિસફિટ રહેવું’ અને ‘મિસમેચ થવું’ એ એકબીજાંના કઝીન છે એટલે મિસમેચનું પણ મિસફિટ જેવું જ કહી શકાય, ફરક માત્ર એટલો કે મિસફિટ ક્યારેય ધ્યાનાકર્ષક બની શકે નહીં, જ્યારે મિસમેચ ધ્યાનાકર્ષક બન્યા વિના રહી શકે નહીં!

કહેવાય છે કે પોતાનામાં સહેજપણ સમજણ ન હોવા છતાં, પોતે સંપૂર્ણપણે સમજદાર છે એવો ભ્રમ ફેલાવનારાઓની આ દેશમાં લગીરેય અછત નથી. પોતે ક્યાંય પણ, કોઈ પણ રીતે કોઈનાય વિચારો સાથે સહેજ પણ ફિટ થઈ શકે એમ નથી એની પૂરેપૂરી ખબર હોવા છતાં, એ પોતાની મિસફિટનેસને ઢાંકવા માટે બનતા બધા જ પ્રયત્નો કરીને, સામેવાળો – જે ખરેખર ફિટનેસ ધરાવે છે એને પણ સેન્ટ પર સેન્ટ મિસફિટ સાબિત કરતો રહે છે. આવા મિસફિટિયા લોકો જ ફિટનેસ ધરાવનારાઓની ફિટનેસની મજાક ઉડાવતા હોય છે. બીજાની મજાક ઉડાવવા માટે પણ માઇન્ડની ફિટનેસ જોઈએ, અને બીજા લોકો આપણી મજાક ઉડાવે તો એને હળવાશથી લેવા માટેની પણ માઇન્ડ ફિટનેસ હોવી જોઈએ. આજે મોટાભાગના લોકો ફિઝિકલી ફિટનેસ માટે જેટલા ચિંતિત છે એટલા મેન્ટલી ફિટનેસ માટે ચિંતિત નથી. આમાં આ લોકોનો વાંક નથી, વાંક સામેની વ્યક્તિનો છે. એના દિમાગમાં આવા માણસની વાત ઉતરે નહીં, તો વાંક તો બોલનારનો જ કહેવાય ને, સાંભળનારનો થોડો હોય? દિમાગ તો બોલનારે વાપરવાનું હોય, સાંભળનારે થોડું વાપરવાનું હોય? સાંભળનારે પણ દિમાગ વાપરવું પડતું હોય તો પછી એ શ્રોતા બનીને થોડો રહ્યો હોત? વક્તા ન બની ગયો હોત!  ત્રીજો અને છેલ્લો પ્રકાર છે અનફિટનો. ફિટ હોવું એ ઉત્તમ, મિસફિટ હોવું એ મધ્યમ, પણ અનફિટ હોવું એ પોતાને તો ઠીક, પૂરી દુનિયાને ભારે પડી જાય! અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રેસિડેન્શિયલ અનફિટનેસ જ્યારે એમનાં વિચાર અને વાણી દ્વારા લીક થઈ જાય છે ત્યારે ખુદ અમેરિકનો એને હશવાશથી લેતા હોય છે. આમ હળવાશથી લેવા પાછળનું એક જ કારણ ‘આવા પ્રેસિડેન્ટને અમે લોકોએ જ ચૂંટયા છે એવું જાહેર કરીને પોતાની અનફિટનેસનો પુરાવો તો કોઈને ના જ આપે ને?’   વ્યક્તિએ વ્યક્તિએ ફિટનેસ મંત્ર અલગ અલગ હોય છે. કોઈનો મંત્ર ફિઝિકલ ફિટનેસ માટે હોય, કોઈનો મેન્ટલી ફિટનેસ માટે હોય, તો કોઈનો પોલિટિક્લી ફિટનેસ માટે હોય! નક્કી આપણે નહીં, સામેવાળાએ કરવાનું છે કે અત્યારે એ કેવા પ્રકારની ફિટનેસ ધરાવતી વ્યક્તિ સાથે સંવાદ કે વિવાદ કરે છે!

ડાયલટોન : 

  • તમે જે અનુમાનો કરો છો, એ બધાં સાચાં જ હોય એમ માનવાનું કોઈ કારણ નથી. – ‘આઉટ ઓફ ધ મેઝ’માં સ્પેન્સર જ્હોન્સન.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન