પોણા પાંચ કલાકના સંઘર્ષ બાદ નડાલ સેમિમાં - Sandesh
  • Home
  • Newspaper
  • પોણા પાંચ કલાકના સંઘર્ષ બાદ નડાલ સેમિમાં

પોણા પાંચ કલાકના સંઘર્ષ બાદ નડાલ સેમિમાં

 | 12:35 am IST

। ન્યૂયોર્ક ।

ગત ચેમ્પિયન રફેલ નડાલે ચડાવ-ઉતારવાળી રોમાંચક ક્વાર્ટર ફાઇનલ મેચમાં નવમા ક્રમાંકિત ડોમિનિક થિયામને પાંચ સેટ સુધી ચાલેલી મેચમાં પરાજય આપી સાતમી વખત યુએસ ઓપનમાં પુરુષ સિંગલ્સની સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ચાર કલાક ૪૯ મિનિટ સુધી ચાલેલી મેરેથોન મેચમાં નડાલે ૦-૬, ૬-૪, ૭-૫, ૬-૭, ૭-૬થી જીત મેળવી હતી. સેમિફાઇનલમાં નડાલનો સામનો જુઆન માર્ટિન ડેલ પોટ્રો સામે થશે. ગત વર્ષે પણ બંને સેમિફાઇનલમાં ટકરાયા હતા જ્યાં નડાલે વિજય મેળવ્યો હતો. નડાલનો પોટ્રો સામે જીત-હારનો રેકોર્ડ ૧૧-૫ છે અને આ વખતે પણ નડાલને જીતનો દાવેદાર માનવામાં આવી રહ્યો છે.

નડાલે પ્રથમ સેટમાં પોતાની ત્રણેય સર્વિસ ગુમાવી હતી જ્યારે ત્રીજા અને ચોથા સેટમાં પણ તેણે સર્વિસ ગુમાવ્યા બાદ વાપસી કરી હતી. થિયામે આ મેચમાં ૧૮ એસ અને ૭૪ વિનર્સ લગાવ્યા હતા પરંતુ તેણે ૫૮ અનફોર્સેડ એરર કરી હતી જેને કારણે મેચ ગુમાવવી પડી હતી. ગત ચેમ્પિયન રફેલ નડાલે આ વિજય સાથે યુએસ ઓપનમાં સતત ૧૨મી જીત મેળવી હતી. રફેલ નડાલ એક માત્ર ખેલાડી છે જેણે આ વર્ષે ચારેય ગ્રાન્ડ સ્લેમની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી શક્યો છે. રફેલ નડાલ વર્ષ ૨૦૦૬માં યુએસ ઓપનમાં પદાર્પણ કર્યા બાદ એકેય વખત ક્વાર્ટર ફાઇનલ પહેલાં હાર્યો નથી. નડાલે ટૂર્નામેન્ટમાં પોતાની સૌથી લાંબી મેચ રમ્યા બાદ કહ્યું કે, મારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. મેં જીત બાદ ડોમિનિકને સોરી કહ્યું હતું. તે શાનદાર ખેલાડી છે અને તેનામાં ભવિષ્યમાં  ટાઇટલ જીતવાની તક રહેલી છે.

સેમિફાઇનલમાં રફેલ નડાલનો સામનો આર્જેન્ટિનાના જુઆન માર્ટિન ડેલ પોટ્રો સામે થશે જેણે અન્ય એક ક્વાર્ટર ફાઇનલમાં અમેરિકાના જ્હોન ઇસનેરને ૬-૭, ૬-૩, ૭-૬, ૬-૨થી વિજય મેળવ્યો હતો. પોતાના ઘરેલુ ગ્રાન્ડ સ્લેમમાં પ્રથમ વાર ક્વાર્ટર ફાઇનલમાં રમી રહેલી ઇસ્નેરે પ્રથમ સેટ જીતી લીધો હતો પરંતુ ડેલ પોટ્રોએ ત્રણ કલાક ૩૧ મિનિટ સુધી ચાલેલી મેચમાં બાકીના ત્રણ સેટ જીતી સેમિમાં સ્થાન બનાવ્યું હતું. ૨૦૦૯ના યુએસ ઓપન ચેમ્પિયન ડેલ પોટ્રોએ સતત બીજી વખત યુએસ ઓપનની સેમિમાં પ્રવેશ મેળવ્યો હતો. ડેલ પોટ્રોએ મેચમાં ૪૯ વિનર્સ લગાવ્યા હતા. ડેલ પોટ્રોએ આ સાથે યુએસ ઓપનમાં જીત-હારનો રેકોર્ડ ૩૪-૮ કરી દીધો છે જ્યારે ઇસ્નેર સામે તેનો જીતનો રેકોર્ડ ૮-૪ થઈ ગયો છે.

બોપન્ના-વેસલિનની જોડીની હાર

ભારતીય ટેનિસ ખેલાડી રોહન બોપન્ના અને તેના જોડીદાર ફ્રાન્સના એડુઅર્ડ રોજર વેસેલિનની જોડીનો યુએસ ઓપનમાં પુરુષ ડબલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પરાજય થયો હતો. ઇન્ડો-ફ્રાન્સ જોડીને કોલંબિયાના જુઆન સેબેસ્ટિયન કાબેલ અને રોબર્ટ ફારાહની જોડીએ ૬-૩, ૬-૪થી વિજય મેળવ્યો હતો.

ગત ચેમ્પિયન સ્ટીફન્સ આઉટ, સેરેના અંતિમ ચારમાં

૨૩ વખતની ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન સેરેના વિલિયમ્સે પૂર્વ નંબર વન કેરોલિના પ્લિસ્કોવાને પરાજય આપી સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે પરંતુ ગત વર્ષની ચેમ્પિયન સ્લોએન સ્ટીફન્સનો પરાજય થતાં બહાર થઈ ગઈ છે. સેરેના વિલિયમ્સે ચેક ગણરાજ્યની કેરોલિના પ્લિસકોવાને છેલ્લી ૧૩ પૈકી ૧૦ ગેમમાં જીત મેળવી ૬-૪, ૬-૩થી વિજય મેળવ્યો હતો. સેરેના અને પ્લિસ્કોવા બે વર્ષ પહેલાં અહીં ૨૦૧૬માં ટકરાયા હતા જ્યાં સેરેનાનો પરાજય થયો હતો. સેરેનાનો આ વર્ષે ટોપ-૧૦માં સામેલ ખેલાડી સામે પ્રથમ વિજય હતો. સેમિફાઇનલમાં સેરેના વિલિયમ્સનો સામનો લેટવિયાની અનાસ્તાસિયા સેવાસ્તોવા સામે થશે. સેવાસ્તોવાએ ગત વર્ષની ચેમ્પિયન સ્લોએન સ્ટીફન્સને ૬-૨, ૬-૩થી હરાવી અંતિમ ચારમાં સ્થાન બનાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે સ્લોએન સ્ટીફન્સે યુએસ ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં સેવાસ્તોવાને પરાજય આપી બહાર કરી હતી. હવે સેવાત્સોવાએ આ જીત સાથે પ્રથમ વખત યુએસ ઓપનની સેમિમાં પ્રવેશ મેળવ્યો છે અને યુએસ ઓપનની સેમિમાં પહોંચનાર લેટવિયાની પ્રથમ ખેલાડી બની ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન